- જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ ક્લાસ, શાળાના ઓરડાઓ, પંચાયત ઘર, તાલુકા પંચાયતના મકાન, માધ્યમિક શાળાઓમાં કમ્પ્યુટર લેબનું લોકાર્પણ
- શોધ (SHODH) યોજના અંતર્ગત પીએચ.ડી. વિદ્યાર્થીઓને સ્કોલરશીપ, MYSY અંતર્ગત વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે સહાય તેમજ નમો ઈ-ટેબલેટ વિતરણ સહાય SSIP હેઠળ રાજ્યની 16 કોલેજો અને યુનિવર્સિટીઓ સાથે એમ.ઓ.યુ (MoU) સહિતના કાર્યક્રમોનું આયોજન
- ”જ્ઞાન શક્તિ દિવસ” ના ઉપક્રમે પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણના ગુણવતાસભર શિક્ષણ માટે સમગ્ર રાજ્યમાં 150 સ્થળોએ શિક્ષણ વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન
- જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત રૂ.135 કરોડના ખર્ચે 3659 શાળાઓના તૈયાર થયેલા 12000 સ્માર્ટ ક્લાસનું પણ લોકાર્પણ કરવામાં આવશે
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર,તા.31
છેલ્લા પાંચ વર્ષમાં શ્રી વિજયભાઇ રૂપાણી અને શ્રી નીતિનભાઇ પટેલની પ્રગતિશીલ સરકારે દૃઢ રાજકીય ઇચ્છાશક્તિથી સંવેદનશીલતાપૂર્વક રીતે પરિણામલક્ષી નિર્ણાયકતા દાખવી જન-જનને પારદર્શક શાસનની પ્રતીતિ કરાવી પ્રગતિશીલતાની પરાકાષ્ઠા સર્જી છે.
તા. 7 ઓગસ્ટ,2016ના રોજ રાજ્યની જનતાની સેવા માટે સમર્પિત થવાના સંકલ્પ સાથે શાસનધુરા સાંભળનારા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલની જનહિતલક્ષી કાર્યરીતિના આ પાંચ સફળ વર્ષની પૂર્ણતાના પ્રારંભે માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વડપણ હેઠળ તા.01 ઓગસ્ટ, 2021ના રોજ ”જ્ઞાન શક્તિ દિવસ” ના ઉપક્રમે પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણના ગુણવતાસભર શિક્ષણ માટે સમગ્ર રાજ્યમાં 150 સ્થળોએ શિક્ષણ વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોઈપણ વ્યક્તિ અને સમાજના સર્વાંગીણ વિકાસ માટે પ્રાણશક્તિ અને જ્ઞાનશક્તિ આવશ્યક છે. પ્રાણશક્તિના વિકાસ માટે શરીરને સારું પોષણ, ઉત્તમ વ્યાયામ અને સંયમની આવશ્યકતા છે તો જ્ઞાનશક્તિનો વિકાસ કરવા માટે જોઈએ મનનશક્તિ, ચિંતનશક્તિ તથા બુદ્ધિમાં સ્વતંત્રતા, સમત્વ અને વિવેકની જરૂરિયાત છે.
રાજ્યમાં ”જ્ઞાન શક્તિ” ના વિકાસને બળવત્તર બનાવવાના હેતુસર, તા.1 ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતા હેઠળ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ‘જ્ઞાન શક્તિ દિવસ’ની અન્વયે વિવિધ કાર્યક્રમો યોજાશે. રાજ્યની 100 પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તથા 51 ઉચ્ચ શિક્ષણના કાર્યક્રમો સહિત કુલ 151 કાર્યક્રમો યોજાશે.
આ ઉપરાંત; જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત રૂ.135 કરોડના ખર્ચે 3659 શાળાઓના તૈયાર થયેલા 12000 સ્માર્ટ ક્લાસનું પણ લોકાર્પણ કરવામાં આવશે. રૂ.95 કરોડના ખર્ચે તૈયાર થયેલા 1050 શાળાના ઓરડાઓ, રૂ.10 કરોડ 26 લાખના ખર્ચે તૈયાર થયેલા 71 પંચાયત ઘર, રૂ.4 કરોડ 80 લાખના ખર્ચે નિર્માણ પામેલા ધોળકા અને નવસારી તાલુકા પંચાયતના મકાનનું લોકાર્પણ પણ કરાશે. રૂ.35 કરોડના ખર્ચે નિર્મિત 256 માધ્યમિક શાળાઓમાં કમ્પ્યુટર લેબનો શુભારંભ પણ કરવામાં આવશે.
શોધ (SHODH) યોજના અંતર્ગત 1000 પીએચ.ડી. વિદ્યાર્થીઓને સ્કોલરશીપ, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) અંતર્ગત 2008 વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે સહાય વિતરણ તેમજ નમો ઈ-ટેબલેટ વિતરણનો કાર્યક્રમ પણ યોજાશે. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી (SSIP) હેઠળ રાજ્યની 16 કોલેજો અને યુનિવર્સિટીઓ સાથે એમઓયુ (MoU)કરવામાં આવશે જેનો 18,670 વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવશે. આ ઉપરાંત રૂ.58 કરોડના ખર્ચે રાજ્યમાં વિવિધ 647શાળાના ઓરડાઓ, રૂ.2076 કરોડના ખર્ચે 144 પંચાયત ઘર નિર્માણ માટે પણ ખાતમુહર્તનો કાર્યક્રમ યોજવામાં આવશે.