ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામને સોનાના અદ્ભુત સાજ-શણગારથી સજાવાયા – સોનાવેશના દર્શનનો લ્હાવો લેવા ભકતોએ પડાપડી કરી
રથયાત્રાને લઇ જગન્નાથજી મંદિરમાં ઉત્સવ જેવો માહોલ, ભકતો જાણે જગન્નાથમય બન્યા
સોનાવેશન દર્શન અને ભગવાનની મહાઆરતી બાદ રથયાત્રા શાંતિપૂર્ણ અને નિર્વિધ્ન રીતે સંપન્ન થાય તેવા આશીર્વાદ મેળવવા પરંપરા મુજબ, મંદિરના પટાંગણમાં ગજરાજોની વિધિવત્ પૂજા અર્ચના કરવામાં આવી
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.11
ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામની 144મી રથયાત્રા આવતીકાલે અમદાવાદ શહેરમાં નીકળનાર છે ત્યારે તે પૂર્વેના પરંપરાગત ધાર્મિક પ્રસંગો પૈકી આજે ભગવાનના સોનાવેશના અદ્ભુત દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. ભગવાનના સોનાવેશનના અલૌકિક દર્શન કરવા માટે શ્રધ્ધાળુ ભકતોએ રીતસરની પડાપડી કરી હતી. ભગવાનના મનમોહક સ્વરૂપ અને સોનાવેશના શણગારના દર્શન કરી ભકતોએ ભારે ધન્યતા અનુભવી હતી. સોનાના મુગટ, સોનાના હાર સહિતના દરદાગીના અને અદ્ભુત સાજ-શણગારને લઇ ભગવાનનું રૂપ અતિ મનમોહક અને દિવ્ય જણાતુ હતું.
ભગવાનના સોનાવેશના દર્શનનું ખૂબ જ અનેરૂં મહત્વ હોય છે કારણ કે, વર્ષમાં એક જ દિવસ માટે ભગવાનને સોનાના ખૂબ જ સુંદર આભૂષણોથી શૃંગારિત કરાય છે. ભગવાનના સોનાના સાજ શણગારના દર્શન કરવાથી વ્યકિતના જીવનમાં પણ સુવર્ણકાળ શરૂ થતો હોય છે તેવી પણ ધાર્મિક માન્યતા છે. આજે વહેલી સવારથી જ ભગવાનના સોનાવેશના દર્શન કરવા માટે જગન્નાથજી મંદિર ખાતે શ્રધ્ધાળુ ભકતોએ રીતસરની પડાપડી કરી હતી. મંદિર પ્રાંગણમાં જય જગન્નાથ, જય જગન્નાથ…અને જય રણછોડ,,માખણચોરના ભકિતનારા ગુંજી ઉઠયા હતા., ત્યારે સમગ્ર માહોલ ભકિતમય બની ગયો હતો.
આવતીકાલે તા.12મી જૂલાઇએ સોમવારે અષાઢી બીજનાં દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથજી પોતાની બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામ સાથે નગરચર્યાએ નીકળશે. ત્યારે રથયાત્રા પૂર્વે આજે ભગવાને સોનાવેશ ધારણ કર્યા હતા. સોનાવેશના દર્શનનો અનેરો મહિમા હોઇ પહેલેથી જ ભીડ જમાવીને ઉમટેલા શ્રધ્ધાળુ ભકતોએ દર્શન માટે ભારે પડાપડી કરી હતી. આજે સોનાવેશનાં દર્શનમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા સોશિયલ ડિસ્ટન્સનાં ધજાગરા ઉડ્યા હતા. કોરોનાના નિયમોના ધજાગરા ઉડાવીને લોકો ભગવાનના દર્શનની એક ઝલક જોવા માટે ઉમટી પડ્યા હતા.
રથયાત્રાના આગલા દિવસે વર્ષમાં આ એક જ દિવસ એવો હોય છે કે જયારે ભગવાનને સોનાવેશ પહેરાવવામાં આવે છે. જગન્નાથજી મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ઝા સહિતના સંતોની હાજરીમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામની આજે સોનાવેશની વિધિ કરવામાં આવી હતી. મહંત શ્રી દિલીપદાસજી મહારાજ દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી.
ભગવાનના સોનાવેશના દર્શન ખુલ્લા મૂકાયા બાદ અને મહાઆરતી બાદ મંદિરના પટાંગણમાં ગજરાજોની વિધિવત્ પૂજા અર્ચના કરવામાં આવી હતી. મંદિરના પ્રાંગણમાં 11 હાથી અને 3 નાના હાથી લાવવામાં આવ્યા હતા. સોનાવેશ બાદ મંદિરના પ્રાગણમાં ગજરાજોની પૂજા કરવામાં આવી હતી. મંદિરના મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ઝા તેમજ યજમાનોએ ગજરાજોની પૂજા કરી હતી. મહંત શ્રી દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ઝાએ જણાવ્યું કે, ગજરાજ એ સાક્ષાત ગણપતિ દાદાનું સ્વરૂપ છે અને તેથી તેમની વિધિવત્ પૂજા-અર્ચના કરી આવતીકાલે નીકળનારી રથયાત્રામાં કોઇ વિધ્ન કે અંતરાય ના આવે અને સુખરૂપ તેમ જ નિર્વિધ્ન રીતે રથયાત્રા પસાર થઇ તેનું સમાપન થાય તેવા આશીર્વાદ મેળવવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, રથયાત્રાના સમગ્ર રૂટમાં આવતા સાત પોલીસ સ્ટેશનના જુદા જુદા વિસ્તારોમાં આજે રાત્રિથી જ કરફયુનો અમલ શરૂ થઇ જશે. બીજીબાજુ, જગન્નાથ મંદિરથી નીકળનારી 144મી રથયાત્રા કોવિડ ગાઇડલાઇન્સ સાથે કેવી રીતે યોજવી તેના અંગે આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. જે મુજબ, આવતીકાલે અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા 60 ખલાસી ભાઇઓ સવારે જગન્નાથ મંદિરથી સરસપુરના રણછોડરાયજી મંદિર સુધી લઇ જશે જ્યારે બીજા 60 ખલાસી ભાઇઓ સરસપુરથી રથ નિજમંદિર પરત લાવશે. વળી, સામાન્ય રીતે રથયાત્રામાં ભગવાનની નગરચર્યાને સવારે 7 થી રાત્રે 8 એમ 12 કલાકથી વધુનો સમય થતો હોય છે. પરંતુ ભક્ત-ભજનમંડળી-ગજરાજ કે ટ્રકો અને અખાડા વિના નીકળનારી આ વખતની રથયાત્રા બપોરે 12 :30 સુધીમાં જ સંપન્ન થઇ જાય તેવી સંભાવના છે. જો કે, સુરક્ષા અને સલામતીને લઇ પોલીસ તંત્ર કે સુરક્ષા એજન્સીઓ દ્વારા કોઇ બાંધછોડ કરવામાં આવી નથી અને રૂટના તમામ માર્ગો પર અને શહેરમાં પૂરતો પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવાયો છે. ખાસ કરીને રથયાત્રાના રૂટમાં આવતા સંવેદનશીલ વિસ્તારોમાં લોખંડી સુરક્ષા બંદોબસ્ત તૈનાત કરાયો છે.