વર્ષા ઋતુમાં શું ખાવું.. શું ન ખાવું..એ સંદર્ભે આયુષ નિયામકશ્રીનુ ખૂબ ઉપયોગી અને મહત્વપૂર્ણ માર્ગદર્શન
ચોમાસામાં તંદુરસ્ત રહેવા માટે બહારનો ખોરાક, મેંદા વાળો ખોરાક જેમ કે પિત્ઝા, પાંવભાજી, દાબેલી વગેરે અને વાસી ખોરાક ન ખાવા
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર, તા.20
કોઇપણ ઋતુના સંધિકાળમાં રોગ પ્રતિકારક ક્ષમતા ઘટી જાય છે આ સમયે બિમાર થવાની શક્યતાઓ પણ વધી જાય છે ત્યારે વર્ષા ઋતુમાં શું ખાવું….અને…શું ન ખાવું..એ સંદર્ભે આયુષ નિયામકશ્રી દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ છે જેને અનુસરી રોગ મુકત રહેવા સૌને અનુરોધ પણ કરાયો છે.
આયુષ નિયામક શ્રીની કચેરી દ્વારા જણાવાયાનુસાર આજે દેવપોઢી અગિયારસ થી જ ભારતીય સંસ્કૃતિ મુજબ ચાતુર્માસની શરૂઆત થઈ ગઈ છે, એટલે કે સામાન્ય ભાષામાં ચોમાસાની ઋતુની શરૂઆત થઈ છે. વરસાદની આ ઋતુમાં વાતાવરણ મનમોહક હોય છે પણ આજ સમય હોય છે કે જેમાં નાની મોટી બિમારીના લીધે દવાખાના ઉભરાતા હોય છે, જેનું સાચું કારણ વર્ષા ઋતુંમાં શું શું ખાવુ-કરવું તેની યોગ્ય જાણકારીનો અભાવ હોય છે.
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળની આયુષ કચેરી દ્વારા વર્ષા ઋતુમાં શું ખાવું? શું ન ખાવું એ માટે જાણકારી આપતા જણાવાયુ છે કે, આ ઋતુમાં પાચન શક્તિ નબળી પડે છે. વાદળો અને ભેજને કારણે શરીરમાં અસંતુલન થાય છે, જેના લીધે રોગ પ્રતિકારક શકિતમાં ઘટાડો થાય છે, સામાન્ય રીતે આપણે ખોરાકમાં કાયમ લેતાં હોઇએ તે ખોરાક આ ઋતુમાં પણ લઇએ છીએ, પરંતુ વર્ષાઋતુમાં પાચનશક્તિ નબળી હોવાના લીધે ખોરાકને બરાબર પચાવી ના શકવાને કારણે વિવિધ નાની- મોટી બિમારી અને સમસ્યાઓ ઊભી થાય છે.
એટલે જ મોટાભાગના ધાર્મિક તહેવારો-ઉપવાસ- નિયમો આ ચાર મહીનામાં જ આવે છે, અને ઉપવાસ અને અન્ય નિયમોના લીધે આપણે સંસ્કૃતિના પાલનની સાથે સાથે આપણી તંદુરસ્તીની પણ જાળવણી કરી લઈએ છીએ.
અત્યારે આમ તો ચોમાસાની શરૂઆત હોવાથી આ સમય ઋતુસંધિકાળ ગણાય એટલે કોઇપણ ઋતુ સંધિકાળમાં રોગ પ્રતિકારક ક્ષમતા ઘટી જાય છે. અને આ સમયે બિમાર થવાની શક્યતાઓ વધી જાય છે.
તો શું કરવું ???
ચોમાસામાં તંદુરસ્ત રહેવા માટે બહારનો ખોરાક, મેંદા વાળો ખોરાક જેમ કે પિત્ઝા, પાંવભાજી, દાબેલી વગેરે અને વાસી ખોરાક ન ખાવાં.
* પાણી ઉકાળીને પીવું.
હળદર એ એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણધર્મ ધરાવે છે એટલે આયુષ મંત્રાલય, ભારત સરકારની કોરોનાની ગાઈડલાઈન મુજબ એક ચમચી હળદર રોજ રાત્રે ગરમ દૂધ સાથે લેવી અથવા હળદર વાળું દુધ પીવું
* તુલસીના પાનનો ઉકાળો :
તુલસીનાં 10-12 પાંદડાં અને ચપટી સૂંઠ સાથેનો ઉકાળો પીવો
* લીબું શરબત :
સાકર, સંચળ, મરી નાખીને બનાવેલ તાજા લીબુંનો શરબત રોજ પી શકાય કારણ કે લીબુંથી પાચનશકિતમાં વધારો થશે અને લીંબુના વિટામિન સી હોવાથી તમારી રોગપ્રતિકારક શક્તિને જાળવી રાખવામાં મદદ કરે છે.
આ અંગે વઘુ માહિતી માટે ગુજરાત સરકારની આયુષની website -.https://ayush.gujarat.gov.in/ પર મુલાકાત લઈને રોગમુકત રહેવા અપીલ છે.