પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાની હેઠળ એલડી એન્જીનીયરીંગ કોલેજ, પાસપોર્ટ ઓફિસ ત્રણ રસ્તા પાસે જોરદાર સૂત્રોચ્ચાર અને દેખાવો સાથે વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો
ભાજપના પાંચ વર્ષના સુશાસનની ઉજવણી સામે કોંગ્રેસ દ્વારા આજથી અમદાવાદ સહિત આઠ મહાનગરો અને 33 જિલ્લા મથકોએ જન સંપર્ક અભિયાન દ્વારા ભાજપ સરકારનો ચહેરો પ્રજા સમક્ષ ખુલ્લો પાડી તેની નિષ્ફળતાઓ ઉજાગર કરવાનું અભિયાન છેડવામાં આવ્યું
અમદાવાદ સહિત રાજયના આઠ મહાનગરો અને 33 જિલ્લા મથકોએ યુનિવર્સિટી અને કોલેજોની બહાર જ કોંગ્રેસ દ્વારા જોરદાર વિરોધદર્શક કાર્યક્રમો અને દેખાવો યોજાયા
ભાજપ સરકારનો શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનો એપી સેન્ટર છે. ભાજપ સરકાર આગામી દિવસોમાં રાજયની છ હજાર જેટલી સરકારી પ્રાથમિક શાળાઓને તાળા મારવા જઇ રહી છે, તેનાથી ગ્રામ્ય વિસ્તારમાં બાળકો-વિદ્યાર્થીઓનો શિક્ષણનો અધિકાર છીનવાઇ જશે – ડો.મનીષ દોશી
અમદાવાદ,તા.1
એક તરફ રાજ્ય સરકાર રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરે છે. ત્યારે કોંગ્રેસે આ ઉજવણીનો જોરદાર વિરોધ કર્યો છે. અમદાવાદમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના અધ્યક્ષ સ્થાને કોંગ્રેસ દ્વારા શિક્ષણ બચાવો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાની હેઠળ એલડી એન્જીનીયરીંગ કોલેજ, પાસ પોર્ટ ઓફિસ ત્રણ રસ્તા પાસે જોરદાર સૂત્રોચ્ચાર અને દેખાવો સાથે વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અમદાવાદ સહિત રાજયભરમાં કોંગ્રેસ દ્વારા આજે જન સંપર્ક અભિયાનના પ્રથમ દિવસે શિક્ષણ બચાવોના યોજાયેલા વિરોધ કાર્યક્રમ દરમ્યાન પોલીસ દ્વારા કોંગ્રેસના નેતાઓ, સ્થાનિક આગેવાનો અને કાર્યકરોની અટકાયત પણ કરી હતી, જેને લઇ એક તબક્કે પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણના પણ બનાવો સામે આવ્યા હતા. કોંગ્રેસે પોલીસ અત્યાચારની અને દમનકારી નીતિને વખોડતાં જણાવ્યું કે, ભાજપ સરકારના ઇશારે પોલીસ કોંગ્રેસ કે જે ગુજરાતની જનતાનો અવાજ ઉઠાવી રહી છે, તેને દબાવવાનો હીન પ્રયાસ કરી રહી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડા ના અધ્યક્ષ સ્થાને ,પાસપોર્ટ ઓફિસ ત્રણ રસ્તા એલ. ડી. કોલેજ ના ગેટની બાજુમાં, નવરંગપુરા ખાતે “શિક્ષણ બચાવો” કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા વિરોધ કાર્યક્રમમાં કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડો.મનીષ દોશી, હિંમતસિંહ પટેલ, સહિતના કોંગ્રેસના આગેવાનો, સ્થાનિક નેતાઓ અને સંખ્યાબંધ કાર્યકરો જોડાયા હતા. દરમ્યાન પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર ચાબખા વરસાવતાં જણાવ્યું કે, મંદી – મોંઘવારી – મહામારી – બેરોજગારી – અસુરક્ષાના ભાવ સાથે ગુજરાતની સાડા છ કરોડની જનતા આજે ખુબ કપરા સમયમાં પોતાનુ જીવન વ્યતિત કરી રહી છે. કોરોનાના આ કપરા સમયમાં સરકાર તરફથી લોકોને હુફ – મદદ – રાહત – સહાયતા મળવી જોઈએ. જેના બદલે ભાજપ સરકાર પોતાની નિષ્ફળતા રૂપી શાસનને વાહવાહી કરવા માટે પ્રજાના ટેક્ષના પરસેવાના પૈસાને ઉત્સવો – તાયફાઓ પાછળ વેડફી રહી છે. ગુજરાતનો યુવાનો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે, ભ્રષ્ટાચાર – મોંઘવારીનો માર પ્રજા સહન કરી રહી છે, કોરોના મહામારીમાં બે લાખ કરતા વધારે લોકોના મૃત્યુ થયા છે, મંદીનો માહોલ છે, ધંધો-વેપાર ચોપટ થયા છે, ખેડૂત આર્થિક રીતે પાયમાલ બન્યો છે. એવા સંજોગોમાં સરકારે પોતાના નિષ્ફળ શાસન માટે શરમ કરવી જોઈએ. તેના બદલે વાહવાહી કરવા માટે નવ દિવસના ઉત્સવો – તાયફા કરવા જઈ રહી છે. આ ઉત્સવ – ઉજવણી શેના માટે ? ઉજવણી કોના કેમ ? એ વાતને લઈને ગુજરાતના છ કરોડ નાગરિકોના આક્રોશ, મૂંઝવણ, વ્યથા, લાગણી અને માંગણીને વાચા આપવા, માટે કોંગ્રેસ ક્રાંતિકારી ઓગસ્ટ મહિનામાં નવ દિવસના ‘‘જન સંપર્ક અભિયાન’’ કાર્યક્રમ મારફતે ભાજપ સરકારની નિષ્ફળતાઓ અને ભાજપના નેતાઓનો ખોખલો ચહેરો ગુજરાતની પ્રજા સમક્ષ ખુલ્લા પાડી તેને ઉજાગર કરશે અને ગુજરાતની છ કરોડ જનતાને સાચા અર્થમાં લોકતંત્રનો ભરોસો અપાવશે. ભાજપ દ્વારા ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી જે પ્રકારે આંતરિક રાજકારણના ભાગરૂપે ભીખુભાઇ દલસાણિયાને મુકત કરાયા છે તે જ પ્રકારે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને પણ માન સન્માન સાથે વિદાય કરવાનો સમય હવે આવી ગયો છે. એકબાજુ, ગુજરાતની જનતા કોરોના મહામારી, મોંઘવારી, મંદી સહિતના મારથી ત્રસ્ત છે ત્યારે હવે ભાજપ સરકારને ઉજવણી કરતાં શરમ પણ આવતી નથી, ભાજપ શેની ઉજવણી કરે છે, પોતાની નિષ્ફળતાઓની કે જનતાના પૈસે તાગડધિન્ના કરવાની…રાજયમાં શિક્ષણના નામે ઉઘાડી લૂંટ ચાલી રહી છે. પ્રજાના પૈસે આવા તાગડધિન્ના કરવાની કે તાયફાઓ કરવાની કયાં જરૂર છે. ગુજરાતની પ્રજાએ ભાજપનો અસલી ચહેરો હવે જાણી લેવો જોઇએ.
તો, પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડો.મનીષ દોશીએ પણ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું કે, ભાજપ સરકારનો શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનો એપી સેન્ટર છે. ભાજપ સરકાર આગામી દિવસોમાં રાજયની છ હજાર જેટલી સરકારી પ્રાથમિક શાળાઓને તાળા મારવા જઇ રહી છે, તેનાથી ગ્રામ્ય વિસ્તારમાં બાળકો-વિદ્યાર્થીઓનો શિક્ષણનો અધિકાર છીનવાઇ જશે. એકબાજુ, દિન પ્રતિદિન ફીનું ધોરણ ખૂબ ઉંચું અને અસહનીય બની રહ્યું છે ત્યારે સંચાલકો દ્વારા ઉઘાડેછોગ લૂંટ ચલાવાઇ રહી છે. વાસ્તવમાં ભાજપ સરકાર શાળા સંચાલકોને છાવરી રહી છે અને પ્રજાને આ લૂંટમાં મરવા મજબૂર કરી રહી છે. ભાજપ સરકાર વાલીઓની ચિંતા કરવાના બદલે સંચાલકોની ચિંતા કરી રહી છે. ભાજપના શાસનમાં શિક્ષણનું સ્તર કથળ્યું છે, જે બહુ ચિંતાજનક સ્થિતિ કહી શકાય. કોંગ્રેસ હવે ભાજપના સુશાસનની ઉજવણી સામે જન સંપર્ક અભિયાન મારફતે 2022 સુધી લોકજાગૃતિ અને પ્રજાના લાગણી અને માંગણીને વાચા આપતાં અનેકવિધ કાર્યક્રમો ચલાવી ગુજરાતની છ કરોડ જનતાને તેના અધિકાર અને હક્કો અપાવવાના સંનિષ્ઠ પ્રયાસો કરશે.
કોંગ્રેસ દ્વારા રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે યોજવામાં આવેલા વિરોધ પ્રદર્શનમાં પરેશ ધાનાણી સિવાય મહિલા અધ્યક્ષ ગાયત્રીબા વાધેલા સહિત કોંગ્રેસના સંખ્યાબંધ કાર્યકર્તાઓ અને એનએસયુઆઇના સભ્યો જોડાયા હતા. કાર્યક્રમમાં શિક્ષણ બચાવોના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ પહેલા પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો હતો. કોંગ્રેસે શિક્ષણનો વેપાર બંધ કરો, ફી માફી આપો, શિક્ષકોની ભરતી કરો જેવા સૂત્રોચ્ચાર કરી વાતાવરણ ગજવી મૂક્યું હતું. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કહ્યુ કે, ભાજપની લોક વિરોધી નીતિને કારણે મંદી, મોંઘવારી વધી છે. ગરીબ લોકો સામે અનાજ આપવાના નામે મજાક કરવામાં આવી રહી છે. ભાજપની સરકાર ગરીબી દૂર કરી શકી નથી. માત્ર વાતો જ કરે છે. એકબાજુ, જનતા મોંઘવારી, મંદી અને કોરોના મહામારીના મારથી ત્રસ્ત છે, ત્યારે ભાજપ સરકાર લાજવાના કે શરમ કરવાના બદલે પ્રજાના પૈસે પોતાની વાહવાહીના તાયફાઓ કરી તાગડધિન્ના કરી રહી છે પરંતુ ગુજરાતની સમજુ જનતા આગામી વિધાનસભા ચૂંટણીમાં તેનો જોરદાર વળતો જવાબ આપશે.