અમદાવાદ શહેરમાં નવા વિસ્તાર તરીકે સમાવિષ્ટ બોપલ અને ઘુમા વિસ્તારના લોકોને નવરાત્રી સુધી ટેક્સ ભરવાનો રહેશે
80 ટકા આકારણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે – જેમાં 40,000 મિલકતમાંથી 32,000 મિલકતની આકારણી પૂર્ણ બિલ મોકલી ટેક્ષ ભરવા જાણ કરવામાં આવશે
રેલવે વિભાગ સાથે અન્ય મિલકતો મળી અંદાજે રૂ.2500 કરોડ જેટલો ટેક્સ ભરપાઈ કરવાનો બાકી હોય તેવા એકમોનું લિસ્ટ પણ અમ્યુકો દ્વારા તૈયાર
અમદાવાદ, 13
અમદાવાદ મનપામાં આજે રેવન્યુ કમિટીની બેઠક મળી હતી, જેમાં નવા સમાવિષ્ટ વિસ્તારોને ટેક્સ માટે આકારણીનું કામ પૂર્ણતાના આરે છે. ખાસ કરીને બોપલ અને ઘુમા જેવા વિસ્તારોના લોકોને નવરાત્રિ સુધીમાં ટેક્સ ભરવાનો આવશે. બીજીબાજુ, રેલ્વે વિભાગનો અમ્યુકોને ચૂકવવાનો થતો અધધધ…..રૂ.21 કરોડનો ટેક્સ બાકી નીકળે છે. જેને લઇ હવે અમ્યુકો પણ આક્રમક મૂડમાં આવ્યું છે અને રેલ્વે વિભાગમાં બાકીનો ટેક્સ ભરવા માટે સાંસદ અને રેલ્વે મંત્રાલયને જાણ કરવામાં આવી છે. જો જલ્દી જ આ ટેક્સની ભરપાઈ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આજે મળેલી રેવન્યુ કમિટીમાં ચર્ચાનો મુદ્દો રહ્યો હતો રેલ્વે વિભાગ. રેલ્વે વિભાગ દ્વારા રૂ.21 કરોડનો ટેક્સ બાકી છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સાંસદ અને કેન્દ્રીય રેલવે મંત્રાલયને ફરી એક વાર જાણ કરવામાં આવી છે. આગામી એક માસ દરમિયાન ટેક્સની ભરપાઈ કરવામાં નહીં આવે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. રેલવે વિભાગ સામે કોર્ટ કાર્યવાહી કર્યા બાદ આગામી કચેરી સામે કાર્યવાહી કરવા વિચારણા રેલવે વિભાગ સાથે અન્ય મિલકતો મળી અંદાજે રૂ.2500 કરોડ જેટલો ટેક્સ ભરપાઈ કરવાનો બાકી હોય તેવા એકમોનું લિસ્ટ પણ બનાવાયું છે. રેલવે વિભાગ બાદ અન્ય એકમો સાથે મનપા ટેક્સ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે.
મનપા ખાતે મળેલી રેવન્યુ કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં કોમર્શિયલ પ્રોપર્ટી ધરાવતા અને પ્રોપટી ટેક્સ નહીં ભરતા એકમો સામે તવાઈ બોલવાની તૈયારી મનપાએ કરી છે. આ વર્ષથી બિલ મોકલી લોકોને ટેક્સ ભરવા જાણ કરવામાં આવશે. અમદાવાદ શહેરના 7 ઝોનમાંથી પૂર્વ અને દક્ષિણ ઝોનમાં બિલ મોકલ્યા છે. જ્યારે અન્ય ઝોનમાં પ્રક્રિયા ચાલુ છે. 75 હજાર એકમોના પ્રોફેશનલ ટેક્સની ભરપાઈ ન કરતા હોવાનું પણ સામે આવ્યું છે. આગામી સપ્તાહ સુધીમાં પ્રોફેશનલ ટેક્સ માટેના બિલ મોકલવાની શરૂઆત કરવામાં આવશે. બાકી રહેલા મિલકતધારકો ત્રણ વર્ષનો ટેક્સ વ્યાજ સાથે ભરપાઈ કરે અને ડેકલેરેશન આપે તો કાર્યવાહી નહિ થાય અને પ્રોફેશનલ ટેક્ષ નંબર આપી દેવાશે. 75 હજાર એકમ પાસેથી રૂ.100 કરોડની આવક થવાનો મનપાનો અંદાજ છે.
તો બીજી તરફ નવા સમાયેલા વિસ્તારો જેવા કે બોપલ અને ઘુમા વિસ્તારના નાગરિકો નવરાત્રી સુધીમાં ટેક્સ ભરવા તૈયાર રહેવું પડશે. મનપા દ્વારા આકારણી અંગેનો સર્વે પૂર્ણતાના આરે છે. 80 ટકા આકારણીની કામગીરી પૂર્ણ થઈ છે. જેમાં 40,000 મિલકતમાંથી 32,000 મિલકતની આકારણી પૂર્ણ બિલ મોકલી ટેક્ષ ભરવા જાણ કરવામાં આવશે.