વિકાસની રાજનીતિની જે પ્રણાલિ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રસ્થાપિત કરી છે તે જ પદચિન્હો પર ચાલીને રાજ્ય સરકાર સર્વાંગી વિકાસ કરી રહી છે:- મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી
વિકાસ દિવસ નિમિત્તે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના હસ્તે રાજ્યભરમા ૧૧૮ પી.એસ.એ ઓક્સિજન પ્લાન્ટ ૫૧ નવા આર.ટી.પી.સી.આર. ટેસ્ટિંગ મશીન અને ૨૦૦ નવા વેન્ટિલેટર્સનું ઈ-લોકાર્પણ
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર, તા.7
રાજય સરકારના સુશાસનના પાંચ વર્ષ અંતર્ગત “વિકાસ દિન” સંદર્ભે હિંમતનગર ખાતેથી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ ના હસ્તે આરોગ્ય સુખાકારી કાર્યક્રમ સંદર્ભે રાજ્યભરમા ૧૧૮ પી.એસ.એ ઓક્સિજન પ્લાન્ટ, ૫૧ નવા આર.ટી.પી.સી.આર. ટેસ્ટિંગ મશીન અને ૨૦૦ નવા વેન્ટિલેટર્સનું ઈ-લોકાર્પણ કરાયુ હતું.
મુખ્યમંત્રીશ્રી એ જણાવ્યું હતું કે, વિકાસની રાજનીતિની જે પ્રણાલી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રસ્થાપિત કરી છે તે જ પદચિન્હો પર ચાલીને પાંચ વર્ષમાં સૌના સાથ સૌના વિકાસ મંત્રથી જનહિત કામોને દશે દિશાએ વેગવંતા બનાવીને તેનો સર્વાંગી વિકાસ હાથ ધર્યો છે.
તેમણે ઉમેર્યુ કે, કોરોના જેવી મહામારીમાં પણ અમે હાર્યા થાક્યા વિના અવિરત પણે વિકાસ યાત્રાને આગળ ધપાવી છે. કોરોના સામેની જનતા અને સેવાભાવી સંસ્થાઓના સહયોગથી સરકારની લડત જારી છે તેમ જણાવતા તેમણે ઉમેર્યુ કે, કોરોનાની સંભવિત ત્રીજી લહેરની પૂર્વ તૈયારીના ભાગરૂપે હિંમતનગરના આંગણેથી રાજ્યભરમાં આરોગ્યલક્ષી વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ સરકારની પ્રતિબધ્ધતા દર્શાવે છે.
મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, બે દાયકામાં રાજ્ય સરકારે મેડિકલ ક્ષેત્રે અનેકવિઘ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. રાજ્યમા મેડિકલ અભ્યાસ ક્ષેત્રની ૮૫૦ બેઠકોમાંથી પાંચ હજાર બેઠકોની ઉપલબ્ધતા તેની પ્રતીતિ કરાવે છે. ગુજરાતના યુવાનને મેડિકલ ક્ષેત્રના અભ્યાસ અર્થે વિદેશમા જવું પડે નહિ તે માટેનુ સુદ્રઢ આયોજન સંવેદનશીલ રાજ્ય સરકારે હાથ ઘર્યું છે. તેમણે આ તબકકે સમગ્ર દેશમાં દર દસ લાખની વસ્તી એ રસીકરણમાં ગુજરાત મોખરે હોવાનો પણ ગર્વભેર ઉલ્લેખ કર્યો હતો.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે ગુજરાતની જનતાના સહયોગથી “ટીમ ગુજરાત”એ કરેલી કામગીરીની સરાહના કરી હતી અને કોરોનાના સમયમાં ‘કૉર ગ્રુપ’ દ્વારા કરાયેલા સંખ્યાબંધ નિર્ણયોની વિસ્તૃત વિગતો આપી હતી.અને રાજ્ય સરકારે કોરોનાની સંભવિત ત્રીજી લહેર માટે કરેલી પૂર્વતૈયારીની રૂપરેખા આપતા કહ્યું કે,દરેક વ્યક્તિનું જીવન મહત્વનું છે અને તેથી જ અગમચેતીના પગલાંરૂપે ગુજરાત સરકારે ૧ હજાર વેન્ટીલેટરની ખરીદી કરી છે.
રાજ્યમાં આજે વિકાસ દિવસ અંતર્ગત આજે રાજ્યભરમાં ૯૦.૦૬ મેટ્રીકટનના ૧૧૮ ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરાયુ છે જેમાં અમદાવાદ જિલ્લામાં ૧૯, ગાંધીનગર જિલ્લામાં ૧૭, વડોદરા જિલ્લામાં ૨૨, સુરત જિલ્લામાં ૧૯ અને રાજકોટ જિલ્લામાં ૨૨ પ્લાન્ટનું લોકાર્પણ કરાયુ છે જ્યારે ૧૬૨ ઓક્સિજન પ્લાન્ટ નિર્માણના કામો પ્રગતિ હેઠળ છે.
આ ઉપરાંત રાજ્યની વિવિધ આરોગ્ય સંસ્થાઓ માટે ૫૧ જેટલા કોરોના માટેના RTPCR ટેસ્ટીંગ મશીનો તથા ૨૦૦ જેટલા વેન્ટીલેટરનું પણ લોકાર્પણ કરવામાં આવ્યુ છે. જ્યારે કોવિડ-૧૯ દરમિયાન શ્રેષ્ઠ સેવાઓ આપનાર ૭૦ જેટલા કોરોના વોરિયર્સનું તથા વેક્સીનેશન ક્ષેત્રે ૧૦૦ ટકા કામગીરી કરનાર ૧૨૧ જેટલા સરપંચોશ્રીઓનું પણ સન્માન કરાયુ છે.