કોંગ્રેસ પક્ષના તમામ વરિષ્ઠ નેતાઓ, આગેવાનો અને સેંકડો કાર્યકરો રેલી સ્વરૂપે આશ્રમ રોડ થી નેહરૂબ્રીજ થઈને રૂપાલી સર્કલ ઈન્દિરાજી – રાજીવજીની પ્રતિમા સુધી સાયકલ યાત્રા – પદયાત્રામાં જોડાયા – ભાજપ સરકાર પર કોંગ્રેસના નેતાઓએ ચાબખા વરસાવ્યા
મોંઘવારીના વિરોધનું આ આંદોલન એ કોંગ્રેસ પક્ષનું આંદોલન નથી આ જનતાનું આંદોલન છે અને જનતાની વેદનાને વાચા આપવાનું કામ કોંગ્રેસ કરી રહી છે – પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા
અમદાવાદ,તા.20
મંદી – મોંઘવારી – મહામારીમાં હોમાઈ રહેલ સામાન્ય – મધ્યમવર્ગની જનતા ને મોંઘવારીના મારમાંથી મુક્તિ મળે – રાહત મળે તેવી માંગ સાથે અમદાવાદ ખાતે યોજાયેલ જનચેતના અભિયાન સભાને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, મંદી – મોંઘવારી – બેરોજગારીથી આજે આખા દેશની જનતા ત્રસ્ત છે. છેલ્લા દોઢ વર્ષ જેટલા સમય આ દેશના તમામ લોકો માટે એમના જીવનનો સૌથી મોટો કપરો અને કઠીન સમય રહ્યો છે. એક બાજુ ભાજપની નિષ્ફળતાઓને કારણે આખા દેશની અર્થ વ્યવસ્થા ખતમ થઈ ગઈ, ધંધા-વેપાર ચોપટ થયા, ખેડૂતોની આર્થિક સ્થિતી પાયમાલી તરફ વધી અને બીજી બાજુ કોરોનાની મહામારી જેના કારણે આપણે સૌએ જોયુ કે આ ગુજરાતમાં છેલ્લા ૨૫ વર્ષથી પ્રજાએ આ સરકારને સત્તા સોપી તેમ છતાં પણ જ્યારે સરકારની પ્રજાને રાહત આપવાની વાત આવી, મહામારીમાંથી બચાવવાની વાત આવી, લોકોનો જીવ બચાવવાનો આવ્યો ત્યારે આ સરકાર સંપૂર્ણ નિષ્ફળ રહી છે.
લોકોને જ્યારે જરૂર હતી ત્યારે હોસ્પિટલમાં બેડ ના મળે, ઈન્જેક્શન ના મળે, ઓક્સીજનના સીલીન્ડર ના મળે, જે ઈન્જેક્શન ૧૦૦૦ માં મળતું તે ઈન્જેક્શન ૧૦૦૦૦ થી ૧૫૦૦૦ માં કાળા બજારી થવા લાગ્યુ, ના વેન્ટીલેટર મળ્યા તેમજ છેલ્લે મર્યા પછી સ્મશાનમાં ૪-૪ કલાક મૃતકના પરિવારો લાઈનમાં ઉભા રહેવાની ફરજ પડી. આ તમામ બાબતો લોકોએ જોઈ છે – જાણી છે અને એટલા જ માટે આપણે જોયુ છે અનુભવ્યુ છે. નજીકના મહિનાઓ માર્ચ – એપ્રિલ – મે – જુન આ ચાર મહિનાની અંદર ગુજરાતની જનતાએ ખુબ અનુભવ કર્યું. અહેસાસ કર્યું. લોકોમાં જે વેદના – આક્રોશ ને વાચા આપવાનુ કામ કોંગ્રેસ પક્ષે કર્યું છે અને આખા દેશમાં જે મોંઘવારીનો માર પ્રજા સહન કરી રહી છે તે મોંઘવારીના મારને જે આક્રોશ છે એને ઉજાગર કરવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા આદરણીયશ્રી સોનિયાજી, રાહુલજી અને પ્રિયંકાજીના નેતૃત્વમાં આખા દેશમાં મોંઘવારી વિરૂધ્ધ આંદોલન કરવામાં આવ્યું છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, મને કહેતા આનંદ થાય છે કે ભલે ૨૫ વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસની સરકાર નથી, આ ભાજપના શાસકો દ્વારા અનેક જોર – જુલમ – અત્યાચાર, લાલચો આપવામાં આવે, આપણા કાર્યકરોને તકલીફો આપવામાં આવી, આર્થિક રીતે નુકસાન કરવામાં આવ્યું, અને લોકો સામે ખોટા કેસ કરવામાં આવ્યા તેમ છતાં પણ આજે કોંગ્રેસ પક્ષનો કાર્યકર અડીખમ છે અને તેણે આહવાહન કર્યું લોકો માટે લડવા નિકળો ત્યારે ગુજરાતના ૨૪૮ જેટલા તાલુકોઓમાં કાર્યકરો રસ્તાઓ ઉપર ઉતર્યા અને ‘જન ચેતના અભિયાન’ હેઠળ આ મંદી – મોઘવારી અને બેરોજગારીનો જે આક્રોશ હતો તેને વાચા આપવાનું કામ કર્યું છે. એક લેખકે ખુબ સારી વાત કરી ‘‘યે લોક જમીન બેચ દેંગે, કફન ભી બેચ દેંગે અગર દેશકી જનતા જાગી નહી તો યે લોગ હમારા પ્યારા વતન ભી બેચ દેંગે’’ આપણે સૌએ જનતાને જગાડવા માટે જન ચેતના અભિયાનની શરૂઆત કરી. આખા ગુજરાતના લોકોએ આપણને સમર્થન પણ આપ્યું. ભલે કોઈ ડરના કારણે આપણી સાથે રસ્તા ઉપર ના જોડાયા હોય, પણ જ્યારે તમે બજારમાં રેલી લઈને નીકળ્યા, જ્યારે તમે રસ્તા ઉપર ધરણા કરવા નિકળ્યા ત્યારે પોલીસ તમારી ઉપર અત્યાચાર કરતી હતી ત્યારે આ ગુજરાતની સાડા છ કરોડની જનતા ઘરે બેસીને પણ જોતી હતી કે આ કોંગ્રેસનો કાર્યકર અમારી તકલીફો માટે લડવા નિકળ્યો છે, આ કોંગ્રેસનો કાર્યકર દેશના લોકો માટે લડવા નિકળ્યો છે.
આ ભાજપની સરકાર આ કાર્યકરો ઉપર જોર – જુલમ અને અત્યાચાર કરે છે ત્યારે કોંગ્રેસના કાર્યકરોનો એક જ બુલંદ નારો હતો કે ‘પહેલે લડે થે ગોરો સે, અબ લડેંગે ચોરો સે’. આ જન ચેતના અભિયાનના કાર્યક્રમમાં પ્રદેશ કાર્યાલય થી મોંઘવારીના વિરોધમાં જે રેલી નિકળશે તેમાં કોંગ્રેસના આગેવાનો – કાર્યકરો રસ્તા ઉપર ઉતરીશું ત્યારે એટલુ ચોક્કસ છે કે, લોકોમાં ચેતના આવી છે. લોકો તો જાગૃત છે, આપણે એની આગેવાની લેવાની છે. આજે આપણે જન ચેતના અભિયાનને આગળ લઈ જઈ રહીએ છે ત્યારે આવતા થોડા દિવસો આખા ગુજરાતમાં મંદી – મોંઘવારી – મહામારી – બેરોજગારી – ભ્રષ્ટાચાર – ખેડૂતોના પ્રશ્નો અને સમાજના તમામ વર્ગના લોકોમાં જે વેદના છે જે તકલીફ છે જે આક્રોશ છે એને વાચા આપવા માટે આખા ગુજરાતમાં થોડા દિવસોમાં આપણે જન આક્રોશ કાર્યક્રમ લઈને આવીશું. ગાંધીનગર થી ગામ સુધી તમામ કોંગ્રેસનો કાર્યકર લોકોની સમસ્યા – વેદના અને તકલીફો – આક્રોશને વાચા આપવાનું કામ કરશે.
વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી પરેશ ધાનાણીએ જન ચેતના અભિયાન કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, પહેલી આઝાદીની લડાઈનું નેતૃત્વ પણ કોંગ્રેસ પક્ષના નેતાઓ, આગેવાનો અને કાર્યકરોએ લીધુ હતુ અને બીજી આઝાદીની લડાઈનું નેતૃત્વ પણ કોંગ્રેસ પક્ષના આગેવાનો અને કાર્યકરો કરશે એવો મને પુરો વિશ્વાસ છે. આજનું આંદોલન એ કોંગ્રેસ પક્ષનું આંદોલન નથી આ જનતાનું આંદોલન છે અને જનતાની વેદનાને વાચા આપવાનું કામ આજે રાજીવ ગાંધી ભવનના આંગણેથી થઈ રહ્યું છે. ‘બહુત હુઈ મહેંગાઈ કી માર અબ કી બાર મોદી સરકાર’ આ આવ્યા ત્યારે ૧૫ પૈસાનું પોષ્ટકાર્ડ લખજો, આખી ગુજરાતની બહેનોએ આંખો મીચીને કમળના બટન દબાવ્યા હતા આજે સાત વર્ષ પછી ભાઈઓ પુછે છે કે, વેપાર – ધંધા ભાગીને ભૂકો થઈ ગયા, નોટ બંધીના નાટકે દેશના અર્થતંત્રની કરોડરજ્જુ તોડી નાખી, જી.એસ.ટી.ની ઝંઝટ થી આજે આખા દેશમાં કર આતંકવાદ ફેલાયો છે. દરરોજ દુકાનના શટર પડે છે, ફેક્ટરી – કારખાના બંધ થાય છે, લાખો રૂપિયા ખર્ચીને ભણેલો – ગણેલો મારો યુવાન રોજગાર માટે દર-દર ભટકે, શિક્ષીત યુવાનોને ક્યાય નોકરી નથી મળતી અને નોકરી ના હોય તો કોઈ છોકરી આપતુ નથી.
અમિત ચાવડાએ ભાજપ પર પ્રહાર કરતાં વધુમાં જણાવ્યું કે, ‘‘બહુત હુઈ મહેંગાઈ કી માર અબ હટાવો ભાજપ સરકાર’’ સાથે બહેનોને વિનંતી કરું છું કે, આ ભાજપ સરકારને હટાવવાનું કામ આપણે સૌએ ભેગા મળીનું કરવું પડશે. દિલ્લીમાં ખેડૂતોના આંદોલનને સાંભળવા માટે કોઈ તૈયાર નથી. ગુજરાત સહિત આખા દેશની ગૃહિણો સોનિયાજીના નેતૃત્વ ૩૭૯ રૂપિયા ગેસનો બાટલો મળતો હતો આ તમારા ભાઈને લાવ્યા અને અમારા ભાઈની કમર તોડી નાખી ગેસના બાટલાનો ભાવ ૮૫૦ રૂપિયા શુ કામ પહોંચાડ્યુ તેવુ પુછવાનો સમય પાક્યો છે. ખેડૂતનો દિકરો છું ખેડૂતના દિકરાને કૃષિ ઉત્પાદનના પોષણક્ષમ ભાવ નથી મળતા. તેલના ડબ્બાનો ભાવ ૨૮૦૦ સુધી પહોંચી ગયો તેનાથી ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે. સરકારને ૪૦-૪૫ રૂપિયા પડતર પેટ્રોલ શુ કામ જનતાને ૯૫-૧૦૦ રૂપિયા ચુકવવા પડે છે ? મને લાગે છે કે ગૃહિણીઓ મોંઘવારીથી ત્રસ્ત છે અને આ ભાજપ સરકાર જાસુસીમાં વ્યસ્ત છે. જે લોકોએ આંખો મીચીને કમળના બટન દબાવ્યા છે તેમને ૧૦૦ રૂપિયા લીટર પેટ્રોલ આપો પણ જે લોકોએ આંખો ખુલ્લી રાખીને કમળના બટન દબાવ્યા છે તેમને તો ૫૦ રૂપિયા લીટર પેટ્રોલ આપો. અમે હાથને સાથ આપ્યો અમને ૯૫-૯૮ રૂપિયા ડીઝલ ચુકવવા પડે તો વાંધો નહી પણ ૨૫-૨૫ વર્ષથી આંખો મીચીને કમળનું બટન એવા મુર્ખાઓને તો ૩૫-૪૦ રૂપિયા ડીઝલ આપો. આ આંદોલન જે ગૃહિણીનુ બજેટ ખોરવાયુ છે તેને વાચા આપવા માટેનું આંદોલન છે. હું તમામને વિનંતી કરું છું કે, આ સરકારની નિષ્ફળતાઓ સામે અવાજ ઉઠાવવા એક થઈએ સાથે મળી મંદી – મોંઘવારી – બેરોજગારી વિરૂધ્ધનું આ આંદોલન એક જનતાનું આંદોલન બને અને સરકાર જવાબદાર બને તેના માટે આપણે સૌ એનુ નેતૃત્વ લઈએ.
દરમ્યાન વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ સંબોધન ભાજપ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતુ કે આજનું આ આંદોલન જનતાનું આંદોલન છે. આખા ગુજરાતની બહેનોએ હરખ પદુડી થઈ ભાજપને મત આપ્યા. ભાજપના રાજમાં મોંઘવારી ચરમસીમા પર પહોંચી છે. બહુત હુઈ મહેંઘાઈ કી માર અબ હટાવો ભાજપ સરકારનો નારો આપવામા આવ્યો હતો. જનતા મોંઘવારીથી ત્રસ્ત અને ભાજપ મસ્ત હોવાના ચાબખા સાથે માનસી કાંડથી અત્યાર સુધી ભાજપ જાસૂસીમાં મસ્ત રહી હોવાનો આરોપ લગાવ્યો હતો. પરેશ ધાનાણી જન ચેતના રેલીમાં ઓટો રીક્ષા ચલાવતા નજરે પડ્યા હતા .
આ જન ચેતના અભિયાન કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકી, શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, શ્રી સિધ્ધાર્થભાઈ પટેલ, પૂર્વ સાંસદશ્રી મધુસુદન મિસ્ત્રી, પ્રદેશ આગેવાનશ્રીઓ સર્વ શ્રી નરેશ રાવલ, શ્રી સાગર રાયકા, પૂર્વ સાંસદશ્રી જગદીશ ઠાકોર, પ્રભાબેન તાવીયાડ, અમ્યુકો વિપક્ષના પૂર્વ નેતા શ્રી સુરેન્દ્રભાઇ બક્ષી, પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડો.મનીષ દોશી, ધારાસભ્યો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
જનચેતના સભા બાદ કોંગ્રેસ પક્ષના તમામ વરિષ્ઠ આગેવાનો રેલી સ્વરૂપે આશ્રમ રોડ થી નેહરૂબ્રીજ થઈને રૂપાલી સર્કલ ઈન્દિરાજી – રાજીવજીની પ્રતિમા સુધી સાયકલ યાત્રા – પદયાત્રા સ્વરૂપે મોંઘવારી વિરોધ સુત્રોચ્ચાર સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા. મહિલા કોંગ્રેસની બહેનોએ મોટી સંખ્યામાં કાર્યક્રમમાં જોડાઈને મોંઘવારી વિરોધી રેલીમાં મોરચો સંભાળીને સતત સૂત્રોચ્ચાર સાથે ભાજપ સરકારની જનવિરોધી નિતિસામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.