યોગથી વ્યક્તિનો શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ થાય છેઃ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત
રાજયના મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ આજે વિશ્વ યોગ દિવસ અવસરે સવારે પોતાના નિવાસ સ્થાને યોગ અને પ્રાણાયામ કરીને સૌને સ્વસ્થ તંદુરસ્ત જીવન માટે યોગ પ્રત્યે પ્રેરિત થવાનો સંદેશ આપ્યો
રાજભવન ખાતે વિશ્વ યોગ દિનની ઉજવણી પ્રસંગે વિવિધ આસનો પ્રસ્તુત કરી યોગને જીવનનો નિત્યક્રમ બનાવવા રાજ્યપાલશ્રીનો અનુરોધ
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.21
ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે 21મી જૂન, વિશ્વ યોગ દિને રાજભવન ખાતે યોગ-પ્રાણાયમ અને આસન પ્રસ્તુત કરી યોગને જીવનનો નિત્યક્રમ બનાવવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યુ હતુ કે, યોગથી વ્યક્તિનો શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ થાય છે.
તો, આજે રાજયના મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ આજે વિશ્વ યોગ દિવસ અવસરે સવારે પોતાના નિવાસ સ્થાને યોગ અને પ્રાણાયામ કરીને સૌને સ્વસ્થ તંદુરસ્ત જીવન માટે યોગ પ્રત્યે પ્રેરિત થવાનો સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ જણાવ્યુ હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના સંનિષ્ઠ પ્રયાસને કારણે 21 મી જૂનના દિવસને વિશ્વ યોગ દિન તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે જેના કારણે માનવ કલ્યાણના ઉદ્દાત ધ્યેય સાથે ભારતના ઋષિ-મુનિઓ દ્વારા નિર્મિત યોગવિદ્યાને વૈશ્વિક મહત્વ મળ્યું છે એટલું જ નહીં સમગ્ર વિશ્વે યોગનો સ્વીકાર કરીને સ્વસ્થ જીવન શૈલી માટે પુરુષાર્થ કર્યો છે.
રાજ્યપાલશ્રીએ આ તકે સ્વસ્થ ભારત, શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે યોગ-આસન અને પ્રાણાયામને મહત્વપૂર્ણ ગણાવ્યા હતા. તેમણે એમ પણ જણાવ્યુ હતું કે કોરોના જેવી મહામારીના સામના માટે રોગ પ્રતિકારક શક્તિ અતિ આવશ્યક છે અને યોગ-પ્રાણાયમથી વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ સબળ બને છે એટલું જ નહીં, ફેફસાં જેવા અંગોની કાર્યક્ષમતા પણ દૃઢ બને છે. તેમણે અષ્ટાંગ યોગ અંગે માર્ગદર્શન આપીને શરીર અને મનનાં સ્વાસ્થ્ય ઉપરાંત આત્માના પરમાત્મા સાથેના જોડાણમાં યોગના મહત્વને સમજાવ્યું હતું. વિશ્વ યોગ દિને પ્રત્યેક નાગરિક નિયમિત યોગ-પ્રાણાયામ અને આસનો દ્વારા શરીર-મનને સ્વસ્થ રાખવા સંકલ્પબદ્ધ બને તેવો અનુરોધ પણ રાજ્યપાલશ્રીએ આ તકે કર્યો હતો.