બોડકદેવ સેટેલાઇટ ખાતેના કામેશ્વર એપાર્ટમેન્ટના સ્થાનિક રહીશોમાં કેટલાક તો, સિનિયર સીટીઝન્સ, બિમાર, અશકત છે, તેઓને એપાર્ટમેન્ટના ચેરમેન /સેક્રેટરીએ ડેવલપર સાથે મળી જઇ તેઓને ઘરવિહોણાં કર્યા હોવાનો કારસો રચ્યો હોવાનો ગંભીર આરોપ
ડેવલપર દ્વારા મકાનો ખાલી કરી દેવા ધાકધમકી અને જાનથી મારી નાંખવાની ધમકી અપાતી હોવાનો પણ સ્થાનિક રહીશો દ્વારા આરોપ – પોલીસ કમિશનરથી માંડી અમ્યુકો અને સરકારના સત્તાવાળાઓ અને ખુદ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ સ્થાનિક રહીશોની ન્યાય માટે ગુહાર લગાવતી ઢગલાબંધ અરજીઓ
ડેવલપર વિજયભાઇ પ્રજાપતિએ નારાજ સભ્યોના આક્ષેપોને ફગાવ્યા – નારાજ સભ્યો માત્ર પ્રોજેકટ વિલંબિત કરવા જ વિરોધ કરી રહ્યા હોવાનો બચાવ
અમદાવાદ,તા.20
શહેરના બોડકદેવ વિસ્તારમાં પ્રેમચંદનગર પાસે, જજીસ બંગલો રોડ નજીક આવેલ કામેશ્વર એપાર્ટમેન્ટ(શ્રી સત્યનારાયણ પ્રભુ કો.ઓ.હા.સો.લિ)ના રહીશોમાં તેમની જૂની સોસાયટી રીડેવલપ કરવાના કરાર બાદ ડેવલપર-બિલ્ડર દ્વારા કથિત કરાર ભંગ, આપેલ બાંહેધરીમાંથી ફરી જવા, બેંક ગેરેંટી નહી આપવા સહિતની કેટલીય બાબતોને લઇ ભારોભાર આક્રોશ પ્રવર્તી રહ્યો છે. ખાસ કરીને ડેવલપર દ્વારા મકાનો ખાલી કરી દેવા ધાકધમકી અને જાનથી મારી નાંખવાની ધમકી અપાતી હોઇ આ કોરોનાકાળમાં કામેશ્વર એપાર્ટમેન્ટના રહીશો ડેવલપર-બિલ્ડરના ત્રાસથી ત્રસ્ત થઇ ઘર છોડવા મજબૂર બન્યા છે. સૌથી ગંભીર અને આઘાતજનક વાત એ છે કે, ત્રસ્ત સ્થાનિક રહીશોમાં કેટલાક તો, સિનિયર સીટીઝન્સ, બિમાર, અશકત છે, તેઓને એપાર્ટમેન્ટના ચેરમેન /સેક્રેટરીએ ડેવલપર સાથે મળી જઇ ઘરવિહોણાં કરાયા હોવાનો ગંભીર આરોપ પણ લાગી રહ્યા છે. ડેવલપર દ્વારા મકાનો ખાલી કરી દેવા ધાકધમકી અને જાનથી મારી નાંખવાની ધમકી અપાતી હોવાનો પણ સ્થાનિક રહીશોએ આરોપ લગાવી શહેર પોલીસ કમિશનરથી માંડી અમ્યુકો અને સરકારના સત્તાવાળાઓથી માંડી ખુદ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ ન્યાય માટે ગુહાર લગાવતી ઢગલાબંધ અરજીઓ પણ કરી છે પરંતુ હજુ સુધી તેઓને ન્યાય નહી મળતાં આખરે હવે તેઓએ આમરણાંત ઉપવાસની ચીમકી ઉચ્ચારી છે, જેને લઇ હવે સમગ્ર મામલો ગરમાયો છે.
કામેશ્વર એપાર્ટમેન્ટના કેટલાક નારાજ સ્થાનિક રહીશોના આક્ષેપ મુજબ, વર્ષ ૨૦૧૮ માં એપાર્ટમેન્ટના સભ્યો સાથે મેસર્સ વાય એન્ડ ટી પ્રોજેક્ટ્સ સાથે તેમની સોસાયટી રીડેવલપ કરવા અંગે કરાર થયો હતો, જે બિલ્ડર-ડેવલપરનું નામ વિજયભાઇ પ્રજાપતિ છે અને તે બી-710, સફલ મોન્ડેલ સ્કવેર પ્રહલાદનગર ગાર્ડન પાસે, અમદાવાદ ખાતે ઓફિસ ધરાવે છે. સોસાયટીના સભ્યો સાથે થયેલ કરારમાં ઉલ્લેખ કરાયેલી શરતોનો સરેઆમ ભંગ થયો હોવાનું સ્પષ્ટ સામે આવે છે. જેમાં રૂ.દસ કરોડની બેંક ગેરેંટી સોસાયટીને આપવામાં આવશે તે મુખ્ય શરત હતી પરંતુ હજુ સુધી તે શરત જ પૂર્ણ થઇ નથી અને તે પહેલાં જ મનસ્વી રીતે સોસાયટીના ફલેટની તોડફોડ શરૂ કરી દેવાઇ છે, જેને લઇ સભ્યોમાં ભારે અવિશ્વાસ પ્રવર્તી રહ્યો છે કે, અત્યારથી જ જો ડેવલપર બેંક ગેરેંટી આપતા નથી તો, કાલ ઉઠીને તેમના મકાન કેવી રીતે આપશે અને તેમના મકાનની ગેરેંટી શું..એ સૌથી ગંભીર સવાલ છે. સોસાયટીના 75 સભ્યોમાંથી 50 ટકા સભ્યો ડેવલપરની તરફેણમાં જતા રહ્યા છે પરંતુ બાકીના સભ્યોને બિલ્ડર-ડેવલપર ડરાવી ધમકાવીને રાખે છે. વળી હાલ સાત સભ્યો જે હાલ સોસાયટીના મકાનમાં રહી રહ્યા છે, તેમાંથી પાંચ તો સિનિયર સીટીઝન્સ અને વયોવૃધ્ધ છે.
નારાજ સ્થાનિક રહીશોએ આક્રોશ ઠાલવતાં ઉમેર્યું કે, ડેવલપર વિજયભાઈ પ્રજાપતિ દ્વારા કરાર કરી લોભામણી લાલચ આપી જૂની સોસાટીને તોડી રી-ડેવલોપમેન્ટ કરવા કરાર કરવામાં આવ્યો હતો પરંતુ ડેવલપર દ્વારા કરારમાં નિર્દિષ્ટ શરતોનું ચુસ્તપણે પાલન નહી કરાતાં અને કેટલીક શરતોનો ભંગ કરાતા દિવાની રાહે કોર્ટ કાર્યવાહી પણ કરાઇ છે, જે હાલ પેન્ડીંગ છે. બીજીબાજુ, એપાર્ટમેન્ટના ચેરમેન-સેક્રેટરી અને ડેવલપરના અન્ય મળતીયાઓએ એકસંપ થઇ ડેવલપરની તરફેણમાં આખો માહોલ સર્જયો છે અને તેઓના મકાનો તોડી તેઓને રાતોરાત ઘરવિહોણાં કરી નાંખવાનો કારસો રચાયો છે. ડેવલપરના ત્રાસથી ત્રસ્ત કેટલાક રહીશોએ આરોપ લગાવ્યો કે, ડેવલપર રીડેવલપમેન્ટના કરાર મુજબ વર્તતા જ નથી, એટલું જ નહી, તેમના મકાન પેટે જે બેંક ગેરેંટી આપવાની હોય તે બેંક ગેરેંટી આપવામાંથી પણ ડેવલપર હાથ ઉંચા કરી રહ્યા છે.
દરમ્યાન સ્થાનિક રહીશ ભાવનાબેને પંચોલીએ પોતાની વેદના ઠાલવતાં જણાવ્યું કે, મારી પાસે મિક્લત તરીકે આ ફ્લેટ સિવાય કોઈ બીજી મિલકત નથી જો આ ફ્લેટ તૂટી જાય અને કોઈ કારણોસર નવા ફ્લેટ ન બનાવી શકો તેવા સંજોગોમાં અન્ય સભ્યો સાથે અમારે રોડ ઉપર રહેવાનો વારો આવે માટે મકાન ખાલી કરતા પહેલા નવું મકાન બનાવી આવવાની તેવી બાંહેધરી આપી કરેલ કરાર મુજબ વર્તવા ડેવલપર વિજયભાઈ પ્રજાપતિને અમે ઘણી વાર વિનંતી કરવા છતાં તેઓએ બળજબરી કરી અમારા ચાલું આશિયાના તોડવાનું ચાલું કરી અમારી પાણી-વીજળી સહિતની આવશ્યક સેવાઓ બંધ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટના સંબંધિત ઓર્ડર કે જેમાં ” કોઈ પણ રહીશ ની આવશ્યક સેવાઓ કોઈ પણ સંજોગોમાં બંધ કરી શકાય નહિ ” તેવા નિર્દેશનું પણ ઉલ્લંઘન કરી પાણી/ વીજળી નું કનેક્શન કાપી નાંખ્યુ તથા ઉપરના માળના મકાનો સરકારશ્રી દ્વારા બનાવેલ સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કરી રહીશો તથા તેમના પરિવારના જીવને જોખમે મૂકી તોડવાના શરૂ કર્યા છે, જેના કારણે પોતાનો જીવ બચાવવા તેમને હાલ પોતાના માલિકીનું ઘર હોવા છતાં બીજે તાત્કાલિક ભાડે મકાન રાખી રહેવાની ફરજ પડી છે .
સ્થાનિક રહીશોમાં કેટલાક તો, સિનિયર સિટીઝન હોઈ તેમની કોઈ હાલમાં આવક ચાલુ ના હોઈ અને તેઓ નાણાકીય પીઠબળ નહી હોવાછતાં તેઓ પણ મકાન ભાડે રાખવા મજબૂર બન્યા છે. આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે પરંતુ પોલીસ તરફથી સ્થાનિક રહીશોને કોઇ સાથ સહકાર અપાતો નથી, તેઓ ડેવલપરની તરફેણમાં નિષ્ક્રિય બની રહ્યા છે. બિલ્ડર-ડેવલપરના ત્રાસથી ત્રસ્ત સ્થાનિક રહીશો હાલ તો કોરોના કાળમાં પોતાની માલિકીના ઘર છોડવા અને ઘરવિહોણાં બનવા મજબૂર બનતાં હવે સમગ્ર મામલો ગરમાયો છે. આ સમગ્ર વિવાદને લઇ શહેર પોલીસ કમિશનરથી માંડી, અમ્યુકો અને સરકારના સત્તાવાળાઓ સુધી સ્થાનિક રહીશોએ ફરિયાદ અને ઢગલાબંધ અરજીઓ કરી હોવાછતાં તેઓને ન્યાય નહી મળતાં હવે તેઓએ આમરણાંત ઉપવાસની ચીમકી ઉચ્ચારી માનવ અધિકાર હનન અને બંધારણીય અધિકારના મુદ્દા ઉઠાવી ડેવલપર વિજયભાઇ પ્રજાપતિ અને તેમના મળતીયાઓ વિરૂધ્ધ તાત્કાલિક ધોરણે કાયદેસર કાર્યવાહી કરવા ઉગ્ર માંગણી ઉચ્ચારી છે.
બીજીબાજુ, ડેવલપર વિજયભાઇ પ્રજાપતિએ નારાજ સભ્યોના આક્ષેપોને ફગાવતાં જણાવ્યું કે, છેલ્લા દોઢ વર્ષથી કહેવાતા નારાજ સભ્યો અમને હેરાન કરવાના ઇરાદાથી અને અમારા પ્રોજેકટને વિલંબિત કરવાના આશયથી આ વિરોધ કરી રહ્યા છે. એમઓયુ પછી રીડેવલપમેન્ટ કરાર કરાયો તે બિલકુલ કાયદેસર છે. નારાજ સભ્યો માત્ર ને માત્ર વધારે પૈસાની માંગણી સાથે જ અમારો પ્રોજેકટ અટકાવી રહ્યા છે. પ્લાન પાસ થયાના એક મહિનામાં શાંત અને પ્રત્યક્ષ કબ્જો સોંપવાની શરત છે પરંતુ તેમછતાં આ સભ્યોના વિરોધના કારણે અમારું કામ અટકેલુ પડી રહ્યું છે. નારાજ સભ્યોને વાંરવાર સમજાવવા છતાં તેઓ કોઇપણ પ્રકારે માનવા તૈયાર નથી, તેમની માંગણી માત્ર ને માત્ર પૈસા જ છે.