શિક્ષકોનું ડિજિટલ આંદોલન, પડતર પ્રશ્નો નહીં ઉકેલાતા આંદોલન, ગઇકાલથી શરૂ કરેલા આંદોલનમાં 5 હજાર પોસ્ટ આવી છે
શિક્ષકો ડિજિટલ પ્લેટફોર્મ પર તેમના આકરા પ્રતિભાવો આપી રહ્યા છે અને સોશ્યલ મીડિયાના માધ્યમથી બેનરો, પોતાની માંગણીઓ અને પ્રશ્નોની રજૂઆત સરકાર સુધી પહોંચાડી રહ્યા છે
અમદાવાદ, 2
પોતાના વર્ષો જૂના પડતર પ્રશ્નોનું સમાધાનકારી નિરાકરણ નહી આવતાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગ્રાન્ટેડ અને સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો દ્વારા સોશિયલ મીડિયા પર જલદ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ગઇકાલથી પડતર માંગણીઓને લઈને શરૂ કરેલા આ આંદોલનને પહેલા જ દિવસે 5 હજાર જેટલી પોસ્ટ મળી હતી. બિનસરકારી અનુદાનિત તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકોના પડતર પ્રશ્નો મુદ્દે લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે પરંતુ તેમાં કોઇ પણ નિરાકરણ નહીં આવતા આજે ગાંધી ચિંધ્યા માર્ગે શિક્ષકો સોશિયલ મીડિયા પર આંદોલનમાં ઉતર્યા છે. શિક્ષકો ડિજિટલ પ્લેટફોર્મ પર તેમના આકરા પ્રતિભાવો આપી રહ્યા છે અને સોશ્યલ મીડિયાના માધ્યમથી બેનરો, પોતાની માંગણીઓ અને પ્રશ્નોની રજૂઆત સરકાર સુધી પહોંચાડી રહ્યા છે.
રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ દ્વારા શરૂ કરાયેલા આ ડિજિટલ આંદોલનમાં પહેલા દિવસે જ 5 હજાર જેટલી પોસ્ટ મળી છે. આ આંદોલન તા.7 ઓગસ્ટ સુધી ચાલવાનું છે જો આ સમયગાળામાં તેમના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં રણનીતિ આ મામલે તૈયાર કરવામાં આવશે. શિક્ષકોના પ્રશ્નો જોઈએ તો જૂની નોકરી, શિક્ષકોને જૂના નિયમ મુજબ પેન્શન મળવું, સાતમા પગાર પંચના હપ્તાનું ચુકવણી, 1-5-65 ના ઠરાવ મુજબ પ્રિન્સિપાલની નિમણૂક કરવામાં આવે અને ઇજાફો મેળવામાં આવે પેન્શની ચૂકવણીઓ કરવામાં આવે જેવી માગણીઓ કેટલા સમયથી ચાલી રહી છે પરંતુ તેમનું કોઈ પણ સમાધાન આવ્યું નથી. આ મુદ્દે અનેક વખત સરકાર અને શિક્ષણ મંત્રીને પણ પત્ર લખી અને રૂબરૂ મુલાકાત કરવામાં આવી છે તો પણ તેનું કોઈ સમાધાન આવ્યું નથી.
રાષ્ટ્રીય મહાસંઘના મહામંત્રી આર.પી.પટેલે આ મામલે જણાવ્યુ હતું કે, અમે આ આંદોલન અમારી પડતર માગણીઓ અને પ્રશ્નોને લઈને કરી રહ્યા છીએ. કેટલા સમયથી અમારી માંગણીઓને કોઈ ન્યાય મળ્યો નથી. અમારું આંદોલન 7 તારીખ સુધી ચાલશે ત્યારબાદ અમારી કોર કમિટીની બેઠક મળશે. અને આગામી રણનીતિ તૈયાર કરવામાં આવશે. અમને એક જ દિવસમાં 5 હજાર પોસ્ટ મળી છે હજી 6 દિવસમાં આ આંદોલનમાં 10 હજારથી વધુ પોસ્ટ મળે તેવી અમને આશા છે. જો અમારી માંગણીઓ અને પ્રશ્નોનું સુખદ સમાધાન નહી થાય તો, આગામી દિવસોમાં હજુ વધુ ઉગ્ર આંદોલન કરતાં પણ અચકાઇશું નહી.