રાજયવ્યાપી યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમને મળ્યો વ્યાપક જનપ્રતિસાદ : ૯૯.૬૩ ટકા રજૂઆતોનો હકારાત્મક નિકાલ
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે મહેસાણા ખાતે ઉપસ્થિત રહીને સેવાઓનું પ્રતિકાત્મક નિદર્શન કર્યુ
સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરમાં કુલ ૮,૨૩,૫૮૪ જુદી જુદી સેવાઓ માટે અરજીઓ આવી, તે પૈકી ૮,૨૦,૫૧૩ રજૂઆતોનો સ્થળ પર નિકાલ
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર, તા.3
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજય સરકારને તા.૭ ઑગસ્ટના રોજ પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. પાંચ વર્ષના આ સુશાસન દરમિયાન વિવિધ જનહિતકારી સેવાઓના લાભો નાગરિકોને પૂરા પાડવામા આવ્યા છે. આ માટે રાજય સરકારે કરેલી કામગરીની માહિતી-સેવાઓ માટે વિવિધ થીમ આધારિત કાર્યક્રમોનુ તા.૧લી ઑગસ્ટથી તા. ૯મી ઑગસ્ટ દરમિયાન રાજયવ્યાપી આયોજન કરાયુ છે. જે અંતર્ગત તા.૨જી ઑગસ્ટના રોજ સંવેદના દિન નિમિત્તે રાજયભરમાં સેવાસેતુ કાર્યક્રમોનુ આયોજન કરાયુ હતું. જેને વ્યાપક જનપ્રતિસાદ સાંપડ્યો છે. “સંવેદના દિવસ” રાજ્યનાં નાગરિકોની સેવા માટે સાચા અર્થમાં સેતુ બન્યો હતો. એક જ દિવસમાં ૮.૨૦ લાખથી વધુ રજૂઆતોનો ઓન ધ સ્પોટ નિકાલ કરાયો હતો. એટલે કે, આ કાર્યક્રમોમાં મળેલી રજૂઆતો પૈકી ૯૯.૬૩ ટકા રજૂઆતોનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામા આવ્યો છે.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી રાજકોટ ખાતે શહેરી અને ગ્રામ્ય વિસ્તારના કાર્યક્રમમાં તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે મહેસાણા અને જોરણંગ ખાતે ઉપસ્થિત રહીને સેવાઓનું પ્રતિકાત્મક નિદર્શન કર્યુ હતું. રાજયવ્યાપી યોજાયેલ આ કાર્યક્રમોમાં મંત્રીમંડળના સભ્યો અન્ય પદાધિકારીશ્રી ઓ ઉપરાંત જિલ્લા–તાલુકા પંચાયતના પદાધિકારીશ્રીઓ જુદા જુદા સ્થળોએ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર રાજ્યમાં ‘સંવેદના દિવસ’ અંતર્ગત વિવિધ જિલ્લાના ગ્રામ્ય કક્ષાએ અને નગરપાલિકા – મહાનગરપાલિકા ક્ક્ષાએ કુલ ૪૩૩ સેવા સેતુ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત કુલ ૫૭ સેવાઓ આવરી લેવામાં આવી હતી અને કાર્યક્રમના સ્થળે નોટરી, ઝેરોક્ષ, પ્રિન્ટર્સ, ફોટોગ્રાફીની સંપૂર્ણ વ્યવસ્થા રાજય સરકાર દ્વારા કરવામાં આવી હતી. રાજય સરકારના જુદા જુદા ૧૪ વિભાગના અધિકારીઓ / કર્મચારીઓ કાર્યક્રમ સ્થળે ઉપસ્થિત રહીને ઉમદા સેવાઓ પુરી પાડી હતી.
સમગ્ર રાજ્યમાં કુલ ૮,૨૩,૫૮૪ અરજદારોએ ઉપસ્થિત રહી જુદી જુદી સેવાઓ માટે સેવા સેતુ કાર્યક્રમમાં અરજીઓ આપી હતી તે પૈકી ગ્રામ્ય કક્ષાએ ૫,૭૭,૪૪૭ અને શહેરી વિસ્તારમાં ૨,૪૬,૧૩૮ રજૂઆતો મળી હતી. કુલ મળેલી રજૂઆતો પૈકી ૮,૨૦,૫૧૩ રજૂઆતોનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ થયેલ છે.
આ રજૂઆતોમાં મુખ્યત્વે રેશનકાર્ડમાં સુધારા, મિલ્કત આકારણીના ઉતારા, આવકના દાખલા, ૭/૧૨ અને ૮(અ)ના પ્રમાણપત્રો, પ્રધાનમંત્રી જન આરોગ્ય (મા કાર્ડ) અને હેલ્થ વેલનેસ કાર્ડ અંગેની મુખ્ય અરજીઓ હતી.
ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધુ જૂનાગઢ જિલ્લામાં-૬૨,૮૫૩, રાજકોટ જિલ્લામાં ૪૮,૦૧૦, નર્મદા જિલ્લામાં-૩૭,૭૪૬ અને અમદાવાદ જિલ્લામાં-૨૮,૫૮૪ રજૂઆતો મળી છે, જેની સામે આ જિલ્લાઓમાં ૯૯.૯૫ % હકારાત્મક નિકાલ થયેલ છે. શહેરી વિસ્તારમાં ગાંધીનગરમાં ૧૦,૦૮૯ અરજીઓ મળી હતી જે તમામ અરજીઓનો ૧૦૦ ટકા હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત જૂનાગઢ જિલ્લામાં-૩૫,૬૮૦, અમદાવાદ જિલ્લામાં-૨૪,૫૯૬, , આણંદ જિલ્લામાં-૧૭,૬૭૮ અને વડોદરા જિલ્લામાં-૧૬,૯૧૨ અરજીઓ મળેલ છે અને આ જિલ્લાઓમાં શહેરી વિસ્તારમાં ૯૯.૯૮ ટકા હકારાત્મક નિકાલ થયેલ છે. વ્યક્તિગત નિકાલમાં રાશન કાર્ડમાં નામ દાખલ કરવાની ૨૩,૨૪૩ અરજીઓ, ૭/૧૨ અને ૮(અ) મેળવવાની ૨,૪૨,૮૪૪ અરજીઓ, આવકના દાખલા મેળવવા ૬૩,૩૩૫ અરજીઓ, હેલ્થ વેલનેસ પ્રમાણપત્ર માટે ૧,૦૨,૫૪૦ અરજીઓ અને મિલકત આકારણીની ૫૦,૫૮૦ અરજીઓ મળેલ છે, જે પૈકી ૯૯ ટકાથી વધારે અરજીઓના સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો છે.
ખાસ તો કોવિડ-૧૯ મહામારી દરમ્યાન અનાથ બનેલા બાળકોની સહાય મેળવવાની સમગ્ર રાજ્યમાં કુલ ૨૬૯૧ અરજીઓ મળેલ. ઉપરાંત વિધવા, વિકલાંગ અને વૃદ્ધોને સહાય માટેની ૬,૮૬૯ અરજીઓ મળેલ જે તમામ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવેલ છે.