મોબાઇલ ચાર્જિંગમાં રાખી વાત કરતાં લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો
મોબાઇલ ચાર્જિંગમાં રાખી ચાલુ ચાર્જિંગ દરમ્યાન વાત કરતી વખતે જ મોબાઇલમાં પ્રચંડ બ્લાસ્ટ થયો અને ગંભીર ઇજાઓ થવાના કારણે 17 વર્ષીય સગીરાનું કરૂણ મૃત્યુ
અમદાવાદ,તા.29
આજના આધુનિક અને ઝડપી યુગમાં મોબાઇલ રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુમાં જાણે સામેલ થઇ ગઇ છે. તેના શિક્ષણમાં, દૂરસંચાર, દૂર કે વિદેશ રહેતા પરિજનો કે આત્મીયજનો સાથે વાત કે વીડિયોકોલ કરવા સહિતના અનેક ફાયદાઓ છે તો સાથે સાથે કેટલાક ગેરફાયદા પણ છે. આમ તો, મોબાઇલમાં બ્લાસ્ટ થવાની કે ધડાકા સાથે મોબાઇલ તૂટવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે પરંતુ સમાજ માટે એક ચેતવણીરૂપ બનાવ મહેસાણા જિલ્લાના છેટાસણા ગામે નોંધાયો કે, જયાં લો બેટરી હોવાના કારણે મોબાઇલ ચાર્જિંગમાં મૂકી ચાલુ ચાર્જિંગે ફોન પર વાત કરતી વખતે મોબાઇલ ફાટતાં 17 વર્ષની એક સગીરાનું ગંભીર ઇજાઓ થવાના કારણે કરૂણ મોત નીપજયુ હતું. સગીરાના મૃત્યુના કારણે પરિવારજનો પર તો જાણે આભ તૂટી પડયુ હતુ તો, આ ઘટનાને લઇ સમગ્ર ગામમાં પણ શોકનો માહોલ છવાઇ ગયો હતો.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના છેટાસણા ગામ ખાતે 17 વર્ષની એક સગીરા મોબાઇલ ચાર્જિંગમાં ભરાવીને વાત કરી રહી હતી. આ દરમિયાન મોબાઇલ પ્રચંડ ધડાકા સાથે ફૂટતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત કિશોરીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. સવારે બનેલા આ બનાવથી કિશોરીનો પરિવાર હેબતાઈ ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં માત્ર આ પરિવાર જ નહીં પરંતુ ઘટનાને પગલે આખા ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના છેટાસણા ગામના શંભુભાઇ પ્રભાતભાઇ દેસાઇની દીકરી શ્રદ્ધા સવારે નવ વાગ્યાની આસપાસ પોતાના ઘરના ઉપરના માળે મોબાઇલ પર વાત કરી રહી હતી. મોબાઈલની બેટરી લો હોવાથી શ્રદ્ધા ફોનને ચાર્જિંગમાં રાખીને વાત કરી રહી હતી. આ દરમિયાન કોઈ કારણે મોબાઇલમાં પ્રચંડ ધડાકો થયો હતો. ધડાકો એટલો જોરદાર હતો કે શ્રદ્ધાને ગંભીર ઈજા પહોંચી હતી. ગંભીર ઇજાઓ થવાના કારણે તેનું કરૂણ મોત નીપજયુ હતું. મોબાઇલમાં ધડાકો એટલો જોરદાર હતો કે આસપાસના લોકો અને ઘરના સભ્યો ઉપરના માળે દોડી ગયા હતા. પરિવારે રૂમમાં જોયું તો મોબાઈલમાં ધડાકાને કારણે દીકરીનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. આ મામલે ગામના તલાટી સહિતના લોકોને જાણ કરવામાં આવી હતી. કિશોરી જે રૂમમાં વાત કરી રહી હતી તેમાં ઘાસ ભર્યું હોવાથી તે પણ સળગી ગયું હતું. જેથી તાત્કાલિક પાણીનો મારો ચલાવીને આગને બુઝાવવામાં આવી હતી. પરંતુ સગીરા મોબાઇલ ફાટવાના કારણે ગંભીર ઇજાઓ થતાં મોતને ભેટી હતી. આ દુઃખદ અને આઘાતજનક બનાવને પગલે પરિવાર સહિત સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. જો કે, મોબાઇલ ચાર્જિંગમાં હોય તે દરમ્યાન ઘણા લોકોને વાત કરવાની ટેવ હોય છે ત્યારે આ ઘટના સમાજના અન્ય લોકો માટે પણ ચેતવણીરૂપ છે કે મોબાઇલ પર વાત કરતી વખતે સાવધાની રાખવી પણ એટલી જ જરૂરી છે.