સ્થાનિક નાગરિકો અને આ રસ્તેથી પસાર થતાં સેંકડો વાહનચાલકોને હાલાકી – લોકોમાં તંત્ર પરત્વે ઉગ્ર રોષ
સૈજપુર બોધા વોર્ડમાં પણ ખોદકામ પાસે પાઇપલાઇન લીકેજ થતા હજારો લીટર પાણી વેડફાયું – અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ બોર્ડ અને પટ્ટી મારી સંતોષ માન્યો
અમદાવાદ, 13
અમદાવાદ શહેરમાં ચોમાસા દરમ્યાન રોડ પર પાણી ભરાઈ જતા હોય જ છે પરંતુ હવે શહેરમાં પાણીની પાઇપલાઇન તૂટવાના બનાવો વધી રહ્યા છે. રામોલ હાથીજણ વોર્ડમાં આવતા હાથીજણ રોડ પર લાલગેબી આશ્રમ પાસે પાણીની પાઇપલાઇન તુટી જતા હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે. હજારો લિટર આ પાણી રસ્તા પર ફરી વળતાં આ વિસ્તાર જાણે કે, પાણીમાં ગરકાવ બન્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. જેને લઇ સ્થાનિક નાગરિકો અને આ રસ્તેથી પસાર થતાં સેંકડો વાહનચાલકોને ભારે હાલાકીનો ભોગ બનવુ પડી રહ્યું છે, જેને લઇ લોકોમાં ઉગ્ર રોષની લાગણી પ્રવર્તી રહી છે. આ જ પ્રકારે, સૈજપુર બોધા વોર્ડમાં પણ છેલ્લા બે દિવસથી પાણીની પાઇપલાઇન તુટી ગઈ છે, જેથી રોડ પર પાણી ભરાઇ જતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
અમદાવાદ શહેરના રામોલ હાથીજણ વોર્ડમાં આવેલ હાથીજણ રોડ પર લાલગેબી આશ્રમ જવાના રસ્તા પાસે પાણીની પાઇપલાઇન તુટી જતાં હજારો લિટર પાણી રોડ વહેવા લાગ્યું છે. રોડ પર પાણી ફરી વળતાં વાહનચાલકોને હાલાકી પડી રહી છે. કોર્પોરેશન તંત્રએ માત્ર બોર્ડ અને પટ્ટી મારી દીધી છે પરંતુ હજુ સુધી સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી નથી. એકબાજુ, શહેરમાં પાણીની તંગી છે ત્યારે અહીં હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. આ જ રીતે સૈજપુર બોધા વોર્ડમાં રોડ પર ખોદકામ કરેલી જગ્યા પાસે જ પાણીની પાઇપલાઇન લીકેજ થઈ જતા પાણી રોડ પર ફરી વળ્યું છે. નાના એવા સાંકડા રસ્તા પર ખોદકામ સાથે પાઇપલાઇન તુટી જતા કાદવ કીચડ અને પાણી ભરાઈ ગયા છે. લોકોને પાણીમાંથી જવાની ફરજ પડી રહી છે. અવારનવાર દરેક વિસ્તારમાં કોઈને કોઈ કારણે આવી પાઈપલાઇન તૂટી જાય છે પરંતુ કોર્પોરેશનના અધિકારી દ્વારા કામગીરી કરવામાં આવતી નથી જેથી નાગરિકોને હાલાકી ભોગવવી પડે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રેઢિયાળ અને અણઘડ વહીવટને લઇ લોકોમાં હવે ઉગ્ર રોષની લાગણી સામે આવી રહી છે.