મુખ્યમંત્રીશ્રીએ સીટીઝન સેન્ટ્રિક સેવાઓ નાગરિકોને સરળતાથી ઘરે બેઠા મળી શકે તે માટે “ઇ- નગર” મોબાઇલ એપ્લિકેશન પણ લોન્ચ કરી
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ શહેરી જનસુખાકારી દિન નિમિતે કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો પણ કરી
ઇન્ડસ્ટ્રીયલ પોલિસી અન્વયે મંજૂર કરાયેલા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક જે સત્તા મંડળમાં સમાવિષ્ટ હોય તેવા પાર્કને હવે થી ૪૦ ટકાને બદલે ૨૫ ટકા કપાત
નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ અને બેચરાજી શહેરના વિકાસ નકશાના ફાઇનલ નોટીફિકેશનને મંજૂરી આપવાની પણ જાહેરાત
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.8
ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલની સરાકરને પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે સરકાર દ્વારા આયોજિત નવ દિવસના કાર્યક્રમો પૈકી આજે રવિવારે આઠમા દિવસે શહેરી જન સુખાકારી દિવસમાં રાજ્યભરમાં ૪૧ સ્થળોએ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ શહેરી જન સુખાકારી દિનની ઉજવણી અંતર્ગત રાજ્યવ્યાપી બહુવિધ વિકાસ કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત અન્વયે રૂ.5001 કરોડના 471 વિકાસ કાર્યોની ભેટ રાજ્યની જનતાને આપી હતી. આજના પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના નગરોમાં સીટીઝન સેન્ટ્રિક સેવાઓ નાગરિકોને સરળતાથી ઘરે બેઠા મળી શકે તે માટે ડિજિટલ ક્રાંતિના વિનિયોગથી “ઇ- નગર” મોબાઇલ એપ્લિકેશન પણ લોન્ચ કરી હતી.
પાંચ વર્ષ આપણી સરકારના સૌના સાથથી સૌના વિકાસના ધ્યેય સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યવ્યાપી જનસેવા કામોનું યજ્ઞનું અનુષ્ઠાન આદર્યું છે ત્યારે આજે જન સુખાકારી દિન નિમિતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદમાં આયોજિત રાજ્યકક્ષાના મુખ્ય સમારોહમાં એકસાથે રૂ.૩૮૩૯.૯૪ કરોડના ૨૪૭ કામોના ખાતમુહૂર્ત અને ૧૧૬૧.૧૮ કરોડના ૨૨૪ કામોના લોકાર્પણ સંપન્ન કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે , આ પ્રજાહિતના વિકાસ કામો અમે જનતા જનાર્દને અમને સોંપેલી જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી. સાફ નિયત, નેક નીતિ થી કરી રહ્યા છીએ. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે ,સરકારો ચૂંટાયા પછી સત્તાના મદમાં આવી જતી હોય તેવું ભૂતકાળના વર્ષો સુધીના શાસનનોમાં જનતાએ જોયુ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, પ્રજા વર્ગો, સમાજ,માનવી, ગરીબ, પીડિત, વંચિત, શોષિત દરેક વ્યક્તિને આપણી સરકારની અનુભૂતિ થાય તેવી સંવેદના સાથે અનેક ફટાફટ નિર્ણય કરીને જનભાગીદારીથી ચાલતાં સુશાસનની પ્રણાલીને દેશનું મોડલ બનાવી છે.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં નગરો મહાનગરોનો વિકાસ સમયબદ્ધ આયોજન બદ્ધ અને ઝડપી પારદર્શિતા સાથે થઈ રહ્યો છે તેની છણાવટ કરતા નગરો-મહાનગરોના તંત્ર સત્તાધીશો અને શાસકોને આહવાન કર્યું કે, તાકાત હોય એટલા વિકાસકામો કરો નાણાંની જરૂરિયાત રાજ્ય સરકાર પૂર્ણ કરશે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ શહેરી જનસુખાકારી દિવસે કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો પણ કરી હતી .
તેમણે આ જાહેરાત કરતા જણાવ્યું કે રાજ્યમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળે વધુ રોજગારી નિર્માણ થાય અને આર્થિક સમૃદ્ધિ વધે તેવા બહુવિધ વિકાસ અભિગમને કેન્દ્ર સ્થાને રાખી આપણે આ ક્રાંતિકારી નિર્ણય કર્યા છે. આ અંગે વધુમાં જાહેર કર્યું કે, ઇન્ડસ્ટ્રીયલ પોલિસી અન્વયે મંજૂર કરાયેલા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક જે સત્તા મંડળમાં સમાવિષ્ટ હોય તેવા પાર્કને હવે થી ૪૦ ટકાને બદલે ૨૫ ટકા કપાત કરવામાં આવશે .
આના પરિણામે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટને પંદર ટકા ઓછી કપાત આપવાની થશે અને આ વિસ્તારમાં વધુ વિકાસ થઇ શકશે. મુખ્યમંત્રીશ્રીએ આ ક્રાંતિકારી નિર્ણય અંગે એમ પણ જણાવ્યું કે, આવી ૧૫ ટકા કપાતવાળી જમીન ઉપર ગ્રીન કવર, ગ્રીન પ્લાન્ટેશન, પબ્લિક ગાર્ડન, પ્લે ગ્રાઉન્ડ, માર્કેટ, મિલ્ક ડેરી, રિક્રિએશન,રેસ્ટોરન્ટ ,આર્થિક રીતે નબળા વર્ગના લોકોના આવાસ માટે કે તેવા જાહેર હેતુ માટે જરૂરિયાત મુજબ સત્તામંડળ નિર્દિષ્ટ કરી શકશે.
મુખ્યમંત્રીશ્રીએ આ ઉપરાંત નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ અને બેચરાજી શહેરના વિકાસ નકશાના ફાઇનલ નોટીફિકેશનને મંજૂરી આપવાની પણ જાહેરાત કરી હતી. તેમણે આ પ્રસંગે જણાવ્યું કે, રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં ૪૫૦ થી વધુ ટી.પી. સ્કીમ સંપૂર્ણ પારદર્શિતાથી મંજૂર કરી છે ,એટલું જ નહીં એક પણ શહેરનો વિકાસ નકશો ફાઇનલ નોટીફિકેશન માટે પેન્ડિંગ નથી.