ગાંધીનગર અમદાવાદ જવાના માર્ગ ઉપર દિન પ્રતિદિન ટ્રાફીક વધતો જાય છે. ભવિષ્યની ટ્રાફિકની સમસ્યાને ધ્યાને રાખી રાજ્ય સરકાર દ્વારા માર્ગને પહોળા કરવા અને ફ્લાય ઓવર બાંધવાનું સુચારું આયોજન કરવામાં આવી રહ્યું છે
નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના માર્ગ અને મકાન વિભાગ હસ્તકના પાટનગર યોજના અંતર્ગત ફ્લાયઓવર બાંધવા માટે ૫૦ કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર, તા.29
ગાંધીનગર – કોબા રોડ ઉપર પી.ડી.પી.યુ. જંકશન પાસે રૂપિયા ૫૦ કરોડના ખર્ચે નવા ફ્લાય ઓવરનું નિર્માણ કરવામાં આવશે આ નવા ફલાય ઓવર નિર્માણ માટેની મંજૂરી રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ દ્વારા આપવામાં આવી છે.
ગાંધીનગર અમદાવાદ જવાના માર્ગ ઉપર દિન પ્રતિદિન ટ્રાફીક વધતો જાય છે. ભવિષ્યની ટ્રાફિકની સમસ્યાને ધ્યાને રાખી રાજ્ય સરકાર દ્વારા માર્ગને પહોળા કરવા અને ફ્લાય ઓવર બાંધવાનું સુચારું આયોજન કરવામાં આવી રહ્યું છે.
ગાંધીનગર થી અમદાવાદ જવા માટેના કોબા સર્કલ વાળા માર્ગ થઈ અમદાવાદના વિવિધ વિસ્તાર તેમજ એરપોર્ટ જવા માટેનો મુખ્યમાર્ગ હોવાથી આ માર્ગો ઉપર દિવસે દિવસે વાહનોની અવરજવર વધતી જાય છે. તેમજ ગાંધીનગર – કોબા માર્ગ પર ન્યૂ ગાંધીનગરનો વિકાસ સતત થઇ રહ્યો છે. ભવિષ્યમાં આ માર્ગ પર ટ્રાફિકની સમસ્યા ના સર્જાય તેના સુચારું આયોજન માટે ગાંધીનગર – કોબા રોડ ઉપર પી.ડી.પી.યુ. જંકશન પર નવા ફ્લાયઓવર બાંધવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના માર્ગ અને મકાન વિભાગ હસ્તકના પાટનગર યોજના અંતર્ગત ફ્લાયઓવર બાંધવા માટે ૫૦ કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે.
રાજય સરકારના હકારાત્મક અભિગમ અને નાગરિકોની ટ્રાફિકની સમસ્યાના નિવારણ અને સુચારૂરૂપે વાહન વ્યવહારની અવરજવર થઇ શકે તેવા ઉમદા આશયથી પાટનગર યોજના અંતર્ગત આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના પરિણામે ગાંધીનગર-કોબા રોડ અને આસપાસના માર્ગોના ટ્રાફિકની સમસ્યા અને નિયમનમાં બહુ મોટી રાહત મળશે.