આઠ આરોપીઓની ધરપકડ, ક્રાઇમબ્રાંચે કુલ 48 આરોપીઓ વિરૂધ્ધ નામજોગ ફરિયાદ નોંધી, ક્રાઇમબ્રાંચના સપાટાને પગલે સમગ્ર રાજયમાં ખળભળાટ
કૌભાંડના 48 આરોપીઓમાંથી 20 આરોપીઓ તો બનાસકાંઠા જિલ્લાના, હજુ પણ અનેક નામો ખુલવાની અને મોટા માથાઓ સંડોવાયેલા હોવાની શકયતા
સમગ્ર કૌભાંડમાં સસ્તા અનાજની દુકાનોના કેટલાક સંચાલક આરોપીઓ પણ સંડોવાયેલા નીકળ્યા, ક્રાઇમબ્રાંચે પકડાયેલા આરોપીઓ પાસેથી બોગસ દસ્તાવેજો સહિતનો રૂ.1.75 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.26
સરકારી રેશનિંગ કાર્ડ ધારકોના હક્કનું સસ્તું અનાજ બારોબાર સગેવગે કરવાના રાજય વ્યાપી કૌભાંડનો અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કરતાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે. શહેર ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ પ્રાથમિક તપાસમાં જ આઠ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. રાજયવ્યાપી આ કૌભાંડને લઇ અમદાવાદ ક્રાઇમ બ્રાંચે કુલ 48 આરોપીઓ વિરૂધ્ધ નામ જોગ ફરિયાદ દાખલ કરી તપાસનો ધમધમાટ આગળ ધપાવ્યો છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, કૌભાંડના 48 આરોપીઓમાંથી 20 આરોપીઓ તો બનાસકાંઠા જિલ્લાના હોવાનું સામે આવતાં ભારે બનાસકાંઠા જિલ્લામાં પણ ભારે ચકચાર મચી ગઇ છે, હજુ પણ આ સમગ્ર કૌભાંડમાં અનેક નામો ખુલવાની અને મોટા માથાઓ સંડોવાયેલા હોવાની શકયતા સેવાઇ રહી છે. સમગ્ર કૌભાંડમાં સસ્તા અનાજની દુકાનોના કેટલાક સંચાલક આરોપીઓ પણ સંડોવાયેલા નીકળતાં સસ્તા અનાજની દુકાનો ધરાવતાં સંચાલકોમાં પણ ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે. બીજીબાજુ, અમદાવાદ ક્રાઇમબ્રાંચે ધરપકડ કરાયેલા આઠ આરોપીઓ પાસેથી બોગસ દસ્તાવેજો, કોમ્પ્યુટર, લેપટોપ, સીપીયુ સહિત રૂ.1.75 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
બનાસકાંઠાની સરકારી કચેરીમાં કામ કરતા અને કૌભાંડના મુખ્ય આરોપી રફીક મહેસાણીયા, જાવેદ રંગરેજ, લતીફ માણેસિયા અને મુસ્તફા માણેસિયા સહિત આઠ આરોપીઓની અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે અને તેઓની ઝીણવટભરી અને સઘન પૂછપરછના આધારે હજુ કૌભાંડની ખૂટતી કડીઓ જોડવાની દિશામાં તપાસનો ધમધમાટ આગળ ધપાવ્યો છે. સસ્તુ અનાજ સગેવગે કરવાના કૌભાંડની વિગતો જોઇએ તો, બનાસકાંઠાની સરકારી કચેરીમાં કામ કરતા આ આરોપીઓને સસ્તા અનાજને સગેવગે કરવાનો વિચાર આવ્યો અને તેમણે ગેમસ્કેમ અને સેવડેટા નામના સોફ્ટવેર બનાવી સરકારી અનાજની દુકાનમાંથી અનાજ ના ખરીદતા હોય તેવા ગ્રાહકોને પોતાના ષડયંત્રમાં સામેલ કર્યા હતા અને છેલ્લા બે વર્ષથી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં સસ્તા અનાજને ગેરકાયદે સગેવગે કરી કરોડોમાં કૌભાંડને અંજામ આપ્યો છે.
આરોપીઓએ તેમની આ મોડેસ ઓપરેન્ડીના આધારે રાજયના જુદા જુદા પંથકો અને લોકોને પણ તેમના કૌભાંડ હેઠળ આવરી લીધા. ધીરે ધીરે સસ્તા અનાજના આ કૌભાંડનો વ્યાપ એટલો વધી ગયો કે, જોત જોતામાં સંખ્યાબંધ લોકો આ કૌભાંડનો હિસ્સો બની ગયા. અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા પકડાયેલા આઠ આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે, બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના કૌશિક જોશી અને હિતેશ ચૌધરીએ ગેમસ્કેમ અને સેવડેટા નામની એપ્લિકેશન રૂપિયા 70,000માં બનાવી આપી હતી. તેની સાથે MSC IT માં અભ્યાસ કરતો દિપક ઠાકોર પણ જોડાયો હતો. આ તમામ આરોપીઓ સોફ્ટવેરના માધ્યમમાંથી સસ્તું અનાજ મેળવતા ગ્રાહકોના નામ, આધારકાર્ડ, રેશનિંગ કાર્ડ, સરનામું, ચાર અલગ અલગ ફિંગરનો ડેટા મેળવી લેતા હતા. ગ્રાહકની આ તમામ વિગતો મેળવીને સસ્તા અનાજનો બારોબર સોદો કરી દેવામાં આવતો હતો. અત્યાર સુધીમાં સસ્તા અનાજના સમગ્ર કૌભાંડમાં ક્રાઇમ બ્રાન્ચની તપાસ દરમ્યાન સોફ્ટવેરમાંથી 35962 એન્ટ્રીઓ મળી આવી છે. આરોપીઓ છેલ્લા બે વર્ષથી આ કૌભાંડ આચરતા હોવાથી ક્રાઇમ બ્રાન્ચને આશંકા છે કે, કરોડો રૂપિયાનું સસ્તા અનાજનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. જેથી ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવેલા 48 આરોપીઓ ઉપરાંત પડદા પાછળ અનેક મોટા માથાઓની સંડોવણી બહાર આવે તેવી શકયતા ક્રાઇમ બ્રાન્ચ સેવી રહી છે. આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, રાજકોટ, ભાવનગર અને સુરતના સસ્તા અનાજની દુકાનના તમામ ધારકોના કૌભાંડી ચહેરાઓ બેનકાબ થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર કૌભાંડમાં ખોટા બીલો બનાવી અને બનાવડાવી આપીને સસ્તા અનાજનો જથ્થો સગેવગે કરવામાં આવતો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ પકડાયેલા આઠ આરોપીઓ પાસેથી બોગસ દસ્તાવેજો, કોમ્પ્યુટર, લેપટોપ, સીપીયુ સહિત રૂ.1.75 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો.