જળયાત્રામાં શક્ય હોય તો ગજરાજને પણ હાજર રાખવામાં નહિ આવે. જો જરૂર હશે તો માત્ર એક જ ગજરાજ રાખવામાં આવશે
કોવીડ ગાઇડલાઇન્સ અને પ્રોટોકોલ મુજબ જ જળયાત્રા યોજાશે – જળયાત્રામાં 50 થી ઓછા લોકોની હાજરી રાખવાનું આયોજન
આગામી તા.24 જૂનના દિવસે યોજાનાર જળયાત્રામાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા ખાસ હાજરી આપશે
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.18
અમદાવાદ શહેરમાં વર્ષોથી નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાને લઇ હજુ સુધી ચિત્ર સ્પષ્ટ નથી પરંતુ ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક અને પરંપરાગત એવી આ વખતની 144 મી રથયાત્રા પહેલા સારા અને શુભ સંકેત એ સામે આવ્યા છે કે, રથયાત્રા પૂર્વે પરંગપરાગત વિધિના ભાગરૂપે યોજાતી પવિત્ર જળયાત્રાને રાજય સરકાર તરફથી મંજૂરી મળી છે. જો કે, 108 કળશને બદલે માત્ર 5 કળશ સાથે જળયાત્રા યોજવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલું જ નહી, કોવીડ ગાઇડલાઇન્સ અને પ્રોટોકોલ મુજબ જ જળયાત્રા યોજાશે. જેને લઇ સામાન્ય રીતે જળયાત્રામાં હજારો શ્રધ્ધાળુઓ અને ભાવિક ભકતો જોડાતા હોય છે પરંતુ આ વખતની જળયાત્રામાં કોવીડ ગાઇડલાઇન્સને લઇ ગણતરીના લોકો જ સામેલ કરવામાં આવશે. આ વખતની જળયાત્રામાં કોઈપણ ભજન મંડળી સામેલ નહિ થઈ શકે. આગામી તા.24 જૂનના દિવસે યોજાનાર જળયાત્રામાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા ખાસ હાજરી આપશે.
ભગવાન જગન્નાથજીની આ વર્ષની 144 મી રથયાત્રા પૂર્વેની જળયાત્રાના આયોજનને લઈને આજે મંદિરના મહંત દિલીપદાસજી, ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ઝા સહિતના આગેવાનોની ખાસ બેઠક યોજાઇ હતી, જેમાં કોવીડ ગાઇડલાઇન્સ અને પ્રોટોકોલ મુજબ જ આ વર્ષે જળયાત્રા યોજવાનો નિર્ણય લેવાયો છે. સાથે જ બેઠકમાં એવું પણ હાલના તબક્કે નક્કી કરાયુ કે, જળયાત્રામાં શક્ય હોય તો ગજરાજને પણ હાજર રાખવામાં નહિ આવે. જો જરૂર હશે તો માત્ર એક જ ગજરાજ રાખવામાં આવશે. જળયાત્રામાં 50 થી ઓછા લોકોની હાજરી રાખવાનું આયોજન છે. જેઓ મંદિરના જ સભ્યો હશે. સામાન્ય નાગરિકો કે અન્ય શ્રધ્ધાળુઓ જળયાત્રામાં નહિ જોડાઈ શકે.
સામાન્ય રીતે ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક અને પરંપરાગત રથયાત્રા પૂર્વે દર વર્ષે 108 કળશની સાથે વાજતે-ગાજતે જળયાત્રા નીકળતી હોય છે. પરંતુ આ વર્ષે માત્ર પાંચ કળશ સાથે જળયાત્રા નીકળશે. જેમાં મંદિરના સેવકો તેમજ ગાદીપતિ અને ટ્રસ્ટીઓ જ જોડાશે. નદીના આરે વિધિવત રીતે ગંગા પૂજન થશે. જેમાં નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે ગંગા પૂજન કરવામાં આવશે. જો કે, કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે આ યાત્રામાં ભજન મંડળી અને અખાડાને જોડવામાં નહિ આવે. એટલું જ નહી, માત્ર 50 થી પણ ઓછા લોકો આ જળયાત્રામાં ભાગ લઇ શકે તેવું નક્કી કરવામાં આવ્યું છે. દર વર્ષે જળયાત્રામાં 18 ગજરાજ હોય છે, પણ આ વર્ષે માત્ર એક ગજરાજ રાખવામાં આવશે. કારણ કે ગજરાજ એ ગણપતિજીનું સ્વરૂપ છે અને કોઈપણ કાર્ય માટે આપણે ગજાનંદ ગણપતિજીને યાદ કરતા હોય છે. એટલા માટે એક ગજરાજ સાથે આ જળયાત્રા નીકળશે. મંદિર પરિસરમાં પણ જળયાત્રાને લઇ ભારે ભકિત અને ઉત્સાહનો માહોલ છવાતો હોય છે.
બીજબાજુ, ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે જળયાત્રાને લઈને પોલીસ તંત્ર પણ એલર્ટ મોડ પર છે. જળયાત્રામાં પોલીસ બંદોબસ્ત માટે પોલીસ તંત્ર દ્વારા ખાસ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. જગન્નાથ મંદિર ખાતે ટ્રસ્ટી અને પોલીસ વચ્ચે બેઠક યોજાશે. જેમાં જળયાત્રાની વ્યવસ્થાને લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ નિરીક્ષણ કરશે. કોવિડની ગાઈડલાઇન અને જળયાત્રાની વ્યવસ્થાને લઈને પોલીસ દ્વારા વિશેષ બેઠક યોજવાનું આયોજન થઇ રહ્યું છે. સાથે સાથે મંદિર પરિસરની બહાર અને આસપાસ ફરતે પણ ચુસ્ત અને લોખંડી બંદોબસ્ત તૈનાત કરવાનું આયોજન પણ ચાલી રહ્યું છે.