કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ તા.12મી જૂલાઇએ આ સેન્ટરનું ઉદ્ઘાટન કરવાની સાથે સાથે યુનિવર્સિટીની વિશિષ્ટ લેબ તથા અન્ય સેન્ટરની મુલાકાત પણ લેશે
આ સેન્ટર ખાતે માદક અને તેને આનુસાંગિક દ્રવ્યોની ઓળખ અને તે અંગેનું સંશોધન કાર્ય કરવામાં આવશે. આ સેન્ટર ફોર એક્સેલન્સ ખાતે માદકદ્રવ્યોની ઓળખ માટે અત્યાધુનિક ટેક્નોલોજી સાથેના યંત્રો રાખવામાં આવેલ છે. જેને પરિણામે ડ્રગ્સની ઓળખ ઉપરાંત વિશ્વના કયા દેશનું ડ્રગ છે જેની ભારતમાં ઘૂસણખોરી થાય છે તે અંગેની જાણકારી પણ ઉપલબ્ધ થઈ શકશે
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.10
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી ( NFSU ) ગાંધીનગર ખાતે સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર રીસર્ચ એન્ડ એનાલિસીસ ઓફ NDPS (નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ)) (Centre of Excellence for Research and Analysis of NDPS ) નું આગામી તા ૧૨મી જુલાઈ-૨૦૨૧ ને સોમવારના રોજ ઉદ્ધાટન કરશે અને તેઓ યુનિવર્સિટીની વિશિષ્ટ લેબ તથા અન્ય સેન્ટરની મુલાકાત પણ લેનાર છે.
આ પ્રસંગે Investigation of Crime against women સંદર્ભમાં વર્ચ્યુઅલ ટ્રેનિંગ અંગેનો કાર્યક્રમ પણ યોજાશે જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, કેન્દ્રીય ગૃહ સચિવ શ્રી અજય કુમાર ભલ્લા અને નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીના કુલપતિ, વરિષ્ઠ ફોરેન્સિક સાયન્ટિસ્ટ ડો.જે.એમ.વ્યાસ પણ ઉપસ્થિત રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સરકારના કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી,ગાંધીનગર ખાતે આંતરરાષ્ટ્રીય સ્તરના સેન્ટર ફોર એક્સેલન્સ ફોર રીસર્ચ એન્ડ એનાલિસીસ ઓફ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સને માન્યતા આપવામાં આવી છે.
નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી(NFSU)ના કુલપતિ ડૉ.જે.એમ.વ્યાસના માર્ગદર્શન હેઠળ નિર્માણ પામેલા આ આંતરરાષ્ટ્રીય કક્ષાના Centre of Excellence for Research and Analysis of NDPS ખાતે માદક અને તેને આનુસાંગિક દ્રવ્યોની ઓળખ અને તે અંગેનું સંશોધન કાર્ય કરવામાં આવશે.આ સેન્ટર ફોર એક્સેલન્સ ખાતે માદકદ્રવ્યોની ઓળખ માટે અત્યાધુનિક ટેક્નોલોજી સાથેના યંત્રો રાખવામાં આવેલ છે.જેને પરિણામે ડ્રગ્સની ઓળખ ઉપરાંત વિશ્વના કયા દેશની ડ્રગ છે જેની ભારતમાં ઘૂસણખોરી થાય છે તે અંગેની જાણકારી પણ ઉપલબ્ધ થઈ શકશે . આ ઉપરાંત, ભારતભરમાંથી પ્રાપ્ત માદકદ્રવ્યો પણ અહીં લવાશે. જેનું પૃથક્કરણ કર્યા બાદ તેના નિશ્ચિત ઉદ્ભભવસ્થાન અંગે જાણી શકાશે અને તેનું પ્રોફાઈલિંગ પણ થશે.
આ સેન્ટર ઓફ એક્સેલન્સ કે જ્યાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કાયદો અને વ્યવસ્થા સાથે સંકળાયેલી એજન્સીઓ માટે ટૂંકાગાળાના તાલીમ કાર્યક્રમો પણ થશે જ્યાં પ્રશિક્ષણ પામેલા અધિકારીઓને આ સેન્ટર સર્ટિફિકેટ પણ પ્રદાન કરાશે .