મસ્કતી કાપડ માર્કેટ મહાજન અને ન્યુ કલોથ માર્કેટના પ્રમુખ એવા શ્રી ગૌરાંગ ભગત દ્વારા કાપડ માર્કેટના વેપારીઓને પ્રોપર્ટી ટેકસમાં, વ્યવસાય વેરામાં, ભાડુઆતને ટબલ ટેકસમાંથી મુક્તિ આપવા, નિયમિત ઇન્કમટેક્સ ભરતાં વેપારીઓને એક યા બીજા સ્વરૂપે રાહત-લાભો આપવા સહિતની રાજય સરકાર સમક્ષ માંગણી
કોરોના મહામારીના કારણે અમદાવાદના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગ અને કાપડના વેપારીઓને આશરે હજારો કરોડનો મરણતોલ ફટકો પડયો, વેપારીઓની હાલત કફોડી અને દયનીય ત્યારે સરકાર માનવીય અભિગમ અપનાવેઃ- શ્રી ગૌરાંગ ભગત
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.9
કોરોના મહામારીના કપરા કાળમાં છેલ્લા દોઢ-બે વર્ષથી અમદાવાદ શહેર સહિત રાજયભરના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને બહુ મોટો ફટકો પડયો છે. ખાસ કરીને અમદાવાદના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગ અને કાપડના વેપારીઓને આશરે હજારો કરોડનો મરણતોલ ફટકો પડયો હોવાનું મનાઇ રહ્યું છે. કોરોના કાળમાં મીની લોકડાઉન અને કોરોના કરફયુ સહિતની કટોકટીભરી પરિસ્થિતિ વચ્ચે અમદાવાદમાં રીટેલ માર્કેટ બંધ રહેવાની સાથે સાથે કાપડ, રેડીમેડ, ગારમેન્ટ, હોઝીયરી વગેરે મટીરીયલ્સનો ઘરઆંગણે-ડોમેસ્ટીક ઉપાડ ઠપ્પ થઇ જતાં તેમ જ ગુજરાત બહાર અન્ય રાજયોમાં તેમ જ વિદેશમાં પણ કાપડના નિકાસ ઓર્ડર રદ થતાં ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને બહુ ગંભીર અને માઠી અસર પહોંચી છે ત્યારે કાપડ માર્કેટના વેપારીઓ, વિવિધ એસોસીએશનો અને આગેવાનો દ્વારા રાજય સરકારને મ્યુનિસિપલ ટેક્સ, પ્રોપર્ટી ટેક્સ, ઇન્કમટેક્સ સહિતના વિવિધ વેરામાં વેપારીઓને મોટી રાહત કરી આપવા અને કાપડ ઉદ્યોગને ફરી એકવાર બેઠુ અને ધમધમતુ કરવા હકારાત્મક અભિગમ અપનાવી તાકીદે યોગ્ય આર્થિક રાહત પૂરી પાડવા ઉગ્ર માંગણી કરવામાં આવી છે.
મસ્કતી કાપડ માર્કેટ મહાજન અને ન્યુ કલોથ માર્કેટના પ્રમુખ શ્રી ગૌરાંગ ભગતે આ અંગે જણાવ્યું કે, અમદાવાદ શહેરમાં પાંચકુવા, ન્યુ કલોથ માર્કેટ, મસ્કતી મહાજન, કાલુપુર, રતનપોળ, કાંકરિયા, નારોલ, વટવા, પીપળજ, દાણીલીમડા સહિતના સ્થળોએ ટેક્ષ્ટાઇલ પ્રોડકશન, વીવીંગ, સ્પીનીંગ, પ્રોસેસીંગ, એમ્બ્રોડરી, પેકેજીંગ સહિતના આશરે 2500થી 3000 જેટલા યુનિટ આવેલા છે. રેડીમેડ ગારમેન્ટ અને ટેક્ષ્ટાઇલ માર્કેટમાં આશરે દસ લાખથી વધુ લોકોને રોજગારી પૂરી પાડવામાં આવે છે અને સરકારના ટેક્સ કલેકશનમાં કાપડ ઉદ્યોગનું બહુ મોટુ અને નોંધપાત્ર યોગદાન વર્ષોથી રહ્યું છે પરંતુ કોરોનાના કપરા કાળમાં લાખો-કરોડોના ટર્નઓવરથી ધમધમતા આ કાપડ ઉદ્યોગને મંદીનું ગ્રહણ નડી ગયુ અને વેપારીઓ મોટાપાયે આર્થિક રીતે પાયમાલ બની ગયા છે. આવા કપરા સમયમાં કાપડ માર્કેટના વેપારીઓના વિશાળ હિતને ધ્યાનમાં રાખી અમદાવાદ શહેરના મસ્કતી કાપડ માર્કેટ મહાજન અને ન્યુ કલોથ માર્કેટના પ્રમુખ એવા શ્રી ગૌરાંગ ભગતે રાજય સરકાર સમક્ષ બહુ માર્મિક અને અસરકારક માંગણીઓ રજૂ કરી છે.
મસ્કતી કાપડ માર્કેટ મહાજન અને ન્યુ કલોથ માર્કેટના પ્રમુખ શ્રી ગૌરાંગ ભગતે ભારપૂર્વક જણાવ્યું કે, ગત વર્ષે પણ કોરોના કાળમાં લોકડાઉનના કારણે કાપડ ઉદ્યોગને બહુ મોટો અને ગંભીર આર્થિક ફટકો પડયો હતો અને ચાલુ વર્ષે પણ છેલ્લા બે-અઢી મહિના કરતાં વધુ સમયથી કાપડ, રેડીમેડ-ગારમેન્ટ સહિતના વેપાર-ધંધા ઠપ્પ જેવા થઇ ગયા છે., જેના કારણે વેપારીઓ, કાપડના ઉત્પાદકો સહિતના લોકોના લાખો-કરોડોના પેમેન્ટ પણ સલવાઇ ગયા છે. કાપડના વેપારીઓને લોનના હપ્તા ભરવા, વ્યાજ ચૂકવવા, કર્મચારીઓના પગાર કરવા સહિતના વેપાર-ધંધાના કામકાજમાં બહુ મોટી મુશ્કેલી અને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ગુજરાત સરકારે કાપડના વેપારીઓને પણ રાહતના ભાગરૂપે મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેકસમાં મોટી રાહત કરી આપવી જોઇએ, સાથે સાથે વ્યવસાય વેરો પણ નાબૂદ કરી આપવો જોઇએ. તદુપરાંત, ભાડુઆતના કિસ્સામાં જે ડબલ ટેક્સ વસૂલવામાં આવે છે તે પણ કોરોના કાળને ધ્યાનમાં રાખી સીંગલ ટેક્સ જ વસૂલી રાહત આપવી જોઇએ. આ સિવાય પણ જે વેપારીઓ કે કાપડ માર્કેટના વરિષ્ઠ લોકો કે જેઓ વર્ષોથી નિયમિત રીતે ઇન્કમટેક્સ ભરતા આવ્યા છે, તેઓને પણ સરકારે આવા કપરા સમયમાં મેડિકલ લાભો સહિતની બાબતોમાં એક યા બીજા સ્વરૂપે મોટી રાહત કરી આપવી જોઇએ.
દરમ્યાન શહેરના મસ્કતી કાપડ માર્કેટ મહાજન અને ન્યુ કલોથ માર્કેટના સેક્રેટરી શ્રી નરેશ શર્માએ જણાવ્યું કે, અમદાવાદ શહેર સહિત રાજ્યનું કાપડ માર્કેટ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં તેના વિકાસ પ્રગતિ અને આર્થિક યોગદાન ને લઈને હર હંમેશ નોંધનીય બની રહ્યું છે પરંતુ કોરોનાના કપરા કાળ અને કોરોનાની કારમી થપાટ બાદ કાપડ માર્કેટ બહુ ખરાબ રીતે તૂટ્યું છે. સરકારની આવકમાં કરોડો રૂપિયાનું ટેક્સ મારફતે યોગદાન આપતું કાપડ માર્કેટ વર્ષે દા’ડે રૂપિયા રૂ.36 હજાર કરોડથી પણ વધુનું ટર્નઓવર ધરાવે છે પરંતુ કોરોનાની કારમી થપાટ બાદ આજે કાપડ માર્કેટ જાણે ડચકા ખાઈ રહ્યું છે ત્યારે આવા કપરા સમયમાં ગુજરાત સરકાર કે જે સંવેદનશીલ સરકાર છે તેણે માનવીય અભિગમ દાખવી વેપારીઓની વ્હારે આવવું જોઇએ અને તાત્કાલિક ધોરણે વેપારીઓના હિતને ધ્યાનમાં લઇ પ્રોપર્ટી ટેક્સ સહિતના વિવિધ વેરામાં મોટી અને અસરકારક રાહતો જાહેર કરવી જોઇએ. નોંધનીય છે કે, સરકારના ટેક્સ કલેકશનમાં સૌથી મહત્વનું અને નોંધપાત્ર યોગદાન વર્ષોથી કાપડ ઉદ્યોગનું રહ્યું છે ત્યારે સરકારે વેપારીઓને તાત્કાલિક યોગ્ય રાહત આપી કાપડઉદ્યોગને બેઠુ કરવું જોઇએ એમ પણ મસ્કતી કાપડ માર્કેટ મહાજન અને ન્યુ કલોથ માર્કેટના સેક્રેટરી શ્રી નરેશ શર્માએ ઉમેર્યું હતું.
દરમ્યાન શહેરના કાંકરિયા વિસ્તારમાં આવેલા જાણીતા સફલ ટુ કાપડ માર્કેટના વેપારી અગ્રણી પ્રિયંક રમેશ ગીદવાણીએ જણાવ્યું કે, અમદાવાદ શહેર સહિત રાજ્યભરના કાપડ માર્કેટના લાખો વેપારીઓ હાલ કોરોનાની કારમી થપાટ અને તેના કારણે સર્જાયેલી મંદીના અસહનીય માર વચ્ચેથી પસાર થઈ રહ્યા છે. વાસ્તવમાં વેપારીઓની હાલત બહુ જ કફોડી અને દયનીય છે ત્યારે આ સંજોગોમાં વેપારીઓ પણ સરકાર તરફથી હકારાત્મક અભિગમ અને યોગ્ય રાહત પેકેજ સહિતના જરૂરી પગલાં સાથે દરમિયાનગીરી કરાય તેની રાહ જોઈને બેઠા છે. સાથે સાથે કેન્દ્ર સરકાર તરફથી લોનના વ્યાજની માફીની જાહેરાતના વાસ્તવિક અમલ માટેની પણ વેપારીઓ માંગ ઉઠાવી રહ્યા છે કારણ કે બેન્કો દ્વારા કેન્દ્રની આ જાહેરાતનો વાસ્તવિક અમલ થઈ રહ્યો નથી જેને લઇને પણ વેપારીઆલમમાં વત્તાઓછા અંશે નારાજગી ની લાગણી પ્રવર્તી રહી છે. કોરોનાની કારમી થપાટ અને મંદીના માહોલ વચ્ચે વેપારીઓને તેમના રોજિંદા સ્ટાફમાં ૩૦થી ૩૫ ટકાનો કાપ મૂકવાની ફરજ પડી છે જ્યારે લોકલ માર્કેટમાં પણ ઉઘરાણી અને ક્રેડીટની વાત જોખમાઈ છે ત્યારે કાપડ માર્કેટમાં પણ બેરોજગારીનો ગંભીર પ્રશ્ન સર્જાયો છે તો બીજી બાજુ આર્થિક કટોકટી પણ બહુ મોટી સમસ્યા સર્જી રહી છે. આ સંજોગોમાં રાજ્ય સરકાર તેમજ સંબંધિત સત્તાવાળાઓએ દરમિયાનગીરી કરી વેપારી આલમની પડખે આવવું જોઈએ અને તેઓને આ કટોકટીભર્યા અને પડકારજનક સમયમાંથી બહાર લાવવાના અસરકારક અને પરિણામલક્ષી પ્રયાસો હાથ ધરવા જોઈએ. કાપડઉદ્યોગ તો ગુજરાતની વૈશ્વિક ઓળખ છે, તે વાત નજરઅંદાજ કરી શકાય નહી.
વિશ્વના મોટાભાગના દેશોમાં અમદાવાદ, સુરત અને રાજ્યમાંથી મોટા પાયે કાપડની નિકાસ થાય છે
અમદાવાદ સુરત સહિત ગુજરાતના કાપડ માર્કેટની માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વભરમાં બોલબાલા છે અને તેના કારણે જ દુનિયાના મોટાભાગના દેશોમાં અહીંથી રેડીમેડ કપડા અને કાપડની મોટાપાયે નિકાસ થાય છે ખાસ કરીને પશ્ચિમ આફ્રિકા, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ સહિતના દેશોમાં મોટા પાયે અહીંથી કાપડની નિકાસ થતી હોય છે ત્યારે વૈશ્વિક મહામારી કોરોના ના લીધે કાપડની તેમજ રેડીમેડ કપડાની નિકાસ પર પણ બહુ ગંભીર અને ખરાબ અસરો પડી છે. હજારો કરોડનું નિકાસનું માર્કેટ પણ ઓવર ઓલ બહુ ચિંતાજનક રીતે તૂટ્યું છે જેની સીધી અસર વેપારીઓના ધંધા અને સરકારની જીએસટી સહિતની આવક પર પડી છે એમ પણ વેપારી આગેવાનોએ સ્પષ્ટ કર્યું હતુ. રાજય સરકારે વેપારીઓની દયનીય અને કફોડી હાલતને ધ્યાનમાં રાખી તાત્કાલિક ધોરણે પૂરતી અને યોગ્ય રાહતો જાહેર કરવી જોઇએ એવી પણ વેપારીઆલમ દ્વારા માંગ કરાઇ હતી.