વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સોમનાથમાં સમુ્દ્ર વોક વે, જૂનું સોમનાથ મંદિર, સોમનાથના ખંડિત અવશેષોની પ્રદર્શનીનું લોકાર્પણ અને પાર્વતિ મંદિરનો શિલાન્યાસ કર્યો
કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ચ્યુઅલી હાજરી આપી, સોમનાથ મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિથી વિકાસકાર્યોની લોકાર્પણ વિધિ સંપન્ન કરવામાં આવી
સોમનાથનું મંદિર વિનાશથી વિજયનું સૌથી મોટું પ્રતિક, આજના સાગર વોક-વે સહિતની વિકાસ કાર્યોથી પર્યટનને વેગ મળશે – કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની સોમનાથ ટ્રસ્ટમાં નિયુક્તિ બાદ તેમણે છેલ્લા 10 વર્ષમાં અનેક વિકાસ થયો – મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી
(વિવેક આચાર્ય દ્વારા)
સોમનાથ, તા.20
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ તીર્થધામમાં અનેક પ્રકલ્પોનું વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાઇ રિમોટ દ્વારા લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના સોમનાથના પવિત્ર ધામમાં બહુ મહત્વના ચાર વિકાસ કાર્યોનું રિમોટ દ્વારા લોકાર્પણ કર્યું હતુ. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ચ્યુઅલી હાજરી આપી હતી. સોમનાથ મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિથી વિકાસકાર્યોની લોકાર્પણ વિધિ સંપન્ન કરવામાં આવી હતી. પવિત્ર શ્રાવણ માસના પર્વ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે મંદીર ખાતે યાત્રિ સુવિધાના અનેક વિધ પ્રોજેક્ટનું ઇ-લોકાર્પણ અને શિલાન્યાસ કરાયુ હતુ. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સોમનાથ ખાતે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે સુંદર વૉક-વેનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું, તો સોમનાથમાં યાત્રી સુવિધાના મહત્ત્વના પ્રોજેક્ટ સમુદ્ર દર્શન પથ (પ્રોમોનેડ), સોમનાથ એક્ઝિબિશન ગેલેરી, માતોશ્રી અહલ્યાબાઇ નિર્મિત જૂના સોમનાથ મંદિર (1783) નવનિર્મિત પરિસરનું લોકાર્પણ પણ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે કરવામાં આવ્યું, ઉપરાંત, કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામનારા ભવ્ય પાર્વતી મંદિરના શિલાન્યાસ વિધિ કરવામાં આવી હતી.
આ પ્રસંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પોતાનું વકતવ્ય જય સોમનાથથી સંબોધન કરીને શરૂ કર્યું હતું. વડાપ્રધાનશ્રી મોદીએ જણાવ્યું કે, હુ વચર્યુઅલી જોડાયો છું, પણ મનથી હુ સ્વંયને સોમનાથના ચરણમાં અર્પણ કરુ છું. હુ ખુશ છું કે મને પુણ્ય કામની તક મળી છે. આજે આપણે આ પવિત્ર કામના સાક્ષી બન્યા છે. આજે મને સમુદ્ર દર્શન પથ, સોમનાથ પ્રદર્શન ગેલેરી અને જીર્ણોદ્વાર બાદ નવા સ્વરૂપમાં જૂના સોમનાથ મંદિરના લોકાર્પણનું સૌભાગ્ય મળ્યુ છે. આટલો પુનિત સહયોગ અને સાથે શ્રાવણનો પવિત્ર મહિનો… આ તમામ માટે ભગવાન સોમનાથના આર્શીવાદની સિદ્ધી છે. લોહપુરુષ સરદાર પટેલના ચરણોમાં નમન કરું છું, જેમણે ભારતના પ્રાચીન ગૌરવને જીવંત કર્યું. તેમણે મંદિરને સ્વતંત્ર ભારતના સ્વતંત્ર ભારત સાથે જોડાયેલ માનતા હતા. આઝાદીના 75 માં વર્ષે આપણે તેમના પ્રયાસોને આગળ વધારીએ છીએ. સોમનાથને નવી ભવ્યતા આપી છે. લોકમાતા અહલ્યાબાઈ હોલકરને મારા પ્રણામ છે. જેમણે અનેક મંદિરોના જીર્ણોદ્વાર કરાવ્યા. પ્રાચીન અને આધુનિકતાનું સંગમ તેમણે કરાવ્યું. પર્યટન સાથે જ્યારે આધુનિકતા સાથે જોડાય તો કેવા બદલાવ આવે છે તે ગુજરાતે જોયુ છે. સાથીઓ સ્ટેચ્યૂ ઑફ યુનિટીથી લઈને કચ્છના કાયાકલ્પ સુધી પર્યટનથી જે આધુનિકતા બને છે તે ગુજરાતે જોયું છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, સોમનાથ સદીઓથી શિવની ભૂમિ રહી છે. જે કલ્યાણને જે સિદ્ધિને પ્રદાન કરે છે તે શિવ છે. શિવ વિનાશમાં પણ વિકાસનું બીજ અંકુરિત કરે છે. સંહારમાં સર્જનને જન્મ આપે છે. તેથી શિવ અવિનાશી છે. તે અવ્યક્ત છે. શિવ અનાદી છે. તેથી શિવને અનાદી યોગી કહેવાય છે. સોમનાથનું આ મંદિર આપણા આત્મવિશ્વાસનું પ્રેરણાસ્થળ છે. દુનિયામાં કોઈ આ ભવ્ય સંરચનાને જુઓ તો તેને માત્ર મંદિર નથી દેખાતુ, પણ તેને એવુ અસ્તિત્વ દેખાય છે જે હજારો વર્ષોથી પ્રેરણા આપે છે. આ એવુ સ્થળ છે, જેને હજારો વર્ષો પહેલા આપણા ઋષિઓએ પ્રકાશનું ક્ષેત્ર બતાવ્યું છે. જે આજે વિશ્વ સામે આહવાન કરે છે કે સત્યને અસત્ય સામે હરાવી શકાતુ નથી. આ મંદિરને સેંકડો વર્ષોના ઈતિહાસમાં અનેકવાર તોડાયું છે. મૂર્તિઓને ખંડિત કરાયું. તેનુ અસ્તિત્વ મટાવવાનો પ્રયાસ કરાયો. પરંતુ તેને જેટલીવાર પાડવામાં આવ્યું, તે એટલીવાર ઉભુ થયું. તેથી તે આજે માત્ર ભારત જ નહિ, પણ સમગ્ર વિશ્વ માટે વિશ્વાસ અને આશ્વાસનનું પ્રતીક છે. જે આતંકના જોરે સત્તા મેળવવા માટે કેટલાક ક્ષણે ભલે હાવી થઈ જાય પરંતુ તે વધુ લાંબો સમય તે માનવતાની આસ્થાને કચડી નહીં શકે. સોમનાથ મંદિરના પુન:નિર્માણથી લઈને આજની આ વિકાસ યાત્રા સદીઓની ઇચ્છા શક્તિ અને વૈચારિક નિરંતરતાનું પરિણામ છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઉમેર્યું કે, ડો.રાજેન્દ્ર પ્રસાદ સોમનાથ આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે, સદીઓ પહેલા ભારત સોના-ચાંદીનો ભંડાર હતું. દુનિયાભરના સોનાનો હિસ્સો ભારતના મંદિરમાં હતા. પ્રથમ રાષ્ટ્રપતિનું આ સપનુ આપણા માટે મોટી પ્રેરણા છે. સૈૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો પ્રયાસ… આપણે ત્યાં જે જ્યોતિર્લિંગની સ્થાપના કરાઈ છે, તેની શરૂઆત સોમનાથથી થાય છે. 12 જ્યોર્તિલિંગ સમગ્ર ભારતને જોડવાનુ કામ કરે છે. તેવી જ રીતે ચારેય ધામ, શક્તિપીઠ, તીર્થધામ આપણી આસ્થા એક ભારત શ્રેષ્ઠ ભારત બતાવે છે. દુનિયા સદીઓથી આશ્ચર્યચકિત થતુ આવ્યુ છે કે વિવિધતાઓથી ભરેલુ ભારત એક કેવી રીતે છે.
આપણે એકબીજાની ભાષા નથી સમજતા, પણ આદતોથી બધા એક છે. આ બાબતે સદીઓથી ભારતને એકતાના સૂત્રને બાંધવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આપણુ દાયિત્વ છે કે તેને સતત મજબૂત કરતા રહેવુ. દર્શન, સંસ્કૃતિ અને આધ્યાત્મ તરફ સૌ આકર્ષિત થઈ રહ્યા છે. નવી પેઢીમાં પણ આ મામલે જાગૃતતા આવી છે. તેથી જ આધ્યાત્મિક ટુરિઝમમાં અનેક શક્યતાઓ છે. તેથી જ પ્રાચીન ગૌરવને પુનજીવિત કરવામાં આવી રહ્યા છે. રામાયણ સર્કિટનું ઉદાહરણ આપણી સામે છે.
આપણા પૂર્વજોને દીર્ઘદ્રષ્ટિ એટલી હતી કે, તેમણે દૂરના વિસ્તારોને પણ આસ્થા સાથે જોડવાનો પ્રયાસ કર્યો. જ્યારે આપણી પાસે આધુનિક સુવિધાઓ આવે તો આપણે તેને દુર્ગમ સમજીને છોડી દીધા. આપણા પર્વતીયા વિસ્તારો તેનુ મોટુ ઉદાહરણ છે. પરંતુ હવે આપણે તેને પણ આવરી લીધા છે. શહેરોને જોડવા માટે કનેક્ટિવિટી પર પણ કામ કરાઈ રહ્યુ છે. જેથી પર્યટક એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકે. આ તમામ પ્રોજેક્ટ ટુરિઝમ ઈન્ડસ્ટ્રીને આગામી સમયમાં નવી ઉર્જા આપશે. ભારત 2013 માં ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ઈન્ડેક્સમાં 63 માં સ્થાન પર હતું, તે 2019 માં 34 માં સ્થાન પર આવી ગયુ છે. ટુરિઝમ સેન્ટરમાં હોસ્પિટાલિટી સેક્ટર સાથે જોડવાથી અનેક ફાયદા થશે.
લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, સૌભાગ્ય છે કે સોમનાથ ટ્રસ્ટમાં પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સામેલ છે. તેમણે સોમનાથના વિકાસમાં નવી ગતિ આપી છે. આ વિકાસ કાર્યોથી સોમનાથનો પ્રાચીન વૈભવ પરત મળ્યો છે. પ્રભાસ તીર્થને સુંદર બનાવવામાં પીએમ મોદીનો ભગીરથ પ્રયાસ રહ્યો છે. પ્રાચીન તીર્થની ગરિમા આજે આકાશ આંબી રહી છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની સોમનાથ ટ્રસ્ટમાં નિયુક્તિ બાદ તેમણે છેલ્લા 10 વર્ષમાં અનેક વિકાસ થયો છે. સોમનાથ મંદિરના ગર્ભગૃહ, દરવાજા, ત્રિશૂલ અને શિખરને સ્વર્ણ મઢીત કરવાથી ઈતિહાસ ફરીથી ગૌરવાન્વિત થયો છે. ભારત સરકારે દ્વારકા અને સોમનાથના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. સોમનાથમાં પર્યાપ્ત શૌચાલય, પાર્કિગની સુવિધા અને પ્રસાદ યોજનાની શરૂઆત કરી હતી. આજે વડાપ્રધાને સાગર દર્શનની શરૂઆત કરાવી. આ ઉપરાંત પાર્વતી મંદિરનો શિલાન્યાસ અને જૂના સોમનાથ પરિસરના નિર્માણથી ભક્તોને અનોખો અનુભવ થશે. 80 કરોડથી વધુના ખર્ચે આ ચાર પરિયોજના શરૂ થવા જઈ રહી છે. દર મહિને 6 કરોડથી વધુ ઓનલાઇન દર્શનાર્થીઓ સાથે સોમનાથ મંદિર અગ્રેસર છે.
કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, વર્ષ 2010માં તત્કાલીન મુખ્યમંત્રી પીએમ મોદી આ ટ્રસ્ટમાં જોડાયા ત્યારથી આ તીર્થના વિકાસ માટે તેમણે ખૂબ વિકાસ કર્યો છે. તીર્થના આસપાસના ક્ષેત્રને ઝોન બનાવીને વિકાસ કરવામાં આવ્યો. ટ્રાન્સપોર્ટેશન સાથે રેલવે, એસટી અને અન્ય માધ્યમોને જોડીને વિકાસ કરવામાં આવ્યો. વડાપ્રધાનના માર્ગદર્શનમાં ડિજિટલ દર્શનમાં સોમનાથ અગ્રેસર છે. સોમનાથનું મંદિર વિનાશથી વિજયનું સૌથી મોટું પ્રતિક છે. આજના સાગર વોક-વેથી પર્યટનને વેગ મળશે. પહેલાં અહીંયા માતા પાર્વતીનું એક મંદિર હતું એવું પુરાણોમાંથી જાણવા મળે છે તેથી અહીંયા શિવજીના મંદિર પાસે રૂ.30 કરોડના ખર્ચે એક પાર્વતી મંદિરનું નિર્માણ કરવામાં આવશે.
બોક્ષ – વડાપ્રધાનશ્રી દ્વારા સોમનાથમાં કયા મહત્વના વિકાસકાર્યોનું લોકાર્પણ
સોમનાથથી મંદિરથી થોડે દૂર 30 કરોડના ખર્ચે પાર્વતી મંદિર બનાવાશે તેનું પ્રધાનમંત્રી વર્ચ્યુઅલી ભૂમિપૂજન કર્યું
સોમનાથ મંદિરની પાછળ આવેલા દરિયાકિનારે 49 કરોડ રૂપિયાના ખર્ચે વોક વે ખુલ્લો મૂકાયો. એક કિલોમીટર લાંબા વોક વેને ‘સમુદ્ર દર્શન’ નામ અપાયું છે
પ્રાચીન કલાકૃતિ ધરાવતું નવનિર્મિત મ્યુઝિયમ અને અહલ્યાબાઈ હોલકર મંદિરનું ઉદ્ઘાટન કરાયું
સોમનાથ મંદિર નજીક અંદાજે 25 કરોડના ખર્ચે પાર્વતી મંદિરનો શિલાન્યાસ PM ના હસ્તે કરાયું
#bharatmirror #bharatmirror21 #news