મહીસાગરના લુણાવડાના પાલ્લા ગામ ખાતે પંચાલ દંપત્તિની હત્યાના બનાવને પગલે સમગ્ર પંથકમાં હાહાકાર મચ્યો
બનાવની ગંભીરતાને પગલે રાજય સરકાર દ્વારા સમગ્ર મામલે તપાસના આદેશો કરાયા – ડોગ સ્કવોડ અને એફએસએલની મદદ લેવાઇ
મહિસાગર જિલ્લાના ભાજપના સ્થાનિક નેતા ત્રીભોવનભાઇ પંચાલ અને તેમના પત્ની જશોદાબહેન પંચાલની આ પ્રકારે કરાયેલી હત્યાને પગલે અનેક તર્ક-વિતર્ક અને રહસ્યના તાણાવાણા પણ સર્જાયા
અમદાવાદ,તા.5
મહીસાગરના લુણાવડાના પાલ્લા ગામ ખાતે મહિસાગર જિલ્લા ભાજપના કારોભારી સભ્ય ત્રીભોવનભાઈ પંચાલ અને તેમના પત્ની જશોદાબહેન પંચાલની અજાણ્યા શખ્સો દ્વારા માથામાં તીક્ષ્ણ હથિયાર કે બોથડ પદાર્થ મારી કમકમાટીભરી હત્યા કરવામાં આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ છે. તો, બીજીબાજુ, ભાજપના વર્તુળમાં પણ ભારે શોકની લાગણી પ્રસરી ગઇ છે. મહિસાગર જિલ્લાના ભાજપના સ્થાનિક નેતા ત્રીભોવનભાઇ પંચાલ અને તેમના પત્ની જશોદાબહેન પંચાલની આ પ્રકારે કરાયેલી હત્યાને પગલે અનેક તર્ક-વિતર્ક અને રહસ્યના તાણાવાણા પણ સર્જાયા છે. બીજીબાજુ, ભાજપના નેતા અને તેમના પત્નીની આ પ્રકારે હત્યાના બનાવને લઇ સરકારમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડયા છે. રાજય સરકાર દ્વારા આ સમગ્ર પ્રકરણમાં તપાસના આદેશો જારી કરી દેવાયા હોવાનું ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે.
મહિસાગર જિલ્લા ભાજપના કારોબારી સભ્ય મૃતક ત્રીભોવનભાઈ પંચાલનો મોબાઈલ ફોન પણ હત્યા બાદ ગુમ છે. પોલીસ દ્વારા આ સમગ્ર હત્યાનો ભેદ ઉકેલવા તેમજ વિવિધ કડીઓ જોડવા માટે ડૉગ સ્ક્વૉડ અને એફએસએલની પણ મદદ લેવામાં આવી છે. તેમના ઘરની આસપાસ રહેતા લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે તેમનો મોબાઇલ ફોન પોલીસના હાથમાં આવ્યો નથી. મોબાઇલ પર ફોન કરતા રિંગ વાગી રહી છે પરંતુ કોઈ ફોન ઉઠાવી નથી રહ્યું. પોલીસ તરફથી આ મામલે અલગ અલગ ટીમ બનાવીને તપાસ કરવામાં આવી રહી છે. મોબાઇલ ફોનના લોકેશનના આધારે પણ તપાસનો દોર પોલીસ આગળ ધપાવી રહી છે.
દરમ્યાન ભાજપના નેતા અને તેમના પત્નીની આ પ્રકારે કમકમાટીભરી હત્યાને લઇ ભારે શોક વ્યકત કરતાં ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, રાજય સરકાર દ્વારા આ સમગ્ર મામલે જરૂરી તપાસના આદેશ આપ્યા છે. મહીસાગરમાં અજાણ્યા શખ્સોએ પંચાલ પરિવારના બે લોકોની હત્યા કરી નાખી છે. આ મામલે જિલ્લા પોલીસના અધિકારીઓ સાથે વાતચીત કરીને અલગ અલગ ટીમ બનાવી તપાસ કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, મહીસાગર જિલ્લા લુણાવાડા તાલુકાના પાલ્લા ગામે ભાજપના કારોબારી સભ્ય ત્રીભોવનભાઈ પંચાલ અને તેમના પત્ની જશોદાબહેન પંચાલની અજાણ્યા લોકોએ ગત મોડી રાત્રે હત્યા કરી નાખતાં બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. બનાવની જાણ થતાં જિલ્લાભરના ભાજપના સભ્યો અને આગેવાનો બનાવ સ્થળે દોડી ગયા છે. બંનેની હત્યા માથામાં તીક્ષ્ણ હથિયારના ઘા મારીને કરવામાં આવી હોવાની વાત સામે આવી રહી છે. ગામના લોકોને દંપતીની હત્યા થયાની જાણ સવારે થઈ હતી. મૃતક ત્રીભોવન પંચાલ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. આ ઉપરાંત તેઓ વર્ષોથી પંચાલ સમાજના પ્રમુખ પદે પણ કાર્યરત હતા. બનાવની જાણ થયા બાદ લુણાવાડા પોલીસ અને જિલ્લા પોલીસ વડા સહિત અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તો, સ્થાનિક ધારાસભ્ય જિજ્ઞેશ સેવક પણ પાલ્લા ગામ ખાતે પહોંચ્યા હતા. મૃતક ત્રીભોવનભાઈ પંચાલ સમાજ પ્રમુખ હોવાથી મોટી સંખ્યામાં લોકો ગામ ખાતે પહોંચી ગયા હતા. બનાવને પગલે ભાજપના વર્તુળમાં ખાસ કરીને સ્થાનિક આગેવાનો અને કાર્યકરોમાં ઘેરા શોક અને આઘાતની લાગણી પ્રસરી ગઇ હતી. ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા આ હત્યા કેસમાં સંડોવાયેલા ગુનેગારોને સખતમાં સખત સજા આપી ન્યાય કરવા ઉગ્ર માંગણી ઉચ્ચારવામાં આવી હતી.