પૌરાણિક કથા મુજબ, ભગવાન જગન્નાથજી પોતાની બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામ સાથે નગરચર્યાએ જતા રહે છે. ભગવાન નગરમાં ફરવા નીકળ્યા ત્યારે રૂકમણીજીને લઈને ન ગયા અને તેથી રૂકમણીજી રીસાઇ જાય છે. ભગવાન જગન્નાથજી રથયાત્રાએથી પરત ફર્યા ત્યારે રૂકમણીજીએ રીસમાં ને રીસમાં આખી રાત દ્વાર જ ના ખોલ્યા, અને તેથી ભગવાનને બહાર જ સૂઈ રહેવું પડ્યું
નગરચર્યા બાદ ભગવાનને ભક્તોની મીઠી નજર લાગતી હોય છે. તેથી ગર્ભગૃહમાં પ્રવેશ કરતાં પહેલા ભગવાનની નજર ઉતારવાની વિધિ કરાઇ
ગૃહરાજ્ય મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા રથમાં જ ભગવાનની આરતી કરાઈ – શ્રધ્ધાળુ ભકતોના જય જગન્નાથજીના જયઘોષને પગલે મંદિરમાં ભકિતનો માહોલ છવાયો
ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામને વિધિવત્ રીતે આજે નિજમંદિરના ગર્ભગૃહમાં વિધિવત્ પ્રવેશ કરાવવામાં આવ્યો અને મૂર્તિઓનું પુનઃ મૂળ જગ્યાએ સ્થાપન કરવામાં આવ્યું, ત્યારબાદ ભગવાનની મહાઆરતી યોજાઇ
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.13
અમદાવાદની ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક અને પરંપરાગત રથયાત્રાની ભગવાનને ગર્ભગૃહમાં વિધિવત્ રીતે પ્રવેશ કરાવવાની છેલ્લી પવિત્ર વિધિ આજે સંપન્ન થઇ હતી. રથયાત્રાના ઇતિહાસમાં ગઇકાલે સૌપ્રથમવાર એવું બન્યું કે, જગતના નાથ 14 કલાકની નગરચર્યાનું 22 કિ.મી.નું અંતર માત્ર પોણા ચાર કલાકમાં પૂર્ણ કરી નિજમંદિરે પરત ફર્યા હતા. કરફ્યુગ્રસ્ત માહોલમાં ભક્તો વગર અમદાવાદમાં ગઈકાલે કોવીડ ગાઇડલાઇન્સ અ પ્રોટોકોલના ચુસ્ત પાલન વચ્ચે ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે અને સુખરૂપ સંપન્ન થઈ હતી. ત્યારે આજે ઐતિહાસિક જગન્નાથજીની 144મી રથયાત્રાની છેલ્લી વિધિ પણ પૂર્ણ કરવામાં આવી હતી. ગઇકાલે આખી રાત મંદિરની બહાર રખાયેલા ભગવાનને નિજ મંદિરના ગર્ભગૃહમાં વિધિવત્ રીતે પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ પહેલાં ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા રથમાં ભગવાનની આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ ભગવાનની નજર ઉતારી તેમને મંદિરમાં પ્રવેશ અપાયો હતો અને મંદિરના ગર્ભગૃહમાં પુનઃ મૂળ જગ્યાએ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામની મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવ્યું હતું, ત્યારે મંદિરમાં ઉમટેલા હજારો ભકતો દ્વારા જય જગન્નાથ…જય જગન્નાથનો જયઘોષ ગુંજી ઉઠયો હતો.
ભગવાનની રથયાત્રા એટલે કે, નગરચર્યા બાદ ભગવાનને રથમાં જ મંદિરની બહાર આખી રાત રાખવામાં આવે છે, તેની પાછળ પણ એક રસપ્રદ પૌરાણિક કથા જોડાયેલી છે. ભગવાન જગન્નાથજી પોતાની બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામ સાથે નગરચર્યાએ જતા રહે છે. ભગવાન નગરમાં ફરવા નીકળ્યા ત્યારે રૂકમણીજીને લઈને ન ગયા અને તેથી રૂકમણીજી રીસાઇ જાય છે. ભગવાન જગન્નાથજી રથયાત્રાએથી પરત ફર્યા ત્યારે રૂકમણીજીએ રીસમાં ને રીસમાં આખી રાત દ્વાર જ ના ખોલ્યા, અને તેથી ભગવાનને બહાર જ સૂઈ રહેવું પડ્યું હતું. આ પૌરાણિક માન્યતા મુજબ, આજે પણ ભગવાન જગન્નાથજી અષાઢી બીજના દિવસે નગરચર્યા કરીને રાત્રે પરત ફરે ત્યારપછી આખી રાત રથમાં જ શયન કરે છે. બીજા દિવસે રૂકમણીજી માની જતાં ભગવાનને ફરી પ્રવેશ મળે છે.
અલબત્ત, નગરચર્યા બાદ ભગવાનને ભક્તોની મીઠી નજર લાગતી હોય છે. તેથી ગર્ભગૃહમાં પ્રવેશ કરતાં પહેલા ભગવાનની નજર ઉતારવાની વિધિ કરાય છે અને વિશેષ આરતી-પૂજન કરવામાં આવે છે. જેને પગલે ભગવાનની નજર ઉતારવાની આ વિધિ પૂર્ણ કરાયા બાદ આજે સવારે ગૃહરાજ્ય મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા રથમાં જ ભગવાનની આરતી કરાઈ હતી. જળયાત્રાથી રથયાત્રાની શરૂઆત થાય છે અને વિધિવત રીતે ત્રીજના દિવસે રથયાત્રા સંપન્ન થઈ કહેવાય છે. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામને વિધિવત્ રીતે આજે નિજમંદિરના ગર્ભગૃહમાં વિધિવત્ પ્રવેશ કરાવવામાં આવ્યો હતો અને મૂર્તિઓનું પુનઃ મૂળ જગ્યાએ સ્થાપન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભગવાનની મહાઆરતી યોજાઇ હતી. જેમાં હજારો ભકતોએ ભાગ લઇ જય જગન્નાથ…જય જગન્નાથના જયઘોષ સાથે ભારે ધન્યતાનો અનુભવ કર્યો હતો.
અમદાવાદમાં ગઈકાલે ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા નીકળી હતી. સવારે 7ને 10 મિનિટે શરૂ થયેલી રથયાત્રા 10ને 50 મિનિટે તો નિજમંદિરમાં પરત પણ આવી ગઇ હતી. ઇતિહાસમાં સૌપ્રથમવાર કરફયુગ્રસ્ત માહોલમાં કોરોનાની ગાઇડલાઇન્સ અને પ્રોટોકોલના ચુસ્ત પાલન વચ્ચે રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થવાનો અનોખો ઐતિહાસિક રેકોર્ડ પણ સર્જાયો હતો. જો કે, રાજય સરકાર, વહીવટી તંત્ર અને પોલીસ તંત્રની સંયુકત કામગીરી અને ખુદ જાહેર જનતાના સંયમિત દેખાવને પગલે આ પડકારજનક કાર્ય શકય બન્યું હતુ અને સૌકોઇએ રથયાત્રા સુખરૂપ પૂર્ણ થવાનો હાશકારો અને શાંતિ અનુભવ્યા હતા.