આદિજાતિ વિસ્તારમાં ખેતી ટકાઉ અને કમાઉ બને તે માટે સરકાર પ્રતિબદ્ધ – આદિવાસી ખેડૂતો પાકની સાથે વિકાસના બીજ પણ વાવે તેવી સરકારની નેમઃ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી
કૃષિ વૈવિધ્યકરણ યોજના૨૦૨૧નો લાભ ગુજરાતના અંબાજીથી ઉમરગામ સુધીના ૧૪ આદિજાતિ જિલ્લાના ૧.૨૬ લાખથી વધુ વનબંધુ કિસાનોને મળશે
કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત ગુજરાતના આદિવાસી ખેડૂતોને ૩૧ કરોડની ખાતર- બિયારણ સહાય મળશે
છેલ્લા દસ વર્ષમાં આ યોજનામાં ૧૦ લાખ આદિજાતિ ખેડૂતોને રૂપિયા ૨૫૦ કરોડની સહાય આપવામાં આવી
રાજ્ય સરકારે આદિજાતિ જિલ્લાના ડુંગરાળ પ્રદેશોમાં લિફ્ટ ઇરિગેશનની વિવિધ યોજનાઓથી ઊંચાઈ પર સિંચાઈના પાણી પહોંચાડવાના ભગીરથ કાર્યો હાથ ધર્યા
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર, તા.22
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, આદિજાતિ વિસ્તારમાં ખેતી ટકાઉ અને કમાઉ બને તે માટે સરકાર કર્યો કરી રહી છે. આદિવાસી ખેડૂતો પાકની સાથે વિકાસના બીજ પણ વાવે તેવી સરકારની નેમ છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કૃષિ વૈવિધ્યકરણ યોજના૨૦૨૧નો શુભારંભ કરતા જણાવ્યું કે, આ યોજનાનો લાભ ગુજરાતના અંબાજીથી ઉમરગામ સુધીના ૧૪ આદિજાતિ જિલ્લાના ૧,૨૬,૦૦૦થી વધુ વનબંધુ કિસાનોને મળશે. કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત આદિવાસી ખેડૂતોને ૩૧ કરોડની ખાતર- બિયારણ સહાય મળશે જેમાં ખાતરમાં ૪૫ કિલો ગ્રામ યુરીયા, ૫૦ કિલોગ્રામ એન.પી.કે. અને ૫૦ કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટની કીટ આપવામાં આવશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, છેલ્લા દસ વર્ષમાં આ યોજના અન્વયે ૧૦ લાખ આદિજાતિ ખેડૂતોને રૂપિયા ૨૫૦ કરોડની સહાય આપવામાં આવી છે. આ યોજનામાં મકાઈ, કારેલા, દુધી, ટામેટા, રીંગણ, બાજરી, જેવા પાકના બિયારણ પણ આપવામાં આવે છે જેથી આદિવાસી ખેડૂતો વધારે આવક મેળવતા થયા છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે, આદિવાસી ખેડૂત તેના બાવડાના જોરે ખેતી કરી શકે અને પાણી વિહોણો ન રહે તે માટે રાજ્ય સરકારે આદિજાતિ જિલ્લાના ડુંગરાળ પ્રદેશોમાં લિફ્ટ ઇરિગેશનની વિવિધ યોજનાઓ થકી ઊંચાઈ પર સિંચાઈના પાણી પહોંચાડવાના ભગીરથ કાર્યો હાથ ધર્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ માટે રાજ્ય સરકારે તાજેતરમાં કપરડા ધરમપુર માટે રૂપિયા ૭૯૭ કરોડની ઉદ્વહન સિંચાઇ યોજના તથા અરવલ્લી જિલ્લામાં વાત્રક જળાશય આધારિત મેઘરજ માલપુર તાલુકાને હરિયાળા બનાવવા માટે રૂપિયા ૧૧૭ કરોડની ઉદ્વહન સિંચાઇ યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે
તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકારે છેલ્લા ચાર વર્ષમાં આદિજાતિ વિસ્તારોમાં કુલ રૂપિયા ૬૬૦૦ કરોડની વિવિધ સિંચાઈ યોજનાને મંજૂરી આપી છે જેના નિર્માણ કાર્યો ચાલી રહ્યા છે. આના થકી આદિજાતિ વિસ્તારની ૫.૪૫ લાખ એકર જમીનને સિંચાઈ સુવિધા મળશે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્યમાં પ્રકૃતિ અને પર્યાવરણ પ્રિય ખેતી થાય તેવા પ્રયાસો પણ સરકાર કરતી આવી છે. આથી જ ડાંગ જિલ્લાને સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ સંપન્ન જિલ્લો બનાવવા સરકારે યોજના બનાવી છે. વનબંધુઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનો મત વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, સરકારે પૈસા એક્ટનો અમલ કરી આદિવાસીઓને જમીન માલિક બનાવ્યા છે.જેમાં એકલવ્ય મોડેલ સ્કુલ થકી લાખો આદિજાતિના બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરી હતી. વર્તમાન સરકારે ગત બજેટમાં વનબંધુ કલ્યાણ યોજના ભાગ-૨ શરૂ કરી આગામી ચાર વર્ષ માટે ૧ લાખ કરોડ રૂપિયા આદિવાસી ભાઈઓ-બહેનો માટે ખર્ચવાનો નિર્ણય કર્યો છે.
તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા આદિવાસી યુવાનોને ગુણવત્તાયુક્ત રોજગારલક્ષી તાલીમ આપવામાં આવી રહી છે. નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આ માટે જ બિરસા મુંડા યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. આઝાદીની ચળવળમાં ભાગ લેનારા આદિવાસી સ્વાતંત્ર્યવીરો અને આદિવાસી સંસ્કૃતિથી લોકો પરિચિત થાય તે માટે વિશ્વ પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ટ્રાઇબલ મ્યુઝિયમ બનાવવાનું કાર્ય પણ ચાલી રહ્યું છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આ પ્રસંગે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, નવસારી, સુરત, તાપી, વલસાડ અને ડાંગ જિલ્લાના આદિજાતિ ખેડૂતોને સંબોધન કર્યું હતું.
આદિજાતિ વિકાસ મંત્રી શ્રી ગણપતભાઈ વસાવાએ પ્રાસંગિક ઉદ્બોધન કરી વનબંધુ કલ્યાણ યોજના-૨ તથા આદિજાતિ વિસ્તારોમાં ૫ હજાર કરોડની વિવિધ સિંચાઈ યોજનાઓના સફળ આયોજન અને અમલીકરણ બદલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે ગાંધીનગર ખાતે જીએસએફસીના કાર્યવાહક ચેરમેન અને અધિક મુખ્ય સચિવશ્રી મુકેશ પુરી,આદિજાતિ વિકાસ વિભાગના સચિવશ્રી ડૉ. મુરલી ક્રિષ્ણા, ઉપસ્થિત રહ્યા હતા. આદિજાતી વિકાસ રાજ્ય મંત્રી શ્રી રમણભાઇ પાટકર, જિલ્લા કક્ષાએ સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી તેમજ પ્રાયોજના વહીવટદાર સહિત હોદ્દેદારો અને આદિવાસી લાભાર્થી ખેડૂત ભાઈ-બહેનો વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.