ભદ્ર સેશન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો – કોર્ટે પોતાના ચુકાદામાં આરોપીના ગુનાહિત કૃત્યની ગંભીર અને તીખી આલોચના સાથે મહત્વપૂર્ણ અવલોકન કર્યા
ગત તા.20 એપ્રિલ, 2016ના રોજ આરોપી મનીષ શ્રવણકુમાર બલાઈને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં નાર્કોટિક્સના એક ગુનામાં લાવવામાં આવ્યો હતો. ક્રાઇમબ્રાંચના અધિકારીઓ તપાસના ભાગરૂપે પૂછપરછ કરી મોડી રાત્રે ઘેર ગયા ત્યારે પોલીસ કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણા આરોપી બલાઇની વોચ રાખીને ફરજ પર હાજર હતો ત્યારે આરોપી મનીષ બલાઇએ પાઇપના ફટકા મારી કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણાને પતાવી દીધો હતો
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.22
વર્ષ 2016માં અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચના પોલીસ કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણાની કમકમાટીભરી હત્યા કરવાના ચકચારભર્યા કેસમાં આરોપી મનીષ બલાઇને અત્રેની સેશન્સ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદા મારફતે જન્મટીપની આકરી સજા ફટકારી છે. સેશન્સ કોર્ટે આરોપી મનીષ બલાઇને આજીવન કેદની સજા ફટકારી છે. એડિશનલ સીટી સેશન્સ જજ શ્રી ડી.વી.શાહે પોતાના ચુકાદામાં આરોપીના ગુનાહિત કૃત્યની ગંભીર અને તીખી આલોચના સાથે મહત્વપૂર્ણ અવલોકન કર્યા હતા અને જણાવ્યું હતું કે, આ કેસ રેરેસ્ટ ઓફ રેર કેસની વ્યાખ્યામાં આવતો નથી પરંતુ તેમછતાં આરોપીનું ગુનાહિત કૃત્ય ઘણું જ ગંભીર અને સમાજ માટે ખતરનાક કહી શકાય તેવું છે ત્યારે આરોપીને પોલીસ કોન્સ્ટેબલની હત્યાના ગુનામાં દોષિત ઠરાવવામાં આવે છે અને તેને જન્મટીપની આકરી સજા ફટકારવામાં આવે છે.
અમદાવાદ સેશન્સ કોર્ટે આરોપી મનીષ બલાઈને આજીવન કેદની સજા ફટકારવા ઉપરાંત 25 હજાર રૂપિયાનો દંડ અને આઈપીસીની કલમ 404 પ્રમાણે ત્રણ મહિનાની સજા અને બે હજાર રૂપિયાનો દંડ ફટાકર્યો છે. કોર્ટના આદેશ પ્રમાણે આરોપીએ આ સજા એકસાથે ભોગવવાની રહેશે. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં અગાઉની સુનાવણી વખતે કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. જે આજે કોર્ટે ખુલ્લી અદાલતમાં જાહેર કર્યો હતો અને આ કેસમાં છ વર્ષ બાદ સેશન્સ કોર્ટે આરોપી મનીષ બલાઈને દોષી જાહેર કરી આજીવન કેદની સજા ફટકારી છે.
ચકચારભર્યા એવા આ કેસમાં રાજય સરકાર તરફથી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર અમિત એમ. પટેલે મહત્વની દલીલો કરતાં જણાવ્યું હતું કે, આરોપીનું ગુનાહિત કૃત્ય બહુ ગંભીર, સમાજ વિરોધી અને અક્ષમ્ય કહી શકાય તેવું છે કારણ કે, આરોપીએ તેની માનસિક વિકૃતતા અને ગુનાહિત સ્વભાવના કારણે એક નિર્દોષ પોલીસ કર્મચારીની નિર્દયી રીતે કમકમાટીભરી હત્યા કરી હતી. આ કેસ ભલે રેરેસ્ટ ઑફ રેર કેસની વ્યાખ્યામાં સમાવિષ્ટ ના હો પરંતુ તેને ખાસ કેસ ગણીને આરોપી જીવે ત્યાં સુધીની સજા આપવામાં આવે. આરોપીને જન્મટીપની આકરી સજા ફટકારવાથી ન્યાયનો હેતુ સાચા અર્થમાં પરિપૂર્ણ થશે. વળી, આરોપીએ એક પોલીસ કર્મચારીની કરપીણ હત્યા કરી હોઇ આરોપીને આકરી સજા ફટકારવાથી સમાજમાં પણ એક પ્રકારે ન્યાયનો સાચો સંદેશો ફેલાશે…ખાસ કરીને પોલીસ તંત્રમાં પણ તેના ન્યાયપૂર્ણ પ્રત્યાઘાત પડશે. આ સંજોગોમાં કોર્ટે આરોપી મનીષ બલાઇને સખતમાં સખત સજા ફટકારવી જોઇએ. સરકારપક્ષ તરફથી સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર અમિત એમ.પટેલની દલીલો ગ્રાહ્ય રાખી સેશન્સ કોર્ટે ઉપરોકત મહત્વનો ચુકાદો જાહેર કર્યો હતો અને આરોપી મનીષ બલાઇને આજીવન કેદની આકરી સજા ફટકારી હતી.
ચકચારભર્યા આ કેસની વિગતો એવી છે કે, ગત તા.20 એપ્રિલ, 2016ના રોજ આરોપી મનીષ શ્રવણકુમાર બલાઈને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં અન્ય એક ગુનામાં લાવવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાંચની ઓફિસ ખાતે મનીષની પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ બાદ અધિકારીઓ ઘરે ગયા હતા જ્યારે મોડી રાત્રે ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેલબ ચંદ્રકાંત મકવાણા આરોપી મનીષની વૉચ રાખી રહ્યા હતા. આ દરમિયાન તકનો ગેરલાભ ઉઠાવીને આરોપી મનીષે પોલીસ કોન્સ્ટેબલના માથામાં પાઇપના ફટકા મારી તેને નિર્દયી રીતે મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસ કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણાનું ઘટના સ્થળે જ મોત નીપજાવ્યા બાદ આરોપી ત્યાંથી ભાગી ગયો હતો. હત્યા બાદ આરોપી ટ્રેન મારફતે વડોદરાના મિયાણી ભાગી ગયો હતો. પરંતુ પોલીસે મોબાઇલ ફોનના લોકેશનને આધારે તેની ધરપકડ કરી લીધી હતી. ખૂબ જ સંવેદનશીલ એવા આ કેસનો ટ્રાયલ ચાલી જતાં એડિશનલ સીટી સેશન્સ જજ શ્રી ડી.વી.શાહે આજે આરોપી મનીષ બલાઇને જન્મટીપની આકરી સજા ફટકારી હતી.