આજથી શ્રાવણ માસના પ્રારંભની સાથે સાથે આજે પહેલો સોમવાર પણ હોઇ સોમનાથ મહાદેવ, નાગેશ્વર મહાદેવ સહિતના તીર્થધોમામાં શિવભકતોનું ઘોડાપૂર ઉમટયુ
અમદાવાદ સહિત રાજયભરના શિવાલયોમાં પણ ભોળાનાથને પ્રસન્ન કરવા શિવભકતોની ભીડ જામી – જો કે, મોટાભાગના શિવાલયોમાં કોવીડ ગાઇડલાઇન્સનું ચુસ્ત પાલન કરાવાયુ
કોરોનાનું સંક્રમણ વધુ ના ફેલાય તે હેતુથી કાશી વિશ્વનાથ મહાદેવ, કામેશ્વર મહાદેવ સહિતના શિવાલયોમાં શ્રધ્ધાળુ ભકતોને ગર્ભ ગૃહમાં પ્રવેશ નહી
પવિત્ર શ્રાવણ માસને લઇ શિવભકતોમાં ભારે ઉત્સાહ અને ભકિતનો માહોલ – શિવાલયોમાં પણ ઓમ નમઃ શિવાય, મહામૃત્યુંજય જાપની ધૂનો વાગી
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ, 8
દેવાધિદેવ મહાદેવના અતિ પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે. શ્રાવણ માસના પ્રારંભની સાથે સાથે આજે પહેલો સોમવાર પણ હોઇ સોમનાથ મહાદેવ, નાગેશ્વર મહાદેવ સહિતના તીર્થધોમામાં શિવભકતોનું ઘોડાપૂર ઉમટયુ છે. અમદાવાદ સહિત રાજયભરના શિવાલયોમાં પણ ભોળાનાથને પ્રસન્ન કરવા શિવભકતોની ભીડ જામી છે, અમદાવાદ શહેર સહિત રાજયભરના શિવાલયો હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાયના પવિત્ર જયઘોષથી ગુંજી ઉઠયા હતા. વહેલી સવારથી જ દેવાધિદેવ મહાદેવના દર્શન, દૂધ-જળાભિષેક, બિલ્વપત્રનો અભિષેક, ચોખા-કાળા તલ સહિતના ધાન્યનો અભિષેક કરવા શ્રધ્ધાળુ ભકતોએ ભારે પડાપડી કરીહતી. સૌરાષ્ટ્રના જગ વિખ્યાત એવા સોમનાથ મહાદેવને તો શ્રાવણ માસને લઇ બહુ જ આકર્ષક અને દિવ્યતા સાથે શણગારવામાં આવ્યું છે. જો કે, કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને ભકતોને શ્રાવણ માસ દરમ્યાન ત્રણ ટાઇમ થતી આરતીમાં પ્રવેશ આપવા પર મનાઇ ફરમાવાઇ છે. માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સીંગ સહિતની કોવીડ ગાઇડલાઇન્સનું મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક તંત્ર દ્વારા પાલન કરાવાતુ જોવા મળતુ હતું.
આ જ પ્રકારે અમદાવાદ શહેર સહિત રાજયભરના મોટાભાગના શિવાલયોમાં કોવીડ ગાઇડલાઇન્સનું ચુસ્ત પાલન કરાવાઇ રહ્યું છે. અલબત્ત, કોરોનાનું સંક્રમણ વધુ ના ફેલાય અને કોવીડ ગાઇડલાઇન્સનું ચુસ્ત પાલન જળવાઇ રહે તે હેતુથી શહેરના કેટલાક મુખ્ય અને મોટા શિવાલયોમાં ગર્ભગૃહમાં પ્રવેશ પર પાબંદી ફરમાવાઇ છે. અમદાવાદનાં મુખ્ય મંદિર જેવા કે કાશી વિશ્વનાથ, ચંદ્રેશ્વર મહાદેવ, કામેશ્વર મહાદેવ, કોટેશ્વર મહાદેવ અને ચકુડિયા મહાદેવ અને ભાડજના લમ્બેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોને ગર્ભગૃહમાં પ્રવેશ કરવા પર મનાઇ ફરમાવાઇ છે. દર વર્ષે શ્રાવણ મહિના પહેલા દિવસથી જ ભક્તોની ભારે ભીડ હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાની માર્ગદર્શિકા-નિયમોના ચુસ્ત પાલન તેમ જ પ્રોટોકોલના કારણે દર વર્ષની સરખામણીમાં પ્રમાણમાં ઓછી ભીડ જોવા મળી હતી. અલબત્ત શિવભકતોનો શ્રાવણ માસને લઇ ઉત્સાહ અને ભકિત યથાવત્ છે. આ વખતે પવિત્ર શ્રાવણ માસની શરૂઆત સોમવારથી થઈ રહી છે અને તેનું સમાપન પણ સોમવારના દિવસે જ થઇ રહ્યુ છે, વળી, આ વખતે શ્રાવણ માસ દરમ્યાન પાંચ સોમવાર આવે છે. દેવાધિદેવ મહાદેવનો અતિ પ્રિય વાર સોમવાર હોઇ સોમવારથી પ્રારંભ થતા શ્રાવણ માસનું આ વખતે વિશેષ મહાત્મ્ય રહેશે. અમદાવાદ શહેર સહિત રાજયભરના શિવાલયોમાં અખંડ ઓમ નમઃ શિવાયના જાપ, મહામૃત્યુંજય મંત્રના જાપ, લઘુરૂદ્રી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
સોલા રોડ ચાંદની એપાર્ટમેન્ટ પાસેના પ્રસિધ્ધ અંબાજી માતાજી અને નીલકંઠ મહાદેવ મંદિરના મહારાજ હરેશભાઇ વ્યાસે જણાવ્યું હતું કે, આ વખતે કોરોના મહામારીના કારણે મંદિરમાં ભકતોને ફરજિયાતપણે માસ્ક, સોશ્યલ ડિસન્ટન્સીંગ સહિત કોવીડ ગાઇડલાઇન્સના ચુસ્ત પાલન સાથે જ પ્રવેશ આપવાની વ્યવસ્થા કરાઇ છે. જો કે, શ્રાવણ માસને લઇ ભકતોની લાગણીને ધ્યાનમાં રાખી દિવસના અમુક સમય દરમ્યાન તેઓને નીલકંઠ મહાદેવના શિવલિંગને જળ અને ફુલ-બિલ્વપત્ર ચઢાવવાની મંજૂરી આપવામાં આવી છે. આ વર્ષે મંદિરમાં શ્રાવણ માસના હિંડોળાના દર્શન પણ બહુ અદ્ભત અને ભકતોમાં ભારે આકર્ષણ જમાવી રહ્યા છે. હિંડોળામાં બાળગોપાલ લાલજી મહારાજને બિરાજમાન કરી રોજેરોજ અલગ-અલગ શણગાર અને ફુલો, ચોકલેટ સહિત ભગવાનને પ્રિય વસ્તુઓથી વિશેષ શ્રૃંગાર કરવામાં આવે છે. આ શ્રૃંગાર અને મંદિરના સાજ શણગાર અને અન્ય વ્યવસ્થામાં વર્ષોથી મંદિરમાં સેવા આપતા ચાંદની અંબાજી મંદિરના રણછોડ મંડળના ભીખીબહેન વાઘેલા સહિતની અન્ય બહેનોની મહેનત અને સેવા પણ દાદ માંગી લે તેવી છે કારણ કે, તેઓ વર્ષોથી નિઃસ્વાર્થભાવે સતત સેવા આપી રહ્યા છે. મંદિર ટ્રસ્ટ તરફથી પણ કોવીડ ગાઇડલાઇન્સના પાલન માટે પૂરતી કાળજી લેવાઇ રહી છે.
અમદાવાદના સુપ્રસિધ્ધ રખિયાલના ચકુડિયા મહાદેવ, રાયપુર ચકલાના ચકુડિયા મહાદેવ, થલતેજ ખાતેના કૈલાશ ટેકરી મહાદેવ, સારંગપુરના પ્રાચીન કર્ણમુકતેશ્વર મહાદેવ, બોડકદેવના પારદેશ્વર મહાદેવ, સોલા રોડ ચાંદની એપાર્ટમેન્ટ પાસેના નીલકંઠ મહાદેવ, ગાંધીનગરના સુપ્રસિધ્ધ ધોળેશ્વર મહાદેવ સહિતના શિવાલયો આજે પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે અને પ્રથમ સોમવારે હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, મહામૃત્યુંજય મંત્રના જાપથી ગુંજી ઉઠયા છે. શ્રાવણ માસને લઇ અમદાવાદ શહેરના વિવિધ શિવાલયોમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. તો, રાજયના જગવિખ્યાત સોમનાથ મહાદેવ, દ્વારકા પાસેના નાગેશ્વર મહાદેવ સહિતના બાર જયોર્તિલિંગ ધરાવતા સુપ્રિધ્ધ શિવાલયોમાં પણ દેવાધિદેવ મહાદેવની શ્રાવણ માસને લઇ વિશેષ પૂજા-અર્ચના, સાજ-શણગાર, મહાઆરતી અને પ્રસાદનું આયોજન કરાયુ છે. જો આ સુપ્રસિધ્ધ શિવાલયોમાં પણ કોવીડ ગાઇડલાઇન્સ અને પ્રોટોકોલનું ચુસ્ત પાલન કરવાનું શ્રધ્ધાળુ ભકતોને ફરમાવાયું છે. જગ વિખ્યાત સોમનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ દરમ્યાન સોમનાથ દાદાના રોજેરોજ અલગ-અલગ શ્રૃંગાર અને શણગારની વ્યવસ્થા કરવામાં આવી છે. આજે સોમનાથ મહાદેવને બોરસલ્લીનો બહુ અદ્ભુત અને દિવ્ય શ્રૃંગાર કરવામાં આવ્યો હતો, જેના દર્શન કરી શિવભકતોએ ભારે ધન્યતા અનુભવી હતી. સોમનાથ, દ્વારકા સહિતના તીર્થધામોમાં આજે શ્રાવણ માસના પ્રારંભે અને પ્રથમ સોમવારે ભકતોની લાંબી લાઇનો અને ભારે ભીડ જોવા મળી હતી.