તબીબો પર વધતા જતાં હુમલાની ઘટનાઓને જોતાં ડોકટર્સ ડે નિમિતે તાજેતરમાં યોજાયેલા વેબીનારમાં ડોકટરોની સુરક્ષા અને સલામતીને લઇ ઉગ્ર માંગ ઉઠી
ફેડરેશન ઇન્ટરનેશનલ લો, મેડિસીન, એથીક્સ અને ઇનોવેશન દ્વારા આયોજિત વેબીનારમાં સાંપ્રત સમયમાં ડોકટરો, હોસ્પિટલો અને તેના સ્ટાફ પર છાશવારે થતાં હુમલાઓની ઘટનાઓને લઇ ગંભીર ચર્ચા વિચારણા કરવામાં આવી
કેન્દ્ર સરકાર દ્વારા એક રાષ્ટ્ર એક કાયદો ઘડીને હોસ્પિટલો અને તેમાં ફરજ બજાવતાં તબીબો તેમ જ તમામ ફ્રન્ટલાઇન વોરીયર્સને રક્ષણ આપતો કાયદો ઇન્ડિયન પીનલ કોડ હેઠળ તાકીદે ઘડાવવો જોઇએ – ડો.રાજેશ શાહ
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.14
તબીબો પર વધતા જતાં હુમલાની ઘટનાઓને જોતાં ડોકટર્સ ડે નિમિતે તાજેતરમાં યોજાયેલા વેબીનારમાં ડોકટરોની સુરક્ષા અને સલામતીને લઇ ઉગ્ર માંગ ઉઠવા પામી છે. ફેડરેશન ઇન્ટરનેશનલ લો, મેડિસીન, એથીક્સ અને ઇનોવેશન દ્વારા વેબીનારમાં સાંપ્રત સમયમાં ડોકટરો, હોસ્પિટલો અને તેના સ્ટાફ પર છાશવારે થતાં હુમલાઓની ઘટનાઓને લઇ ગંભીર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વર્લ્ડ એસોસીએશન ઓફ લેપ્રોસ્કોપીક સર્જન્સના પ્રમુખ અને આ વેબીનાર મોડરેટર ડો.રાજેશ શાહે પોતાના ખૂબ જ મહત્વપૂર્ણ વ્યકતવ્યમાં જણાવ્યું હતું કે, હેલ્થ કેર ઓર્ગેનાઇઝેશન અને તબીબોના સંરક્ષણ અને સલામતી માટે એક રાષ્ટ્ર-એક કાયદો ઘડવો હવે બહુ અનિવાર્ય બની ગયુ છે. આપણે જયારે વન નેશન વન રેશનની વાત કરતાં હોઇએ ત્યારે એક રાષ્ટ્ર એક કાયદો ઘડીને હોસ્પિટલો અને તેમાં ફરજ બજાવતાં તબીબો તેમ જ તમામ ફ્રન્ટલાઇન વોરીયર્સને રક્ષણ આપતો કાયદો ઇન્ડિયન પીનલ કોડ હેઠળ તાકીદે ઘડાવવો જોઇએ.
ફેડરેશન ઇન્ટરનેશનલ લો, મેડિસીન, એથીક્સ અને ઇનોવેશન દ્વારા હીલ ધ હીલર્સ, સેવ ધ વોરીયર્સ થીમ પર વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્લ્ડ એસોસીએશન ઓફ લેપ્રોસ્કોપીક સર્જન્સના પ્રમુખ અને આ વેબીનાર મોડરેટર ડો.રાજેશ શાહે આ પ્રસંગે વધુમાં ઉમેર્યું હતું કે, એપીડેમીક એકટમાં કરેલી જોગવાઇઓ ફકત એપીડેમીક સમય દરમ્યાન જ હોસ્પિટલ અને સ્ટાફને સંરક્ષણ આપે છે, તેથી કાયમી ધોરણે આ બાબતે ઇન્ડિયન પીનલ કોડમાં જરૂરી ફેરફાર કરી સમગ્ર રાષ્ટ્રમાં એકસમાન ધોરણે, હેલ્થ કેર ઓર્ગેનાઇઝેશન, તબીબો અને સ્ટાફ-વર્કરોને સુરક્ષા અને સલામતી પૂરી પડાવી જોઇએ. દરમ્યાન અમદાવાદ જિલ્લા ગ્રાહ્ક તકરાર નિવારણ ફોરમના ભૂતપૂર્વ સભ્ય જજ ડો.પારૂલ શાહે તમામ પ્રકારના રજિસ્ટર્ડ તબીબો(આયુર્વેદિક, એલોપેથી, યુનાની, હોમીયોપેથી, ડેન્ટલ, કીમોથેરાપી)એ સાથે મળી સંયુકત રીતે કોરોના કાળમાં દેશની સેવા કરી છે તેમ જ સાથે મળીને પોતપોતાના જ્ઞાન મુજબ અંદરોઅંદરના ઝઘડા કર્યા વગર દેશ માટે નિઃસ્વાર્થ ભાવે સેવાકાર્ય કરવાની અનોખી શીખ આપી છે.
આ પ્રસંગે રાજયના ભૂતપૂર્વ મંત્રી ડો.નિર્મલાબહેન વાધવાણીએ જણાવ્યું હતું કે, કોરોના કાળમાં પોતાના જીવની આહુતિ આપીને પણ નાગરિકોને નવજીવન અને સુરક્ષઆ આપતાં તબીબો અને સ્ટાફ માટે દેશના 28 રાજયો અને આઠ કેન્દ્ર શાસિત પ્રદેશો પૈકી 23 રાજયો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોની જે તે રાજય સરકારો દ્વારા તબીબો અને સ્ટાફ પર આ પ્રકારના હુમલાઓને ખાળવા મટે જુદા જુદા કાયદાઓ અને સજાઓની જોગવાઇઓ કરી છે ત્યારે તબીબો અને સ્ટાફની સુરક્ષા માટે એક રાષ્ટ્ર-એક કાયદો એ હવે સમયની માંગ છે. તેમણે ઉમેર્યું કે, અરૂણાચલ પ્રદેશમાં હોસ્પિટલ કે તેના સહયોગી પર હુમલા બદલ દસ વર્ષ સુધીની સજા અને પાંચ લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઇ કરવામાં આવી છે.
દરમ્યાન અમેરિકાના એટલાન્ટા શહેરના ઇમર્જન્સી મેડિસીન વિભાગના ડો. રાકેશ શાહે અમેરિકાના તબીબોને મળતી સુરક્ષા, સલામતી અને હુંફની વિગતે ચર્ચા કરી હતી અને જણાવ્યું હતું કે, અહીં તબીબો સારવાર દરમ્યાન પોતાની જાતને સુરક્ષિત માને છે, જેને રોમાની સધર લેન્ડ, સાઉથ આફ્રિકા દ્વારા પણ પુષ્ટિ આપવામાં આવી હતી.
વેબીનારમાં રાયપુર છત્તીસગઢના અગ્રણી ન્યુરોલોજીસ્ટ ડો.લલિત શાહ, ભીલોડા-અરવલ્લી જિલ્લાના ડો.રાજન ભગોરા, ચેન્નાઇના ડો.સંપથકુમાર તથા ડો.ક્રિશ્નૈયા ચેરુળુ સહિતના નિષ્ણાતો દ્વારા પણ હોસ્પિટલો અને ડોકટોરને કેવી રીતે સંરક્ષણ અને સલામતી પૂરી પાડી શકાય તે બાબતે સઘન ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. અલબત્ત, સમગ્ર વેબીનારમાં નિષ્ણાત તજજ્ઞોએ એકસૂરમાં એકમતમાં આપણા દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા ઇન્ડિયન પીનલ કોડમાં જ ફેરફાર કરીને હેલ્થ કેર ઓર્ગેનાઇઝેશન અને તેમાં ફરજ બજાવતાં સ્ટાફ-વર્કરોના સંરક્ષણ અને સલામતી માટે કાયદો ઘડવામાં આવે તે માટેની રજૂઆત કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે લાયન્સ કલબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રીકટ 3232બી2ના ડિસ્ટ્રીકટ ગવર્નર શ્રી બાલમુકુંદ શાહ અને લાયન્સ કલબ ઓફ કર્ણાવતી ડીઝાયરના પ્રમુખ શ્રીમતી કવિતાબહેન છાજેર અને સેક્રેટરી નીકિતાબહેન પટેલે પણ સમાજમાં ડોકટરો અને સ્ટાફ પર થતાં હુમલાઓ અંગે ચિંતા વ્યકત કરી સરકારશ્રી દ્વારા આ સમગ્ર મામલે તાત્કાલિક કાયદો ઘડાય તે માટેની માંગ ઉઠાવી હતી.