યુવા રોજગાર દિવસ : યુવાનોને રોજગાર આપવામાં અગ્રેસર ગુજરાત, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે પ્રતિકરૂપે ૧૧ યુવાનોને રોજગાર પત્ર એનાયત કર્યા
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં વૈશ્વિક કંપનીઓને આમંત્રણ આપી યુવાનો માટે રોજગાર સર્જન કર્યું : નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.6
અમદાવાદ જિલ્લાના સાણંદ નગરપાલિકા હૉલ ખાતે યુવા રોજગાર દિવસે યુવાનોને સંબોધતા નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે,શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં વૈશ્વિક કંપનીઓને આમંત્રણ આપી ઉદ્યોગો થકી યુવાનો માટે રોજગાર સર્જન કર્યું છે. શ્રી નીતિનભાઈએ નરેન્દ્રભાઈ મોદીએ આરંભેલી વિકાસયાત્રાને અવિરત રાખવાની નેમ વ્યક્ત કરતા કહ્યું કે, ગુજરાત સરકાર કૃષિ અને ઔધોગિક વિકાસના માધ્યમથી મહત્તમ યુવાનોને રોજગાર પૂરું પાડવાના ધ્યેય સાથે કાર્યરત છે.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, આજનો દિવસ વિશેષ દિવસ છે, કારણ કે રોજગાર દરેકના જીવનનું લક્ષ્ય હોય છે અને રોજગાર થકી જ વ્યક્તિનું તેમ જ પરિવાર જીવન ધોરણ સુધરે છે.
શ્રી નીતિનભાઈ પટેલે ગુજરાતમાં રોજગાર સર્જન અંગે રાજ્ય સરકારના પ્રયાસો સામે વિપક્ષે અપનાવેલા વલણની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે, જ્યારે નરેન્દ્રભાઈ મોદીએ વાયબ્રન્ટ સમિટનું આયોજન કર્યું હતું ત્યારે વિરોધીઓ ટીકા કરતા હતા, પણ આજે પરિણામો આપણી સામે છે અને ગુજરાત રોજગાર સર્જનમાં સમગ્ર ભારતમાં અવ્વલ છે.
તેમણે ગુજરાતમાં રોજગાર સર્જન માટેના રાજ્ય સરકારની કટિબદ્ધતા દોહરવાતા જણાવ્યું હતુ કે, ગુજરાત સરકાર યુવાનોને રોજગાર આપવા સંકલ્પબધ્ધ છે. જેના પરિણામે રાજ્યમાં રોજગારની નવી તક ઉપલબ્ધ બનતા બેરોજગારીનો દર ઘટશે.
નાયબ મુખ્ય મંત્રીશ્રીએ ગુજરાતમાં રોજગારીની સ્થિતિ અંગેનો ચિતાર આપતા જણાવ્યું હતું કે, કોરોના કાળમા અન્ય રાજ્યના ૧૫ લાખથી વધુ શ્રમિકોને ટ્રેન મારફતે તેમના વતન મોકલવામાં આવ્યા , તે આંકડો જ પુરવાર કરે છે કે ગુજરાતમાં કેટલી મોટી સંખ્યામાં રોજગાર ઉપલબ્ધ છે.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં સાણંદ અને મોરબી જેવા ઔદ્યોગિક કેન્દ્ર કઈ રીતે ઉભરી આવ્યા અને તે ગુજરાતના GST કલેકશનમાં કેવી રીતે મહત્વનો ફાળો આપી રહ્યા છે, તેની પણ રૂપરેખા આપી હતી. નોધપાત્ર બાબત એ છે કે રોજગાર દિવસે અમદાવાદ જિલ્લાના ચાર હજાર થી વધુ યુવાનોને રોજગાર પત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. તેમાંથી નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે પ્રતિકરૂપે ૧૧ યુવાનોને રોજગારપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
નાયબ મુખ્યમંત્રીશ્રી ઉપસ્થિત યુવાનોને સમૃદ્ધ ભારતના નિર્માણ માટે પરિશ્રમ કરવા માટે હાકલ કરી હતી. નાયબ મુખ્યમંત્રીશ્રીએ પત્રકારોના એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, રાજ્ય સરકારે મા, મા વાત્સલ્ય યોજનાને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ભેળવી દીધી છે અને જેને પગલે ગુજરાતની ૪.૨૫ કરોડની જનતાને તેનો લાભ મળશે. તેમણે ઉમેર્યું કે આ માટેનું રૂપાયા ૧૪૦૦ કરોડ રૂપિયાનું માતબર પ્રિમિયમ પણ સરકાર ચૂકવશે.
આ કાર્યક્રમમાં સાણંદના ધારાસભ્ય શ્રી કનુભાઇ પટેલ, ભાજપના પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, વકફ બોર્ડના સજજાદભાઈ, નગરપાલિકા પ્રમુખશ્રી, તાલુકા પ્રમુખશ્રી ઉપરાંત અમદાવાદ જિલ્લા કલેકટર શ્રી સંદિપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ ધામેલિયા સહિતના મહાનુભાવો અને યુવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.