રાજય સરકાર મહિલા સશકિતકરણને વધુ સુદ્રઢ બનાવવા સંકલ્પબધ્ધ છે :: નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઇ પટેલ ::
જનસેવા યજ્ઞના ચોથા દિવસે નારી ગૌરવ દિવસ અંતર્ગત પ્રતિકાત્મક જિલ્લાની શહેરી-ગ્રામિણ ૧૯ સખી મંડળોને નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઇ પટેલના હસ્તે ચેક એનાયત કરાયા
નારી શકિતના સન્માન અને તેમની આગવી ઓળખ પ્રસ્થાપિત કરવા રાજય સરકારે અનેક કલ્યાણકારી પગલાં લીધાં છે
મહિલાઓને પૂરતા પ્રમાણમાં રોજગારી મળી રહે તે માટે વિવિધ ભરતીઓમાં મહિલાઓ માટે અનામતની જોગવાઇ કરવામાં આવી છે
સમાજમાં મહિલાઓનું દરેક જગ્યાએ પ્રતિનિધિત્વ જળવાય તે માટે રાજય સરકાર પ્રતિબધ્ધ
સખી મંડળને આપવામાં આવેલ ધિરાણની માત્ર મૂડી જ મંડળોએ ભરવાની છે.
સખી મંડળની મહિલાઓના આપવામાં આવતા ધિરાણની વ્યાજ ભરવાની જવાબદારી ગુજરાત સરકારે લીધી છે.
મુખ્ય મંત્રી ઉત્કર્ષ યોજના અંતર્ગત જિલ્લામાં ૧૫૫ સખી મંડળ/સ્વસહાય જૂથોને રૂા. ૧-૧ લાખની સહાયના ચેકો અને મંજૂરી હુકમ પત્રો એનાયત કરાયા
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર, તા.4
રાજયના નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઇ પટેલે મહિલા સશકિતકરણને વધુ સુદ્રઢ બનાવવા રાજય સરકાર સંકલ્પબધ્ધ હોવાનું કહ્યું હતું. તેમણે વધુમાં નારી શકિતના સન્માન અને તેમની આગવી ઓળખ પ્રસ્થાપિત કરવા રાજય સરકારે અનેક કલ્યાણકારી પગલાં લીધાં છે. ગુજરાત સરકારે રાજયની મહિલાઓને સામર્થ્યવાન બનાવવા આર્થિક સશકિતકરણ માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ બનાવીને જે કામો કરવામાં આવ્યા છે તે થકી મહિલાઓ વધુ સક્ષમ બની છે.
આણંદ ખાતે ગુજરાત સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસર નિમિત્તે આજે ચોથા દિવસે આણંદ ખાતે યોજાયેલ નારી ગૌરવ દિવસ નિમાત્તે યોજાયેલ કાર્યક્રમનો પ્રારંભ કરાવતા નાયબ મુખ્ય મંત્રીશ્રી પટેલે કહ્યુ કે, મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની સરકારના સુશાસનના સાતમી ઑગસ્ટે પાંચ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે તે નિમીત્તે આપણી સરકારે ગુજરાતના વિકાસની પ્રગતિ, એકતા, ગૌરવ, આરોગ્ય, શિક્ષણ, પાણી પુરવઠા, માર્ગો, જેવા પ્રજાલક્ષી જનસેવાના કાર્યો પ્રજા સુધી પહોંચાડવાનો આ સેવાયજ્ઞ આદર્યો છે.
શ્રી નીતિનભાઇ પટેલે સમગ્ર સમાજની નારી શકિતને સામર્થ્યવાન બનાવવા, આર્થિક રીતે પગભર બને, વહીવટી તેમજ રાજકીય નિર્ણયની પ્રક્રિયામાં સહભાગી બને એ માટે વિવિધ ભરતીઓમાં મહિલાઓ માટે અનામતની જોગવાઇ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઇ પટેલે આણંદ નગરપાલિકા સંચાલિત હોસ્પિટલને રાજય સરકારે તેના હસ્તક લઇને આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું. વધુમાં તેમણે આણંદ ખાતે આણંદ શહેરમાં જ ગરીબ-મધ્યમ વર્ગના લોકોને આધુનિક આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે આણંદ ખાતેના વ્યાયામ શાળા ખાતે રૂા. ૬૦ કરોડના ખર્ચે ૨૦૦ પથારીની સુવિધા ધરાવતી સિવિલ હોસ્પિટલ તૈયાર કરવા માટેનું પ્લાનીંગ અને ડીઝાઇનનું કામ હાલ ચાલી રહ્યું છે જે પૂર્ણ થતાં ટૂંક સમયમાંજ પોતાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે તેમ કહ્યું હતું.
નાયબ મુખ્ય મંત્રીશ્રીએ તત્કાલિન મુખ્ય મંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગ્રામિણ અને શહેરી એમ તમામ વર્ગની ગરીબ-મધ્યમ વર્ગની તેમજ અભણ અને ઓછુ ભણેલી બહેનોને આજીવિકા મળી રહે અને કુટુંબને આર્થિક રીતે સહાયરૂપ થઇ શકે તે માટે સખી મંડળોની રચના કરવાની ઝુંબેશ ઉપાડી હતી તેના ફળ સ્વરૂપે આજે ગુજરાતમાં ૧૪ હજારથી વધુ સખી મંડળો/સ્વસહાય જૂથો કાર્યરત હોવાનું જણાવ્યું હતું.
શ્રી નીતિનભાઇ પટેલે સમાજમાં મહિલાઓનું દરેક જગ્યાએ પ્રતિનિધિત્વ જળવાઇ રહે તે માટે સશકિતકરણની દિશામાં નકકર પગલાં લીધા હોવાનું જણાવી સરકારની વિવિધ મહિલાલક્ષી યોજનાઓની પહેલા કારણે આજે રાજયની મહિલાઓ સ્વામાનથી જીવન જીવી રહેવાની સાથે સુરક્ષિત પણ હોવાનું કહ્યું હતું.
શ્રી પટેલે રાજય સરકાર જેમ ખેડૂતો-વેપારીઓ-ઉદ્યોગપતિઓ-વિદ્યાર્થીઓ એમ જુદા જુદા વર્ગોની ચિંતા કરે છે તેમ મહિલાઓની પણ ચિંતા કરીને તેઓના આર્થિક ઉત્થાન માટે સખી મંડળોને વેપાર-રોજગાર માટે ધિરાણ-સહાય આપે છે તેમ મહિલાઓની પણ ચિંતા કરીને રૂા. એક લાખનું ધિરાણ આજે આપવામાં આવી રહ્યું છે ત્યારે આ ધિરાણનું વ્યાજ સખી મંડળોએ ચૂકવવાનું નથી જેની જવાબદારી રાજય સરકારે લીધી હોવાનું જણાવી મંડળોએ માત્ર મૂડી જ ભરવાની છે તેમ કહ્યું હતું. તેમણે વધુમાં સખી મંડળની બહેનોના ફાયદા માટે સરકારે બેન્કો સાથે બેઠક કરીને બેન્કોને સહાય આપવા માટે જણાવ્યું હોવાની જાણકારી આપી હતી.
નાયબ મુખ્ય મંત્રીશ્રીએ સખી મંડળો દ્વારા કરવામાં આવતી વિવિધ ચીજવસ્તુઓના ઉત્પાદનનું સીધું વેચાણ કરી શકે તે માટે હાટ બજાર અને વિવિધ મેળાઓના કરવામાં આવી રહેલ આયોજનની વિગતો આપી રાજય બહાર પણ યોજાતા મેળાઓમાં તેઓના માલના ઉત્પાદનના વેચાણ માટે આવવા-જવાનો અને રહેવાનો ખર્ચ સરકાર દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો હોવાનું જણાવ્યું હતું.
નારી ગૌરવ દિવસ અંતર્ગત મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ આણંદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઇ પટેલ અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ગ્રામ્ય વિસતારની ૧૦ અને શહેરી વિસ્તારની ૦૯ મળી ૧૯ સખી મંડળોને રૂા. ૧-૧ લાખના ધિરાણના ચેકો એનાયત કરવામાં આવ્યા હતા. જયારે જિલ્લાના વિવિધ સ્થળોએ યોજાયેલ કાર્યક્રમોમાં મળીને જિલ્લાની કુલ ૧૫૫ સખી મંડળ/સ્વસહાય જૂથોને રૂા. ૧-૧ લાખના ચેકો અને મંજૂરીના હુકમો એનાયત કરવામાં આવ્યા હતા.
પ્રારંભમાં જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણીએ સ્વાગત પ્રવચન કરી રાજય સરકારના જનસેવા યજ્ઞની વિગતો આપી મહિલા સશકિતકરણ માટે રાજય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપી મહિલાઓને તેના લાભો પ્રાપ્ત કરવા જણાવ્યું હતું. જયારે અંતમાં જિલ્લા ભા.જ.પ. ના પ્રમુખ શ્રી વિપુલભાઇ પટેલે આભારવિધિ કરી હતી.
આ પ્રસંગે મહિલા અગ્રણી આ પ્રસંગે મહિલા અગ્રણી શ્રીમતી હંસાકુંવરબા રાજ, નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રૂપલબેન પટેલ, ઉપપ્રમુખ શ્રીમતી છાયાબેન ઝાલા, પ્રદેશ કારોબારી સભ્ય શ્રીમતી નીપાબેન પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી અંજનાબેન પટેલ, જિલ્લા અગ્રણી શ્રી યોગેશભાઇ પટેલ, શ્રી મહેશભાઇ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી. જી. પ્રજાપતિ, પ્રાંત અધિકારી શ્રીમતી જે. સી. દલાલ, શહેર મામલતદાર શ્રી કેતન રાઠોડ, આણંદ જિલ્લા-શહેર-તાલુકાના સંગઠનના પદાધિકારીઓ, કાઉન્સિલરો, શહેર-તાલુકાની વિવિધ સખી મંડળની મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.