સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે અમદાવાદ મહાનગરમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટના ૬૩ કામો માટે રૂ. ૩પપ કરોડ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટના ૯ કામો માટે રૂ. ૮પ કરોડની ફાળવણી કરતા શ્રી વિજયભાઇ રૂપાણી
મુખ્યમંત્રી શહેરી સડક યોજનાના ૪૧ કામો માટે ૯૦કરોડ રૂપિયાની ફાળવણીનો મુખ્યમંત્રીશ્રીનો નિર્ણય
રાજ્યની ૮ મહા નગર પાલિકાઓને ર૦-ર૧ના વર્ષમાં સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આંતરમાળખાકીય વિકાસ કામો માટે કુલ રૂ. ૧પપપ કરોડ મંજૂર થયા છે
ર૦ર૧-રરના વર્ષમાં ૮ મહાનગરોને ભૌતિક આંતરમાળખાકીય વિકાસ-સામાજીક આંતરમાળખાકીય વિકાસ કામો માટે રૂ. ૧૬૯૯ કરોડની ફાળવણી કરવામાં આવી
મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્વયે ૮ મહાનગર પાલિકાઓ માટે ર૦-ર૧ના વર્ષમાં રૂ. ર૦૦ કરોડ મંજૂર થયા
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર, તા.3
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના નગરો, મહાનગરોમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ તેમજ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ સહિતના વિવિધ જનહિત વિકાસ કામો માટે સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત માતબર રકમ ફાળવવાનો અભિગમ અપનાવેલો છે. મુખ્યમંત્રીશ્રીએ આ હેતુસર અમદાવાદ મહાનગરપાલિકાને આવા વિકાસ કામો માટે ૭૦ર કરોડ રૂપિયાની ફાળવણી કરવાનો લોકહિતકારી નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના આ નિર્ણય અનુસાર સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં ભૌતિક આંતરમાળખાકીય વિકાસના ૬૩ કામો માટે રૂ. ૩પ૪.૮૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
આ ૬૩ કામોમાં રસ્તા રીસરફેસ તથા માઇક્રો સરફેસીંગના રર કામો, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ અને સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના ૧૩, પાણી પુરવઠાના ર, ફાયર સાધનો ર તથા સોલા ગામ તળાવ ડેવલપમેન્ટનું ૧ અને વિવિધ ઝોનના ર૧ વિકાસ કામોનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં સામાજીક આંતરમાળખાકીય વિકાસના કામો માટે રૂ. ૮પ કરોડની રકમ ફાળવી છે. આ કામો અંતર્ગત બિલ્ડીંગ, શાળા અને વોર્ડ ઓફિસના ૬ કામો અને પ્રહલાદનગર, સિંધુભવન તથા ચાંદલોડીયા એમ ૩ મલ્ટીલેવલ પાર્કિંગના કામો હાથ ધરાશે.
એટલું જ નહિ, મુખ્યમંત્રીશ્રીએ બે રેલ્વે ઓવરબ્રીજ અને ૧ રેલ્વે અંડરબ્રીજ એમ ૩ કામો માટે રૂ. ૮ કરોડની ફાળવણી કરવાનો પણ નિર્ણય અમદાવાદ મહાનગર માટે કર્યો છે તેમણે અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં હાલ કાર્યરત એવા રોડ-રસ્તા, પાણી, ગટર વિગેરેના પ્રોજેકટસ માટે રૂ. ૧૬૪ કરોડની ફાળવણી કરી છે. મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્વયે રસ્તા-માર્ગોના ૪૧ કામો માટે ૯૦ કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય પણ શ્રી વિજયભાઇ રૂપાણીએ કર્યો છે.
ગુજરાતના મહાનગરો-નગરોને જનસુખાકારીના કામોથી સુવિધાસભર બનાવવા રાજ્યની સ્થાપનાના સુવર્ણજ્યંતિ વર્ષ ર૦૦૯થી સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના શરૂ કરવામાં આવેલી છે
આ યોજનાનો મુખ્ય હેતુ નગરો-મહાનગરોમાં ભૌતિક-સામાજીક આંતરમાળખાકીય સુવિધા વિકાસ કામોથી લોકહિત કાર્યોને વેગ આપી શહેરી જનજીવન સુખાકારીમાં વૃદ્ધિ કરવાનો છે. રાજ્ય સરકારે આ હેતુસર ર૦-ર૧ના વર્ષમાં આઠ મહાનગરોમાં આવા ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કાર્યો માટે ૧પપપ કરોડ રૂપિયા મંજૂર કરેલા છે
અમદાવાદ મહાનગર માટે રૂ. પ૭૬ કરોડ, સુરત માટે રૂ. ૪૭૦ કરોડ, વડોદરા માટે ૧૭૬ કરોડ, રાજકોટ માટે રૂ. ૧૪૦ કરોડ તેમજ ભાવનગર, જામનગર, જુનાગઢ અને ગાંધીનગર માટે અનુક્રમે રૂ. ૬પ કરોડ, ૬ર કરોડ, ૩ર કરોડ અને ૩૩ કરોડ એમ સમગ્રતયા ૧પપપ કરોડ રૂપિયા મંજૂર કરીને મહાનગરોને ચૂકવી દેવામાં આવેલા છે. ર૦ર૧-રરના આ વર્ષમાં સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ૮ મહાનગરોમાં આંતરમાળખાકીય સુવિધાના કામો માટે રાજ્ય સરકારે કુલ ૧૬૯૯ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે
મુખ્યમંત્રી શહેરી સડક યોજના તહેત રાજ્યની નગરપાલિકા-મહાનગરપાલિકા વિસ્તારોમાં રસ્તાના કામો માટે ૩૦૦ કરોડ રૂપિયાની જોગવાઇ થયેલી છે. આ રકમમાંથી ૮ મહાનગરો માટે ર૦૦ કરોડ રૂપિયા વર્ષ ર૦ર૦-ર૧માં મંજૂર થયેલા છે તથા ર૦ર૧-રર માટે પણ રૂ. ર૦૦ કરોડની ફાળવણી રાજ્ય સરકારે કરી છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના નગરો-મહાનગરોને વધુ પ્રાણવાન અને વ્યાપક જનહિત સુવિધાસભર બનાવવાના ઉદેશ્ય સાથે ફાળવેલી આ માતબર રકમથી વિકાસ કામોને નવી ગતિ મળશે.