રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ પણ ટવીટ કરીને ગુજરાતને શુભેચ્છા પાઠવી ગૌરવન્વાવિત ક્ષણ અનુભવી
ધોળાવીરાની હડપ્પન સંસ્કૃતિ પાંચ હજાર વર્ષ પ્રાચીન છે અને ધોળાવીરા મુખ્ય ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. ધોળાવીરા સૌથી પ્રાચીન સંસ્કૃતિઓ પૈકીની એક હોઇ તેનું ઐતિહાસિક મહત્વ ઘણી વધી જાય છે
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.27
ગુજરાત માટે બહુ ગૌરવપૂર્ણ અને ખુશીના કહી શકાય એવા સમાચાર આજે યુનેસ્કો દ્વારા જાહેર કરાયા છે કે, ગુજરાતના ધોળાવીરાને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજની યાદીમાં આખરે સ્થાન પ્રાપ્ત થયુ છે, જે બહુ મોટી અને ગર્વપૂર્ણ બાબત ગુજરાત અને તમામ ગુજરાતીઓ માટે કહી શકાય. યુનેસ્કો દ્વારા ટવીટ્ના માધ્યમથી આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
કચ્છના ભચાઉમાં ખડિરબેટ વિસ્તારમાં આવેલા ધોળાવીરાને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પ્રાપ્ત થતાં રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ પણ ટવીટ કરીને ગુજરાતને શુભેચ્છા પાઠવી ગૌરવન્વાવિત ક્ષણ અનુભવી હતી. ઉલ્લેખનીય છે કે, ધોળાવીરાની હડપ્પન સંસ્કૃતિ પાંચ હજાર વર્ષ પ્રાચીન છે અને ધોળાવીરા મુખ્ય ત્રણ ભાગમાં વહેંચાયેલું છે.
ધોળાવીરા સૌથી પ્રાચીન સંસ્કૃતિઓ પૈકીની એક માનવામાં આવે છે. તે કારણથી જ તેનું ઐતિહાસિક મહત્વ ઘણું વિશેષ અને અલગ જ નોંધાયુ છે. જેનાં અવશેષો આ સાઇટ પર છે. આ સંસ્કૃતિ તે સમયની સૌથી ઉન્નત એન્જિનિયરિંગ અને પોતાનાં વિઝન માટે દેશ વિદેશમાં જાણીતી બની રહી છે. આ ગુજરાતનાં કચ્છ જિલ્લામાં આવેલી સાઇટ છે. 1990માં ખોદકામ દરમિયાન આ અવશેષો મળી આવ્યા હતા. આ ઉપરાંત આ સમગ્ર સાઇટ 250 હેક્ટર કરતા પણ વધારે વિસ્તારમાં ફેલાયેલી છે.
ગુજરાત માટે ફરી એકવાર ગર્વ થાય તેવા સમાચાર આજે આવ્યા કે, યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં ધોળાવીરા હેરિટેજ સાઇટને સ્થાન આપ્યું છે. આ અંગે યુનેસ્કો દ્વારા અધિકૃત રીતે ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી હતી. આ ટ્વીટને મુખ્યમંત્રી દ્વારા રિટ્વીટ કરીને સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ યુનેસ્કો દ્વારા અગાઉ ભારત દેશનાં કાગદીય રુદ્રેશ્વર રામપ્પા મંદિરને પણ આ યાદીમાં સ્થાન આપવામાં આવ્યું હતું. આ મંદિર તેલંગાણામાં આવેલું છે. આ મંદિરને પણ વર્લ્ડ હેરિટેજની યાદીમાં સ્થાન અપાયું હતું. આ સિવાય ગુજરાતની આગવી ઓળખ સમુ અમદાવાદ તો, પહેલેથી જ વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સ્થાન ધરાવે છે. ત્યારે ગુજરાત માટે વધારે એક ગૌરવની બાબત બની છે.