રાજયના લાખો ગ્રાહકોના હિતમાં ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ(અખિલ ભારતીય)ના પ્રમુખ શ્રી મુકેશ પરીખે રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને એક પત્ર પાઠવી અમૂલના દૂધના ભાવવધારાને આકરા શબ્દોમાં વખોડી કાઢી કરી ગુજરાત હાઇકોર્ટ જજના વડપણ હેઠળ રેઇટીંગ કમીશન(ભાવ નિર્ધારણ પંચ)ની રચના કરવા માંગ કરી
દૂધ ઉત્પાદકોના સહકારી સંઘો સીન્ડીકેટ(કાર્ટેલ) રચીને અવારનવાર ભાવ વધારો ઝીંકે છે ત્યારે રાજય સરકારે દૂધને આવશ્યક ચીજવસ્તુઓની યાદીમાં મૂકી તેના ભાવવધારા પર નિયંત્રણ મૂકવું જોઇએ – ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ(અખિલ ભારતીય)ના પ્રમુખ શ્રી મુકેશ પરીખ
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.30
કોરોનાના કપરા કાળમાં એક બાજુ, સામાન્ય માણસ પેટ્રોલ-ડીઝલ, ખાદ્ય તેલના ભાવવધારાથી ત્રાહિમામ્ પોકારી ગયો છે ત્યારે હવે તેને વધુ એક ફટકો પડ્યો છે. અમૂલ દૂધ દ્વારા હવે તેના દૂધના ભાવમાં નોંધપાત્ર વધારો ઝીંકયો છે. અમૂલે તેના દૂધની કિંમતમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો કર્યો છે. દૂધની વધેલી કિંમતો આવતીકાલથી એટલે કે તા.1 જુલાઇ 2021થી લાગુ થશે. અમૂલની દૂધના ભાવવધારામાં જાહેરાતને પગલે ગુજરાતભરમાં સામાન્ય નાગરિકોમાં ઉગ્ર આક્રોશની લાગણી ફેલાઇ જવા પામી છે. બીજીબાજુ, રાજયના લાખો ગ્રાહકોના હિતમાં ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ(અખિલ ભારતીય)ના પ્રમુખ શ્રી મુકેશ પરીખે રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને એક પત્ર પાઠવી અમૂલના દૂધના ભાવવધારાને આકરા શબ્દોમાં વખોડી કાઢી સાફ શબ્દોમાં ઉગ્ર માંગણી કરતાં જણાવ્યું છે કે, દૂધ ઉત્પાદકોના સહકારી સંઘો સીન્ડીકેટ(કાર્ટેલ) રચીને અવારનવાર ભાવ વધારો ઝીંકે છે. રાજય સરકારે દૂધ ઉત્પાદક સંઘોની નફાખોરી અટકાવવા માટે નિષ્ણાત અર્થશાસ્ત્રીઓ, પશુપાલકોના પ્રતિનિધિ અને ગ્રાહકોના પ્રતિનિધિઓને સમાવેશ કરી ગુજરાત હાઇકોર્ટ જજના વડપણ હેઠળ રેઇટીંગ કમીશન(ભાવ નિર્ધારણ પંચ)ની રચના કરવી જોઇએ. વળી, રાજય સરકારે દૂધને આવશ્યક ચીજવસ્તુઓની યાદીમાં મૂકી તેના ભાવવધારા પર નિયંત્રણ મૂકવું જોઇએ.
ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ(અખિલ ભારતીય)ના પ્રમુખ શ્રી મુકેશ પરીખે રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવી વધુમાં જણાવ્યું છે કે, એકબાજુ, પેટ્રોલ, ડિઝલ અને ખાદ્ય તેલના ભાવોમાં ઝીંકાઇ રહેલા સતત ભાવવધારા, બેફામ મોંઘવારી અને અસહ્ય એકસાઇઝ ડયુટી, વેટની લૂંટથી ગુજરાતની પ્રજા ત્રસ્ત અને ત્રાહિમામ્ પોકારી ગઇ છે ત્યારે અમૂલ દ્વારા દૂધના ભાવમાં કરાયેલા વધારાને અમે સખ્ત શબ્દોમાં વખોડી કાઢી તેની આલોચના કરીએ છીએ. રાજય સરકારે દૂધ ઉત્પાદક સંઘોની નફાખોરી અટકાવવા અને ગરીબ અને મધ્યમ વર્ગના કરોડો અસંગઠિત ગ્રાહકોને અસહનીય ભાવધારામાંથી મુકત કરવા તાત્કાલિક પગલાં લેવા જોઇએ. અમૂલ બ્રાન્ડના દૂધમાં પ્રતિ લિટરે બે રૂપિયાને ભાવવધારો આઘાતજનક અને અસહનીય છે. અમૂલ ગોલ્ડ, તાજા અને શકિતના 500 મીલીના દૂધના પાઉચ પર એક રૂપિયાનો ભાવવધારો ભૂખ્યા બાળકોના મોંમાથી દૂધનું ટીપું છીનવી લેશે ત્યારે સંવેદનશીલ ગુજરાત સરકારે તાત્કાલિક ધોરણે તેની સંવેદના જગાવી આ સમગ્ર મામલે પોતાની દરમ્યાનગીરી કરી યોગ્ય કાર્યવાહી કરવી જોઇએ.
ઉલ્લેખનીય છે કે, અમૂલ દૂધની નવી કિંમતો ગુજરાત, દેશની રાજધાની નવી દિલ્હી, પંજાબ સહિત ઘણા રાજ્યોમાં લાગુ થશે. કંપનીએ પોતાની બધી બ્રાન્ડ્માં 2 રૂપિયા પ્રતિ લીટર ભાવ વધારો કર્યો છે. અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમૂલ તાજા, અમૂલ ટી સ્પેશ્યલ, અમૂલ સ્લિમ એન્ડ સ્ટ્રીમમાં બે રૂપિયા પ્રતિ લિટરના હિસાબે ભાવ વધારો થશે. અમૂલ ગોલ્ડ 58 રૂપિયા પ્રતિ લિટરના હિસાબે મળશે.
આ ભાવ વધારા બાદ અમદાવાદમાં અમૂલ ગોલ્ડના 500 ml પાઉચનો નવો ભાવ 29 રૂપિયા થયો છે અને અમૂલ તાજા 500 ml પાઉચનો ભાવ 23 રૂપિયા થયો છે. અમૂલ દ્વારા અમૂલ શક્તિ 500 ml પાઉચનો ભાવ 26 રૂપિયા થયો છે. દરમ્યાન ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડે (GCMMF)ના પ્રબંધક નિર્દેશક આર એસ સોઢીએ જણાવ્યું હતું કે, લગભગ એક વર્ષ અને સાત મહિના પછી કિંમતોમાં વધારો કરવા જઈ રહ્યા છીએ. જે ઉત્પાદન ખર્ચમાં વૃદ્ધિના કારણે જરૂર થઇ ગયો હતો. અમૂલ દૂધની કિંમતો કાલથી આખા ભારતમાં 2 રૂપિયા પ્રતિ લિટરની વૃદ્ધિ કરાશે. આવતીકાલથી નવો ભાવવધારો લાગુ થશે.