આંતરરાષ્ટ્રીય યોગ દિનને લઇ અમદાવાદ સહિત રાજયભરમાં યોગ કાર્યક્રમોનું આયોજન – શશીકુંજ એકેડેમી દ્વારા તા.20મી જૂને દિવ્યાંગ યોગનું આયોજન
તા.21મી જૂને 108 સૂર્ય નમસ્કાર સાથે વિશેષ યોગ શિબિરનું આયોજન – જો કે, કોવીડ ગાઇડલાઇન્સના કારણે મર્યાદિત બાળકોને જ આવકારવામાં આવશે
શશીકુંડ એકેડમીના ડિરેકટર ભૈરવી યોગેશભાઇ લાખાણી અને અને કો-ડેરિકેટર વિરાલી જય લાખાણી કે જેઓ સંબંધમાં સાસુ અને પૂત્રવધુ થાય છે, તેઓ એકસાથે એરિયલ યોગ કરી સામાજિક પ્રેરણા અને ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.19
તા.21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં પણ જુદા જુદા પ્રકારના યોગ શિબિર અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે, આ વખતે શહેરના બોડકદેવ વિસ્તારમાં સિંધુ ભવન રોડ પર કોર્ટયાર્ડ મેરિયોટ હોટલની પાછળ અરીસ્ટા કોર્પોરેટ સ્પેસીઝ ખાતે આવેલી શશીકુંજ એકેડમી દ્વારા આવતીકાલે તા.20મી જૂને દિવ્યાંગ બાળકો માટે ખાસ પ્રકારે દિવ્યાંગ યોગ નામની વિશેષ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 9થી 10 દરમ્યાન યોજાનાર આ દિવ્યાંગ યોગ નામની યોગ શિબિરમાં કોવીડ ગાઇડલાઇન્સના કારણે મર્યાદિત બાળકોને જ આવકારવામાં આવશે. યોગ ગુરૂ અંકિતા પંડયા દ્વારા દિવ્યાંગ બાળકોને યોગનું માર્ગદર્શન અને પ્રશિક્ષણ આપવામાં આવશે. જો કે, દિવ્યાંગ બાળકો માટેની આ પહેલ આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિતે ખરેખર નોંધનીય બની રહેશે. તો, બીજા દિવસે તા.21મી જૂનના રોજ સવારે 6થી 7 વાગ્યા દરમ્યાન ખાસ યોગ શિબિર યોજાશે. જેમાં સૂર્યનમસ્કારમાં વિવિધતા વિષય પર યોગનો અભ્યાસ કરાવવામાં આવશે. કોવીડ ગાઇડલાઇન્સના કારણે આ શિબિરમાં પણ મર્યાદિત પાર્ટીસીપન્ટ્સને આવકારવામાં આવશે. તા.21મી જૂનની યોગ શિબિરમાં એરિયલ યોગ નિષ્ણાત પૂજા શ્યામદાસાની ખાસ માર્ગદર્શન આપશે.
આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી થવા જઇ રહી છે ત્યારે હવે આજના બદલાતા આધુનિક યુગમાં પ્રાચીન અને પરંપરાગત યોગ અભ્યાસ અને યોગ પધ્ધતિની સાથે સાથે હવે એરિયલ યોગની લોકપ્રિયતા પણ વધી રહી છે. શશીકુંજ એકેડમી દ્વારા નવતર અભિગમ અને અનોખી પહેલ સાથે એરિયલ યોગની પણ બહુ સુંદર અને પધ્ધતિસર અને ચોકસાઇપૂર્વકની તાલીમ આપવાનું પણ સેવા કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. શશીકુંડ એકેડમીના ડિરેકટર ભૈરવી યોગેશભાઇ લાખાણી અને અને કો-ડેરિકેટર વિરાલી જય લાખાણી કે જેઓ સંબંધમાં સાસુ અને પૂત્રવધુ થાય છે તેમણે આજના આધુનિક યુગમાં એક રીતે જોવા જઇએ તો, સાસુ-વહુની એક મિત્રતાભરી, પ્રેમાળ અને લાગણી-સંવેદનાની એક નવી પરિભાષા જાણે કે ચરિતાર્થ કરી છે. તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય યોગ દિન પૂર્વે શશીકુંજ એકેડમી દ્વારા એરિયલ યોગનું ખાસ નિદર્શન રાખવામાં આવ્યું હતું. સામાન્ય રીતે જમીન કે ફલોર પર યોગ કરતા હોવ તેના કરતાં કંઇક અલગ પ્રકારના યોગ એટલે એરિયલ યોગ.
આ અંગે શશીકુંજ એકેડમીના ડિરેકટર ભૈરવી યોગેશભાઇ લાખાણીએ ખાસ વાતચીતમાં જણાવ્યું કે, એરિયલ યોગ એ આપણા પરંપરાગત યોગાસનો તથા એરોબીકસ, જીમ્નાસ્ટીક્સ, પીલાતીસ વગેરેનું સંમિશ્રણ છે. જેમાં છત સાથે એક ઓઢણી જેવા કપડા કે ફેબ્રીકને બાંધીને તેનો હેંગરની જેમ ઉપયોગ કરીને તેના પર અમુક પ્રકારના આસનો કરી શકાય છે. તદુપરાંત, ઝુલા પર થતી અંગ-કસરતોને વિવિધ પ્રકારે આકાર આપી શકાય છે. જે કપડાનો એરિયલ યોગમાં ઉપયોગ થાય છે, તેને હેમક કહેવામાં આવે છે.
શશીકુંજ એકેડમીના ડિરેકટર ભૈરવી યોગેશભાઇ લાખાણીએ વધુમાં ઉમેર્યું કે, એરિયલ યોગમાં પરંપરાગત યોગાસનોના ફાયદાઓ તો થાય છે જે પરંતુ તે ઉપરાંત, શરીરના સ્નાયુઓ, હાડકાં, સાંધા વગેરે ખૂબ મજબૂત બને છે. ખાસ કરીને કમરના દુઃખાવામાં મર્યાદિત આસનો એરિયલ યોગના માધ્યમથી કરવાથી મોટી રાહત મળે છે. જો કે, તેમાં નિષ્ણાત એરિયલ યોગ ગુરૂનું માર્ગદર્શન આવશ્યક છે. આ સિવાય પેટના સ્નાયુઓ, કરોડરજ્જુ, ખભા તથા હાથ-પગના સ્નાયુઓ પણ એરિયલ યોગના કારણે મજબૂત બને છે. એરિયલ યોગના અનેક પ્રકારના ફાયદા છે, જેમાં વ્યકિતમાં એક નવા ઉત્સાહ, સાહસ અને ઉર્જાનો પણ સંચાર થાય છે., સાથે સાથે તેનું મનોબળ મજબૂત થાય છે અને મનની એકાગ્રતા પણ વધે છે. ઉપરાંત, પાચનતંત્રને બહુ ફાયદો કરનાર તથા લોહીનું પરિભ્રમણ સુવ્યવસ્થિત કરનાર આ એરિયલ યોગ બાળકો અને યુવાઓમાં અત્યારે ખૂબ જ લોકપ્રિય અને પ્રચલિત બની રહ્યું છે.
પોતાના અનુભવ વિશે વાત કરતાં શશીકુંજ એકેડમીના ડિરેકટર ભૈરવી યોગેશભાઇ લાખાણીએ જણાવ્યું કે, આમ તો હું છેલ્લા ઘણા વર્ષોથી નિયમિત રીતે કસરત અને યોગાસનો કરતી આવી છું. પરંતુ 55 વર્ષની ઉમંરે એરિયલ યોગ કરવાનો અનુભવ અને પ્રેરણા મને મારી પૂત્રવધુની સાથે પ્રાપ્ય બન્યો. અમે બંને સાસુ-વહુ સાથે એરિયલ યોગ કરીને એક હકારાત્મક, ઉર્જાવંત અને ઉત્સાહવર્ધક યોગ અભ્યાસનો અનુભવ કરી રહ્યા છીએ. આટલી ઉમંરે એરિયલ યોગ કરવાનું પહેલા તબક્કે તો અઘરૂ જણાતુ હતુ, પરંતુ વર્ષોથી યોગાભ્યાસ અને કસરતના કારણે એરિયલ યોગનો નવો તબક્કો પણ મારા માટે સરળ બની રહ્યો અને તેમાં પણ મારી પૂત્રવધુ વીરાલીની હુંફ અને પ્રેમ બહુમૂલ્ય બની રહ્યા કે જેના કારણે મારો ઉત્સાહ જળવાઇ રહ્યો અને હું એરિયલ યોગ કરતી થઇ..
તેમણે ઉમેર્યું કે, આજે અમે બંને સાસુ-વહુ એકસાથે એરિયલ યોગ કરીને અન્ય બાળકો અને યુવાઓને પણ પ્રોત્સાહિત કરી રહ્યા છે. શશીકુંજ એકેડેમી હંમેશા યોગ હોય કે, આર્ટ, મ્યુઝિક કે કલ્ચરલ એકટીવીટી દરેક પ્રવૃત્તિમાં બાળકો, યુવાઓ અને તાલીમાર્થીઓને કંઇક અલગ અને નવીન પ્રકારનું શીખવવામાં જ માને છે અને સામાજિક સેવાના ઉદેશ્ય સાથે આ સંસ્થા સતત કાર્યરત છે. આમ, શશીકુંજ એકેડમીના ડિરેકટર ભૈરવી લાખાણી અને કો-ડિરેકટર વીરાલી લાખાણી સાસુ-વહુના સંબંધો કેવા સુમેળભર્યા અને પ્રેમ, લાગણી અને હુંફના હોય છે, તેની એક સામાજિક પ્રેરણા પણ પૂરી પાડી રહ્યા છે., જેના આજના જમાનામાં ખૂબ જ નોંધનીય અને પ્રશંસનીય કહી શકાય.