મંત્રી શ્રી જયેશ રાદડિયાના હસ્તે ૧.૪૫ કરોડના કામોનું ઇ-ખાતમુહુર્ત અને રૂ.૧૨.૫૪ કરોડના ખર્ચે ૭.૬૦ એમ.એલ.ડીનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઇ- લોકાર્પણ કરાયું
સૌના સાથ.. સૌના વિકાસના મંત્ર સાથે રાજયના સંવેદનશીલ મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વવાળી સરકાર કામ કરી રહી છે – શ્રી જયેશ રાદડિયા
ગાંધીનગર, તા.8
જયાં માનવી ત્યાં વિકાસના ઉમદા આશયથી આ સરકાર કામગીરી કરી રહી છે, તેવું આજરોજ દહેગામ ખાતે યોજાયેલ શહેરી જન સુખાકારી દિનની જિલ્લા કક્ષાની ઉજવણીમાં અન્ન અને નાગરિક પુરવઠાના મંત્રી શ્રી જયેશભાઇ રાદડિયાએ જણાવ્યું હતું.
અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી શ્રી જયેશભાઇ રાદડિયાએ ઉમેર્યું હતું કે, સૌના સાથ.. સૌના વિકાસના મંત્ર સાથે રાજયના સંવેદનશીલ મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વવાળી સરકાર કામ કરી રહી છે. ઓગસ્ટ માસમાં આ નેતૃત્વને પાંચ વર્ષ પૂર્ણ થતાં સમગ્ર રાજયમાં જનસેવા કાર્યોનો સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. આ સેવાયજ્ઞ થકી છેલ્લા પાંચ વર્ષમાં સરકારે કરેલા કામોનો હિસાબ લઇ પ્રજાની પાસે ગઇ છે, તેમજ કરોડા રૂપિયાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત – લોકાર્પણ કરવામાં આવ્યું છે.
દહેગામ ખાતે આજે ગાંધીનગર જિલ્લા કક્ષાના શહેરી જનસુખાકારી દિનની ઉજવણી મંત્રી શ્રી જયેશભાઇ રાદડિયાની ઉપસ્થિતમાં કરાઇ હતી, આ પ્રસંગે મંત્રી શ્રી જયશે રાદડિયાના હસ્તે ૧.૪૫ કરોડના કામોનું ઇ-ખાતમુહુર્ત અને રૂ.૧૨.૫૪ કરોડના ખર્ચે ૭.૬૦ એમ.એલ.ડીનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઇ- લોકાર્પણ કરાયું હતુ. આ પ્રસંગે ગુજરાત રાજયના સર્વાંગી વિકાસ માટે આ સરકાર કામ કરી રહી છે, તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે, આ સરકારના શાસનમાં જે જનસુખાકારી કામોના ખાતમૂહુર્ત કરવામાં આવે છે, તે કામોના લોકાર્પણ આ સરકાર કરે છે. સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા માટે સરકારનું સુચારું આયોજન હોવાથી આ સરકાર આમ કરી શકે છે. તેમણે બાળસખા યોજના, કિસાન સૂર્યોદય યોજના, સાત પગલા ખેડૂત કલ્યાણના, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના જેવી સરકારની યોજનાઓની વિસ્તૃત વાત કરી હતી.
મંત્રી શ્રી જયેશભાઇ રાદડિયાના હસ્તે દહેગામ નગરપાલિકા વિસ્તારમાં જુદી જુદી ૧૭ જગ્યાઓએ પેવર બ્લોક, સી.સી. રોડ, પાણીની લાઈન,પથ્થર ફિક્સિંગ, આર.સી.સી. બોક્સ ડ્રેઈન, સેડલ કનેકશન વગેરેનાં કુલ ૧.૪૫ કરોડના કામોનું ઇ-ખાતમુહુર્ત આવ્યું હતું. આ કામગીરી અંતર્ગત કાચા રસ્તાઓને પાકા આર.સી.સી.રોડ, પેવર બ્લોક તેમજ પથ્થર ફિક્સિંગની કામગીરી કરી રસ્તાઓનું નવીનીકરણ કરવામાં આવશે. સેડલ કનેક્શન અન્વયે ઘર ઘર સુધી પાણીની લાઈનોથી જોડાણ આપી પાણીની પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવામાં આવશે. તેમજ ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા માટે બોક્ષ ડ્રેઈન બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. દહેગામ શહેરના ભૂગર્ભગટરના પાણીના શુદ્ધીકરણ માટે શહેરી વિકાસ વિભાગ હસ્તકની સ્વર્ણીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂ.૧૨.૫૪ કરોડના ખર્ચે ૭.૬૦ એમ.એલ.ડીનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. જેનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દહેગામ નગરપાલિકા ખાતે પ્રધાન મંત્રી આવાસ યોજના અંતર્ગત દહેગામ નગરપાલિકા દ્વારા કુલ ૪૩ આવાસો પૂર્ણ કરવામાં આવ્યા છે. જે ૪૩ લાભાર્થીઓને ૩,૫૦,૦૦૦/- ની સહાય આપવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા કલોલ નગરપાલિકાના વિકાસ કામો માટે આપેલ રૂપિયા બે કરોડ પચાસ લાખનો ચેક પ્રમુખ શ્રી ઉર્વશીબેન પટેલને અને દહેગામ નગરપાલિકામાં વિવિધ વિકાસ કામો માટે રૂપિયા ૧ કરોડ ૧૨ લાખથી વધુ રકમનો ચેક પ્રમુખ શ્રી પિનાબેન શાહને અર્પણ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે દહેગામના ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણ અને ગાંધીનગર જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી અનિલભાઇ પટેલ દ્વારા પ્રાસાંગિક ઉદ્દબોધન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી ર્ડા. કુલદીપ આર્ય, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સુરભિ ગૌત્તમ, ગાંધીનગર પ્રાંત અધિકારી શ્રી જે.એમ. ભોરણિયા, દહેગામ મામલતદાર શ્રી જે.એન.શાહ સહિત આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.