સ્ટાર્ટઅપ ક્ષેત્રે ગુજરાત સમગ્ર દેશમાં અગ્રીમતા ધરાવે છે. જેમાં જીટીયુનો ફાળો સવિશેષ છે. જીટીયુના વિવિધ સ્ટાર્ટઅપ દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ મળશે – શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિહ ચુડાસમા
આંતરરાષ્ટ્રીય સ્તરે જીટીયુ એઆઈસી દ્વારા કરવામાં આવેલ RT-PCR ટેસ્ટ પ્રવૃત્તિની નોંધ લેવાઈ USAની એઝીલેન્ટ ટેક્નોલોજી દ્વારા RT-PCR મશીન સમાજસેવાના ઉપલક્ષે જીટીયુને ભેટ આપવામાં આવ્યું
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ, તા.3
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સ્ટાર્ટઅપ અને ઈનોવેશનને પ્રોત્સાહન મળી રહે તે માટે હંમેશા કાર્યરત રહે છે. આ પ્રવૃત્તિને વેગ મળે તે હેતુસર આજરોજ જીટીયુ ખાતે નવનિર્મિત અટલ ઈન્ક્યુબેશન સેન્ટરનું (એઆઈસી) ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી અને કાર્યક્રમના મુખ્ય અતિથિ માનનીયશ્રી ભુપેન્દ્રસિહ ચુડાસમાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વધુમાં આંતરરાષ્ટ્રીય સ્તરે જીટીયુ એઆઈસી દ્વારા કરવામાં આવેલ RT-PCR ટેસ્ટ પ્રવૃત્તિની નોંધ લઈને USAની એઝીલેન્ટ ટેક્નોલોજી દ્વારા સમાજસેવાના ઉપલક્ષે જીટીયુને ભેટ આપેલ RT-PCR મશીનનો પણ કોવિડ-19ના નિદાન માટે શુભારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના અતિથિ વિશેષ અને ડિપાર્ટમેન્ટ ઑફ ટેક્નિકલ એજ્યુકેશનના મુખ્ય સચિવ શ્રી એસ. જે . હૈદર , જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠ અને કુલસચિવ ડૉ. કે. એન. ખેર ઉદ્ધાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતાં.
આ પ્રસંગે માનનીય શિક્ષણમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર સ્ટાર્ટઅપ અને ઇનોવેશનને પ્રોત્સાહન આપવા અનેક સકારાત્મક પગલાં ભર્યા છે. જીટીયુ દ્વારા વિકસાવવામાં આવેલી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ સપોર્ટ સિસ્ટમને માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પણ બિરદાવવામાં આવી છે. “સ્ટાર્ટઅપ એટલે કે, સમસ્યાનું સમાધાન ચિંધતો વિચાર અને પ્રયોગ” સ્ટાર્ટઅપ ક્ષેત્રે ગુજરાત સમગ્ર દેશમાં અગ્રીમતા ધરાવે છે. જેમાં જીટીયુનો ફાળો સવિશેષ છે. જીટીયુના વિવિધ સ્ટાર્ટઅપ દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ મળશે.
કાર્યક્રમમાં અતિથિ વિશેષશ્રીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉદ્યોગોની જરૂરિયાતોને અનુરૂપ યુનિવર્સિટીમાંથી વિવિધ સંશોધન થાય તે, ઉદ્યોગસાહસિકો અને ઈનોવેટર્સને અનેક પ્રકારે લાભદાયી નિવડશે. ઉપરાંત નવીનત્તમ ટેક્નોલોજીની મદદથી ઉદ્યોગોના વિકાસ અને ઉત્પાદન ક્ષમત્તામાં વધારો કરવા માટે પણ મદદરૂપ થશે. નીતિ આયોગ દ્વારા બાયોટેકનોલોજી, હેલ્થકેર અને મેડિકલ ડિવાઇસીસ ક્ષેત્રમાં કાર્યરત ઈનોવેટીવ આઈડિયાને સહાયરૂપ થવાના સંદર્ભથી રૂ. 10 કરોડનું આર્થિક યોગદાન મંજૂર કરેલ છે.
જીટીયુ અટલ ઇન્ક્યુબેશન સેન્ટરમાં 25થી વધુ બાયોટેક, બાયોમેડિકલ ડિવાઇસીસ ઉપલબ્ધ છે. તેમજ 100થી વધુ લોકોને રોજગારીની તકો પૂરી પાડવામાં આવી છે. વધુમાં શ્રેષ્ઠ 7 સ્ટાર્ટઅપને આર્થિકરૂપે સહભાગી થવાના હેતુસર રૂપિયા 30લાખ 23 હજારથી વધુના ચેક આપવામાં આવ્યાં હતાં. કુલપતિ અને કુલસચિવશ્રીએ એઆઈસીના સફળ લોકાર્પણ બદલ જીઆઈસી ડિરેક્ટર ડૉ. સંજય ચૌહાણ અને એઆઈસી સીઈઓ ડૉ. વૈભવ ભટ્ટને અભિનંદન પાઠવ્યા હતાં.