પીરાણા ડમ્પીંગ સાઇટ પર ગ્રીન કવર કરવાનો અમ્યુકોનો અનોખો પ્રયાસ – આગામી દિવસોમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે
અમ્યુકો દ્વારા મીશન મિલિયન ટ્રી પ્રોજેક્ટ અંતર્ગત પીરાણા ડમ્પીંગ સાઇટને હરિયાળી બનાવવાનો પર્યાવરણીય અભિગમ
અમદાવાદ, તા.19
અમદાવાદ શહેર અને તેની આસપાસના દૂર દૂરના વિસ્તારોમાંથી ગંદા અને કચરાના મોટા ઢગ ઉપાડી લાવી જયાં ઠાલવવામાં આવે છે અને વિશાલા સર્કલથી નારોલ તરફ જતાં રસ્તામાં આવતી આ પીરાણા ડમ્પીંગ સાઇટ મોટા પર્વત સમાન આકાર લઇ ચૂકી છે અને આ વિસ્તારમાં પ્રદૂષણ ગંભીર રીતે વધી રહ્યું છે ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશે તેની મીશન મિલિયન ટ્રી પ્રોજેકટ અંતર્ગત પીરાણા ડમ્પીંગ સાઇટને હરિયાળી બનાવવાનો એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જેના અનુસંધાનમાં પીરાણા ડમ્પીંગ સાઇટ ખાતે એક હજાર જેટલા વૃક્ષો વાવી તેને હરિયાળી અને પર્યાવરણીય વાતાવરણથી યુકત બનાવવાનું આયોજન ચાલી રહ્યું છે. પીરાણા ડમ્પીંગ સાઇટને હરિયાળી બનાવવાના અમ્યુકોના આ નવતર અભિગમને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે આગામી દિવસોમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં વિશેષ કાર્યક્રમ પણ યોજાશે.
પીરાણા ડમ્પીંગ સાઇટ પર ગ્રીન કવર કરવાના અમ્યુકોના આ અનોખા પ્રયાસને લઇ પર્યાવરણવિદ્દો અને સ્થાનિક લોકોમાં પણ રાહતની લાગણી ફેલાવા પામી છે. આગામી દિવસોમાં અમદાવાદમાં આવેલા પીરાણા ડમ્પીંગ સાઇટ પર મોટા પાયે ગ્રીનરી કરવાની તૈયારી કોર્પોરેશન કરી રહ્યું છે. ડમ્પીંગ સાઇટ પર એક હજાર વૃક્ષો લગાવવામા આવશે. વૃક્ષારોપણના આ વિશેષ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી પણ ઉપસ્થિત રહેનાર છે. પીરાણા ડમ્પીંગ સાઇટ શહેરની મોટી સમસ્યા છે ત્યારે તેના કચરાને દૂર કરવાની કામગીરી ઝડપથી અને અસરકારક રીતે કરાઇ રહી છે પરંતુ જેટલો કચરો દૂર કરાય છે ત્યાં તો બીજો નવો કચરો ત્યાં ઠલવાઇ જાય છે, જેને લઇ ધાર્યુ પરિણામ હજુ મળી રહ્યું નથી પરંતુ તેમછતાં હવે અમ્યુકો પીરાણા ડમ્પીંગ સાઇટની સમસ્યાના નિવારણ માટે મક્કમ છે અને તેથી આ વિસ્તારમાં પ્રદૂષણ ઘટાડવા માટે તેમજ શહેરના ગ્રીનરીમાં વધારો કરવા માટે પીરાણા ડમ્પીંગ સાઈટ પર એક હજાર વૃક્ષો વાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
એક હજાર વૃક્ષો વાવવાના આયોજનના ભાગરૂપે પીરાણા ડમ્પીંગ સાઇટ પર તેની તૈયારી પણ પૂરજોશમા ચાલી રહી છે. હાલમાં પીરાણા ડમ્પીંગ સાઈટ ખાતે માટી અને ખાતર નાખી જમીન સમતલ કરવાની કામગીરી ચાલી રહી છે. તો સાથે એક હજારમાંથી 100 જેટલા વૃક્ષો તો વાવી પણ દેવામા આવ્યા છે. જેમાં લીમડો, આસોપાલવ, પીપળો જેવા ઘટાદાર વૃક્ષો વાવી ઓક્સિજનમાં વધારો થાય તેવા પ્રકારનું ખાસ આયોજન થઇ રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે, પીરાણા ડમ્પીંગ સાઇટ ખાતેથી.કચરા નિકાલની કામગીરીમાં અત્યાર સુધી 40 લાખ મેટ્રિક ટન ઉપર કચરો ખાલી કરી 24 એકર જમીન ખાલી કરવામાં આવી છે. તો હજુ પણ કચરો નિકાલ અને પ્રોસેસની કામગીરી ચાલુ છે. આગામી દિવસોમાં પીરાણા ડમ્પીંગ સાઇટની સમસ્યાનું મહત્તમ નિવારણ કરી ગ્રીન કવર કરી આ વિસ્તારની આખી કાયાપલટ કરવાનો નિર્ધાર અમ્યુકો દ્વારા વ્યકત કરાયો છે અને તેના ભાગરૂપે જ અમ્યુકો દ્વારા પીરાણા ડમ્પીંગ સાઇટ પર હરિયાળી ક્રાંતિ સર્જવાનું આયોજન હાથ ધરાયું છે.
#bharatmirror #bharatmirror21 #news