પશ્ચિમ કચ્છમાં કાયદો વ્યવસ્થા અંગે ગૃહરાજયમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ સમીક્ષા બેઠક યોજી
મુન્દ્રા-માંડવી ભુજમાં ત્રણ નવા પોલીસ સ્ટેશન બનશે – ઈ મુલાકાત પ્રોજેકટ અને નાઇટ પેટ્રોલીંગ એન્ડ્રોઈડ એપ્લીકેશનનું અનાવરણ કરાયું
ભુજ શહેરમાં મહિલા, બાળકો, સીનીયર સીટીઝનોની સુરક્ષા સેવા માટે કાર્યરત વિરાંગના સ્પેશ્યલ સ્કવોર્ડના ૮ મહિલા પોલીસ કર્મી સન્માનિત કરાઇ
(વિવેક આચાર્ય દ્વારા)
ભુજ, તા.1
આજરોજ કલેકટર કચેરી ભુજ ખાતે ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને પશ્ચિમ કચ્છ જિલ્લાની સરહદી અને દરિયાઇ સુરક્ષાની સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં બોર્ડર રેંજના આઈ.જી.શ્રી જે.આર.મોથલિયા અને પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ તેમજ સબંધિત પોલીસ અધિકારીઓ સાથે ગૃહરાજયમંત્રીશ્રીએ હેઠળ કચ્છમાં થતાં ગુનાઓ અને ચોરીઓ, ભષ્ટ્રાચાર, ભેળસેળ બાબતે કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે જરૂરી વિગતો જાણી સૂચનો કર્યા હતા.
ભુમાફિયા, બાયોડિઝલ ભેળસેળ અટકાવવા રાજય સરકાર કામગીરી કરશે તેમજ દરિયાઇ સીમાથી જોડાયેલ વિસ્તારોમાં અસામાજિક પ્રવૃતિ ન થાય અને સલામતી જળવાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. સરહદી વિસ્તારોમાં સુરક્ષા અને સલામતી અત્યંત મહત્વપૂર્ણ છે તેમ મંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું.
ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ પશ્ચિમ કચ્છમાં પોલીસ, આર્મી, બી.એસ.એફ. કોસ્ટગાર્ડ બાબતે તેમજ વાહન ચોરી, ઘરફોડ લૂંટ, ધરપકડ, ખનીજ ચોરી, પવન ચક્કી ગુના, ટ્રાફિક સમસ્યા બાબતે પોલીસ અધિકારીશ્રી તેમજ જનપ્રતિનિધિશ્રી સાંસદ વિનોદભાઇ ચાવડા, ભુજ ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્ય, અબડાસા ધારાસભ્યશ્રી પ્રધ્યુમનસિંહ જાડેજા, અગ્રણી કેશુભાઇ પટેલ સાથે પણ ચર્ચા કરી હતી.
પશ્ચિમ કચ્છમાં મુન્દ્રાના પ્રાગપર, માંડવીના કોડાય અને ભુજ બી ડીવીઝનના માધાપર ખાતે બનનારા પોલીસ સ્ટેશન અંગે જાણ કરી હતી. રૂ.૩૧૯ કરોડનો રાજય સરકારના સીસીટીવી કેમેરાના વિશ્વાસ પ્રોજેકટ હેઠળ જિલ્લામાં હવે કુલ કાર્યરત કેમેરાની સંખ્યા ૩૮૭ થશે એમ પણ તેમણે જણાવ્યુ હતું.
આ પ્રસંગે ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ અરજદારો પોતાના રહેણાંક વિસ્તારના પોલીસ સ્ટેશનથી સીધા જ પોલીસ અધિક્ષકશ્રી સાથે ZOOM Application મારફતે e-Mulakat દ્વારા પોતાની રજુઆત કરી શકે તે માટેના ઈ-મુલાકાત પ્રોજેકટનું અનાવરણ કર્યુ હતું. આ સાથે તેમણે પોલીસ અધિકારીઓની નાઇટ પેટ્રોલીંગનું મોનીટરીંગ અને કામગીરી માટેના નાઈટ પેટ્રોલીંગ એન્ડ્રોઈડ એપ્લીકેશનનું પણ અનાવરણ કર્યુ હતું.
ગૃહરાજયમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ ભુજ શહેરમાં મહિલા, બાળકો, સીનીયર સીટીઝનોની સુરક્ષા સેવા માટે કાર્યરત વીરાંગના સ્પેશ્યલ કોર્ડની ૮ મહિલા પોલીસ કર્મીઓને પણ પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા.
આ બેઠકની તેમજ જિલ્લાની કાયદા વ્યવસ્થા બાબતે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, શાંતિ સલામતીની દષ્ટિએ કચ્છ રોજગારી અને રોકાણ માટે શ્રેષ્ઠ સ્થાન છે વિકાસની સીમા સર કરતા વિશ્વે કચ્છની નોંધ લીધી છે. આ બેઠકમાં કલેકટરશ્રી પ્રવિણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, આર.એ.સી. કુલદીપસિંહ ઝાલા, આઇ.બી.ના એસ.પી.શ્રી ભગીરથસિંહ જાડેજા, ડીવાયએસપી સર્વશ્રી જે.એન.પંચાલ, બી.એમ.દેસાઇ, એ.એ.પંડયા, શ્રી યાદવ તેમજ એલસીબી અને એસઓજી અને આઇ.બી.ના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.