કોરોના-કોવિડ-19ની સંભવિત ત્રીજી લહેરના મક્કમતાથી મૂકાબલા દ્વારા ‘હારશે કોરોના –જીતશે ગુજરાત’ ધ્યેય મંત્ર સાથે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતીમાં પ્રચાર માધ્યમો સમક્ષ મુખ્યમંત્રીશ્રીએ જાહેર કર્યો કોરોના સંભવિત થર્ડ વેવ સામેનો રાજ્ય સરકારનો એકશન પ્લાન
સંભવિત ત્રીજી વેવને આવતી અટકાવવી-તીવ્રતા ઇન્ટેસીટી ઘટાડવી અને સંભવિત આ ત્રીજી વેવમાં કેસો વધે તો સારવાર પ્રબંધનમાં પહોચી વળવા આરોગ્ય તંત્રનું ક્ષમતા વર્ધન કરવું નો બેવડો વ્યૂહ રણનીતિમાં અપનાવતા શ્રી વિજયભાઇ રૂપાણી
સંભવિત ત્રીજી લહેર સામે મે મહિનાની શરૂઆતથી જ કાર્યયોજના એકશન પ્લાન ઘડવાનું આયોજન કરનારૂં ગુજરાત પ્રથમ રાજ્ય
ટાસ્ક ફોર્સ તજજ્ઞો-જિલ્લા કલેકટરો-વિકાસ અધિકારીઓ-મ્યુનિસિપલ કમિશનરો સાથે વિડીયો કોન્ફરન્સ-સરકારી હોસ્પિટલોના તબીબો સાથે ગહન પરામર્શ કરી કોર કમિટીમાં વિશદ ચર્ચા-વિચારણાની ફલશ્રુતિ રૂપે વિસ્તૃત કાર્યયોજના-રણનીતિને અપાયો આખરી ઓપ
GMDC અને મહાત્મા મંદિરમાં ઊભી કરાયેલી હોસ્પિટલોની જેમ જરૂર જણાયે ટેમ્પરરી ફિલ્ડ હોસ્પિટલોની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે, આગામી ત્રણ મહિનામાં રાજ્યની પ૧ સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલોમાં પણ RTPCR ટેસ્ટીંગ સુવિધા ઊભી થશે, ટેસ્ટિંગ કેપેસિટી દૈનિક ૧.૨૫ લાખ કરાશે
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર, તા.14
ગુજરાત કોવિડ-19 કોરોનાની સંભવિત ત્રીજી લહેરના મક્કમતાથી મૂકાબલા માટે સંપૂર્ણ સજ્જ છે. રાજ્ય સરકાર આ હેતુસર એક વિસ્તૃત અને નક્કર કાર્યયોજના એકશન પ્લાન ઘડી ‘‘હારશે કોરોના-જીતશે ગુજરાત’’ના મંત્ર સાથે કોરોનાની આવનારી સંભવિત ત્રીજી લહેર સામે પણ ફતેહ હાંસલ કરશે. એવો નિર્ધાર મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વ્યકત કર્યો છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામેના રાજ્ય સરકારના એકશન પ્લાન-રણનીતિની જાહેરાત કરતાં આ નિર્ધાર વ્યકત કર્યો હતો. નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, મુખ્ય સચિવ શ્રી અનિલ મૂકીમ તેમજ મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાસનાથન અને આરોગ્યના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલની ઉપસ્થિતીમાં મુખ્યમંત્રીશ્રીએ આ એકશન પ્લાન-રણનીતિ પ્રચાર માધ્યમો સમક્ષ જાહેર કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, કોરોનાની પ્રથમ લહેર અને બીજી લહેરને રાજ્ય સરકારે સઘન આરોગ્યલક્ષી પગલાંઓ, થ્રી ટી-ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રિટમેન્ટની સ્ટેટ્રેજી, ફ્રન્ટલાઇન વર્કર્સ, આરોગ્ય કર્મીઓ અને જનતા જનાર્દનના સહયોગથી મહદઅંશે નિયંત્રણમાં રાખવામાં સફળતા મેળવેલી છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતમાં આપણે સંપૂર્ણ લોકડાઉનની પદ્ધતિ અન્ય રાજ્યોની જેમ અપનાવવી પડી નથી. લોકોના સહયોગ અને SMS સહિતની કોરોના ગાઇડલાઇન્સના રાજ્યમાં પાલન સાથે માત્ર ૩૬ શહેરોમાં મર્યાદિત નિયંત્રણો લાગુ કરીને આપણે કોરોના કેસોની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો કરી શકયા છીયે. તે જ આપણી સફળતા છે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, કોવિડ-19 ની પહેલી લહેરમાં ગત વર્ષ સપ્ટેમ્બર-ર૦ર૦ની રપ મી તારીખ આસપાસ રોજના ૧૬૦૦ જેટલા કેસો રાજ્યમાં નોંધાતા હતા અને તે વધીને રપ મી નવેમ્બરે ૧૮૦૦-૧૯૦૦ થયા હતા તે રાજ્યમાં સૌથી વધુ કેસ એક દિવસમાં નોંધાયા હોય તેવો બીજો તબક્કો હતો.
આ કેસોની સંખ્યા આપણા સઘન ઉપાયો, કોરોના સંક્રમણ નિયંત્રણના વ્યાપક પગલાંઓ અને ગાઇડ ગાઇન્સના ચુસ્ત અનુપાલનને પરિણામે ફેબ્રુઆરી-ર૧માં ઘટીને રોજના ર૦૦-ર૭પ કેસોની થઇ ગઇ હતી. રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં તા.૩૦મી એપ્રિલે સૌથી વધુ ૧૪,૬૦પ જેટલા કેસો નોંધાયા હતા અને સમગ્ર રાજ્યમાં કોવિડના એકટીવ દરદીઓની સંખ્યા ૧.૪૮ લાખ જેટલી હતી. શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, રાજ્ય સરકારે કોવિડ હોસ્પિટલો, ઓક્સિજન બેડ, ઓક્સિજન સપ્લાય અને સંક્રમણ નિયંત્રણના જે વ્યાપક ઉપાયો યુદ્ધના ધોરણે હાથ ધર્યા તેના પરિણામે છેલ્લા ચાર-પાંચ દિવસથી કેસોની સંખ્યા ઘટીને પ૦૦ કરતાં પણ ઓછી થઇ ગઇ છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, કેસોની સંખ્યા ઘટી છે પરંતુ કોરોના વાયરસ હજી ગયો નથી. કોરોના સામેની સમજ અને શિસ્તમાં જરા પણ ઢિલાશ પાલવે તેમ નથી. આપણે દવાઇ ભી, કડાઇ ભી અને જાન ભી હૈ, જહાન ભી હૈ ના પ્રધાનમંત્રીશ્રીના સંકલ્પ સાથે રોજિંદી પ્રવૃત્તિઓ સંપૂર્ણ સતર્કતા-સાવચેતીથી ચાલુ રાખવાની છે. એટલું જ નહિ, વિશ્વના અને આપણા દેશના તજજ્ઞો કોવિડ મહામારીની ત્રીજી વેવ-લહેર આવવાની સંભાવના વ્યકત કરી રહ્યા છે ત્યારે ગુજરાત આ ત્રીજી લહેરનો ઓછામાં ઓછો ભોગ બને અને તેની અસરોને વ્યૂહાત્મક રીતે ખાળી શકાય તેવા હેતુથી રાજ્ય સરકારે એક વિસ્તૃત અને સર્વગ્રાહી રણનીતિ-કાર્યયોજના, એકશન પ્લાન ઘડયા છે.
આવો આગોતરો એકશન પ્લાન ઘડનારૂં ગુજરાત દેશનું એક માત્ર રાજ્ય છે એમ પણ તેમણે ગૌરવ સહ જણાવ્યું હતું. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યુ કે, આ સંભવિત ત્રીજી લહેરની શકયતાઓને પગલે રાજ્ય સરકારે સંપૂર્ણ સજ્જતા કેળવવા મે મહિનાના બીજા સપ્તાહથી જ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. રાજ્યની કોવિડ ટાસ્કફોર્સના તજજ્ઞ તબીબો સાથે બેઠકો યોજીને તેમના મંતવ્યો, અભિપ્રાયો એકશન પ્લાન ઘડવા મેળવવામાં આવ્યા હતા.
રાજયના તમામ જિલ્લા કલેકટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ અને ૮ મહાનગરોના મ્યુનિસિપલ કમિશનરો સાથે વિડીયો કોન્ફરન્સ સંવાદ યોજીને તેમના સ્તરે થયેલા આયોજનની જાણકારી મેળવી તેમને રાજ્ય કક્ષાએથી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથોસાથ રાજ્યની સરકારી હોસ્પિટલોના અગ્રણી તબીબો સાથે પણ સંવાદ કરીને એકશન પ્લાનમાં તેમના મંતવ્યો મેળવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્યમાં કોરોના-કોવિડની સ્થિતીની સમીક્ષા માટે નિયમીતપણે મળતી કોર કમિટીની બેઠકોમાં પણ વખતોવખત આ સંભવિત ત્રીજી લહેરના સંક્રમણ સાથેની પૂર્વ તૈયારીઓ અંગે વિશદ ચર્ચા-મંથન કરવામાં આવેલું છે. આ બધા જ મંતવ્યો અભિપ્રાયો અને કોર કમિટીના વિવિધ નિર્ણયોની ફલશ્રુતિને આખરી ઓપ આપતાં આજે આપણે એકશન પ્લાન-રણનીતિ જાહેર કરી રહ્યા છીએ એમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારની આ રણનીતિ-કાર્યયોજનાની વિશેષતાઓ અંગેની વિસ્તૃત વિગતો આપતાં કહ્યું કે, આપણે બે બાબતો પર વિશેષ ફોકસ કરીને આ રણનીતિ બનાવી છે. તદઅનુસાર, ત્રીજા વેવને આવતો જ અટકાવવો તેમજ તીવ્રતા-ઇન્ટેસીટી ઘટાડવી સાથોસાથ જો સંભવિત ત્રીજા વેવમાં કેસોની સંખ્યા વધી જાય તો તેને પહોચી વળવા આરોગ્ય તંત્રનું ક્ષમતા વર્ધન કરવું એવી બેવડી રણનીતિ સાથે રાજ્ય સરકાર આગળ વધવા પ્રતિબદ્ધ છે એમ શ્રી વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ કોરોનાની સંભવિત ત્રીજી લહેરના મૂકાબલા માટે રાજ્ય સરકારના આયોજનની તબક્કાવાર જે વિગતો આપી હતી. મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ અને નાયબ મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં ઘડાયેલી રણનિતીમાં રાજ્યમાં અર્લી ફોરકાસ્ટિંગ મેથડ વિકસાવવી, સર્વેલન્સ અને ટેસ્ટિંગમાં વધારો કરવો, ઓક્સિજન પુરવઠો સુદ્રઢ કરવો, જરુરી દવા-ઇન્જેક્શનનો જથ્થો સુનિશ્ચિત કરવો, બાળકો અને વયસ્કો માટે નવા વેન્ટિલેટર્સ ખરીદવા, તબીબ-નર્સ અને પેરામેડીકલ સ્ટાફની ભરતી, રેડી ટુ ગો હોસ્પિટલ્સ તૈયાર કરવી, જિલ્લા સ્તરે કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટર ઉભા કરવા, બેડ-પથારીઓની સંખ્યા દર્શાવતી કેંદ્રીકૃત પ્રણાલી વિકસાવવી, સંજીવની અને ધન્વંતરી રથનો વ્યાપક ઉપયોગ અને હોમ આઇસોલેશનમં રહેલા દર્દી માટે ટેલી મેડિસિન વ્યવસ્થા જેવી બાબતો સમાવવામાં આવી છે.