પેગાસસ મામલે કોંગ્રેસ દ્વારા સુપ્રીમકોર્ટની નીગરાની હેઠળ ન્યાયી તપાસની ઉગ્ર માંગ
દેશમાં અને રાજયમાં અઘોષિત કટોકટી છે, દેશના વડાપ્રધાને લોકોની જાસૂસી મામલે માફી માંગવી જોઇએ અને કેન્દ્રીય ગૃહમંત્રીએ તેમની નિષ્ફળતા માટે રાજીનામું આપવું જોઇએ – પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા
કોંગ્રેસ દ્વારા પેગાસસ જાસૂસી મામલે ગુજરાતના રાજયપાલને એક વિગતવાર આવેદનપત્ર પણ સુપ્રત કરાયુ
ગાંધીનગર, તા.23
પેગાસસ જાસૂસી મામલે કોંગ્રેસ નેતાઓ દ્વારા આજે ગુજરાત સહિત દેશભરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન અને જોરદાર દેખાવો યોજાયા હતો. જેના ભાગરૂપે આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજયના પાટનગર ગાંધીનગર ખાતે પણ જોરદાર દેખાવો અને ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યા હતા. કોંગ્રેસે એક વિશાળ રેલીનું આયોજન કરી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. જે દરમ્યાન વાતાવરણ વધુ વણસે નહી તેના ભાગરૂપે પોલીસે કેટલાક કોંગ્રેસ નેતાઓ, આગેવાનો અને 100થી વધુ કાર્યકર્તાઓની અટકાયત પણ કરી હતી. કોંગ્રેસ દ્વારા ભાજપ સરકારની વિરૂધ્ધમાં જોરદાર સૂત્રોચ્ચાર અને નારાઓ લગાવવામાં આવ્યા હતા. જેને લઇ સમગ્ર મામલો ગરમાયો હતો.
બીજીબાજુ, પેગાસસ જાસૂસી મામલો હવે દેશભરમાં વિપક્ષ દ્વારા ચગાવાતાં તેના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. પેગાસસ જાસૂસી પ્રકરણમાં કોંગ્રેસ દ્વારા હવે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસ કરવાની માંગ ઉઠી હતી. આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, પેગાસસ જાસૂસી પરથી સ્પષ્ટ થઇ ગયુ છે કે, હાલ રાજ્યમાં કે દેશના કોઇપણ નાગરિકની પ્રાઈવસી સુરક્ષિત નથી. દેશમાં અને રાજ્યમાં અઘોષિત કટોકટી છે. દેશના વડાપ્રધાને લોકોની જાસૂસી મામલે માફી માંગવી જોઇએ. તેમજ કેન્દ્રીય ગૃહમંત્રીએ તેમની નિષ્ફળતા માટે રાજીનામું આપવું જોઇએ.
પેગાસસ જાસૂસી પ્રકરણમાં કોંગ્રેસ દ્વારા કરાયેલ આજના વિરોધ પ્રદર્શન અને ઉગ્ર દેખાવોમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી, કોંગી નેતાઓ નિશિથ વ્યાસ, હિમાંશુ પટેલ સહિતના અનેક નેતાઓ અને આગેવાનોની સાથે સેંકડો કાર્યકરો રસ્તા પર ઉમટયા હતા. કોંગ્રેસના દેખાવો અને રેલીને કાબૂમાં લેવા પોલીસ અને સુરક્ષા જવાનોને પણ ભારે જહેમત કરવી પડી હતી. કોંગ્રેસના નેતાઓ, આગેવાનો અને કાર્યકરોએ મોટા મોટા બેનરો, પ્લેકાર્ડમાં માર્મિક સૂત્રોચ્ચાર લખી પ્રજાને જગાડવાનો અને સરકાર પર આકરા પ્રહાર કરવાનો પ્રયાસ કર્યો હતો.
દરમ્યાન વાતાવરણ ઉગ્ર બનતાં પોલીસે એક તબક્કે કોંગ્રેસના કેટલાક નેતાઓ, આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી, જેને લઇ કોંગ્રેસે પોલીસ સરકારના ઇશારે દમનકારી અને અત્યાચારી નીતિ અખત્યાર કરી રહી હોવાના ગંભીર આક્ષેપો પણ કર્યા હતા. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યા હતા કે, વિપક્ષ કોંગ્રેસ કે જે પ્રજાનો અવાજ બનીને જનતા સમક્ષ ભાજપ સરકારના કૌભાંડો અને કાંડો ખુલ્લા પાડી રહી છે તેને સરકાર સત્તા અને પૈસાના જોરે દબાવવાનો હીન પ્રયાસ કરી રહી છે. આ પ્રકારે લોકશાહીનું ખૂન બંધ કરવા કોંગ્રેસે ભાજપ સરકાર પર માર્મિક પ્રહાર કર્યા હતા અને પેગાસસ જાસૂસી મામલે સુપ્રીમકોર્ટના જજના વડપણ હેઠળ ન્યાયિક તપાસ કરાવવા ઉગ્ર માંગણી કરી હતી.