વીએલસીસી હેલ્થકેર અને વેલનેસ સેન્ટર (બાલેશ્વર સ્ક્વેર, એસ.જી. હાઇવે, અમદાવાદ) સામે કર્મચારીઓને ગ્રેચ્યુટીની ચૂકવણી ન કરવા સંદર્ભે કાયદાકીય પ્રક્રિયા શરૂ
એડિશનલ ચીફ સેક્રેટરીશ્રી વિપુલ મિત્રા દ્વારા ઓર્ડર કરીને ગ્રેચ્યુટીની ચૂકવણી ન કરવા બદલ વીએલસીસી સામે ગુનો દાખલ કરવા જણાવાયુ
ગાંધીનગર, તા.8
ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગે વીએલસીસી હેલ્થકેર અને વેલનેસ સેન્ટર (બાલેશ્વર સ્ક્વેર, એસ.જી. હાઇવે, અમદાવાદ) સામે કર્મચારીઓને ગ્રેચ્યુટીની ચૂકવણી ન કરવા સંદર્ભે કાયદાકીય પ્રક્રિયા શરૂ કરી છે. આ કાર્યવાહી માટે શ્રમ અને રોજગાર વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરીશ્રી વિપુલ મિત્રા દ્વારા ઓર્ડર કરીને ગ્રેચ્યુટીની ચૂકવણી ન કરવા બદલ વીએલસીસી સામે ગુનો દાખલ કરવા જણાવાયુ છે.
શ્રમ અને રોજગાર વિભાગને કર્મચારીઓ તરફથી ગ્રેચ્યુટીની ચૂકવણી ન થતી હોવાની ફરિયાદો મળી હતી. ગ્રેચ્યુટી એક્ટ ૧૯૭૨ અંતર્ગત કર્મચારીઓ ગ્રેચ્યુટીના હકદાર છે. આ બાબતે વીએલસીસી હેલ્થકેર એન્ડ વેલનેસ સેન્ટરને શો કોઝ નોટિસ જાહેર કરીને શ્રમ વિભાગ દ્વારા ચેકિંગ કરવામા આવ્યું હતું. તેનાથી એ હકીકત સામે આવી હતી કે ગ્રેચ્યુટીની ચૂકવણી લંબાવી દેવામા આવી હતી અથવા તો હજુ સુધી ચૂકવણી કરવામા આવી નથી.
ગ્રેચ્યુટી એક્ટ, ૧૯૭૨ના સેક્શન ૯ના પેનલ્ટી પ્રોવિઝન અંતર્ગત ગુનો દાખલ કરવામા આવશે. આ સેક્શન પ્રમાણે આ નિયમો લાગૂ કરવામા કર્મચારી અસફળ રહેશે તો તેને ત્રણ મહિના થી એક વર્ષ સુધીની સજા અથવા રૂપિયા ૧૦ થી ૨૦ હજારનો દંડ અથવા બન્ને થઇ શકે છે.
વિપુલ મિત્રાએ કહ્યું કે, “તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ કંપનીઓ ગ્રેચ્યુટીના નિયમોનું અનુસરણ કરતી નથી. તેથી ગ્રેચ્યુટી એક્ટ અંતર્ગત આ કંપનીઓ સામે અમે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.” અગાઉ શ્રમ વિભાગે ઓક્ટોબર મહિનામાં ૯ કંપનીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. ડિસેમ્બરમાં ગ્રેચ્યુટીની ચૂકવણી ન કરવા અંગે અમદાવાદ, સુરત અને અન્ય જિલ્લાઓની કંપનીઓ જેવી કે કટારીયા ઓટોમોબાઇલ, અમદાવાદ, ટીમલીઝ – એલએન્ડટી, રાજકોટ, ડી.જી. નાકરાની જીએમઇઆરએસ હોસ્પિટલ, વડોદરા, એકતા પ્રિન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ. સુરત અને ક્રિએટીવ ટેક્સ મિલ્સ પ્રાઇવેટ લિમિટેડ, વલસાડ જેવી આઠ કંપનીઓ સામે કાર્યવાહી શરૂ કરવામા આવી હતી.