આ તો ભાર વિનાનું ભણતર કે પુસ્તક વિનાનું ભણતર…..વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ ભારે નારાજગીની લાગણી
સ્કૂલ બોર્ડની તમામ શાળાઓમાં અને બાળકોને તાત્કાલિક ધોરણે પુસ્તકો પહોંચાડવાની વ્યવસ્થા કરવા અને વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણમાં કોઇપણ પ્રકારની અડચણો કે તકલીન ના પડે તેનું ધ્યાન રાખવા પણ અમ્યુકો સ્કૂલ બોર્ડના કોંગ્રેસના સભ્ય નાગજીભાઇ દેસાઇની ઉગ્ર માંગ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા BU પરમિશનના અભાવે શાળાઓ સીલ કરવાની કરાયેલ કામગીરીને લઇ આવી 30થી વધુ શાળાઓને તાળા વાગી જતા સ્કૂલ સંચાલકોમાં પણ વિરોધના સૂર
અમદાવાદ,તા.7
કોરોના મહામારી વચ્ચે ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં રાજ્યભરમાં શાળા કોલેજોમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે પરંતુ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ સ્કૂલ સંચાલકો અને શિક્ષણ સત્તાધીશો માટે સર્જાયો છે. શિક્ષકો દ્વારા ઓનલાઇન અભ્યાસની પ્રક્રિયા પણ શરૂ થઈ છે પરંતુ અમદાવાદની 30થી વધુ શાળાઓમાં આ શૈક્ષણિક કામગીરી અટવાઈ છે. જેનું મુખ્ય કારણ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા BU પરમિશનના અભાવે શાળાઓ સીલ કરવાની કરાયેલ કામગીરીને લઇ આવી શાળાઓને તાળા વાગી જતા ધોરણ-10 અને ધોરણ-12ના માર્ક મુકવાની અને પરિણામ બનાવવાની પ્રક્રિયા પણ અટવાઈ ગઈ છે. બીજીબાજુ, ઓનલાઇન અભ્યાસ માટે જરૂરી પુસ્તકો હજુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડની શાળાઓમાં ધોરણ-1થી 8ના પુસ્તકો હજુ સુધી શિક્ષણ સત્તાધીશો પહોંચાડી નહી શકતા બાળકોને પુસ્તકો વિના જ ભણવાનો વારો આવ્યો છે.
તંત્રની આવી ગંભીર ઉદાસીનતા અને નિષ્કાળજીને લઇ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ ભારે નારાજગી અને સ્વાભાવિક રોષની લાગણી જોવા મળી હતી. તો, બીજીબાજુ, અમ્યુકોની બીયુ પરમીશન વિનાની 30થી વધુ શાળાઓને સીલ કરવાની કામગીરી સામે શાળા સંચાલકોમાં પણ રોષની લાગણી પ્રવર્તી રહી છે. આમ, આજે નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે જ વિરોધ અને રોષના સૂર જોવા મળ્યા હતા. આજથી રાજ્યભરની શાળાઓમાં આજથી નવા શૈક્ષણિક સત્ર ઓનલાઈન શરૂઆત થઇ છે. ઓનલાઈન અભ્યાસ માટે પ્રાથમિક જરૂરીયાત પુસ્તકોની હોય છે. આવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કુલ બોર્ડની શાળાઓમાં હજુ સુધી ધોરણ 1 થી 8 ના એક પણ પુસ્તકો પહોંચાડી શકાયા નથી. પુસ્તકો વિના શિક્ષકો પણ કેવી રીતે બાળકોને ઓનલાઇન અભ્યાસ કરાવશે એ મોટો પ્રશ્ન ઉદભવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાના બાળકો પુસ્તકો વગર જ ઓનલાઇન અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે. જેને લઇ વિદ્યાર્થીઓ અને વાલીઓ ભારે વિમાસણમાં મૂકાયા હતા.
કોરોના મહામારીને કારણે ફરી એકવાર ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે અને આજથી શાળાઓમાં 100 ટકા કર્મચારીઓ સાથે શાળાઓ કાર્યરત થઈ છે. સાથે સાથે તંત્રની સૂચના અને કોવીડ ગાઇડલાઇન્સના ભાગરૂપે એકપણ બાળકને શાળા ખાતે નહી બોલાવવા શિક્ષણ વિભાગ દ્વારા તાકીદ કરવામાં આવી છે અને નવી સૂચના ના મળે ત્યાં સુધી ફરજીયાત ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવાની સ્પષ્ટ તાકીદ કરાઇ છે. પરંતુ નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ છતાં શહેરની 30થી વધુ શાળાઓમાં વિવિધ પ્રકારની કામગીરી અટકી પડી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા BU પરમિશનના અભાવે 30થી વધુ શાળાઓ સીલ કરી દીધી છે, જેને લઇ સ્કૂલ સંચાલકોમાં પણ અમ્યુકોની કામગીરીને લઇ ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.
બીજીતરફ, નવા શૈક્ષણિક સત્રના પહેલા જ દિવસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડની શાળાઓમાં હજુ સુધી ધોરણ 1થી 8ના પુસ્તકો નહી પહોંચતા શિક્ષકોની સાથે સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓની હાલત કફોડી જોવા મળી હતી. શાળાઓ પોતે જ પુસ્તકો મેળવવાથી વંચિત છે અને જેને ભણવાનું છે તે બાળકો સુધી જ હજુ પુસ્તકો પહોંચ્યા નથી. દરમ્યાન શિક્ષણ સત્તાવાળાઓ અને તંત્રના આવા અણઘડ આયોજનને લઇ અમ્યુકો સ્કૂલ બોર્ડના કોંગ્રેસના સભ્ય નાગજીભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, ગાંધીનગર સ્થિત પાઠ્ય પુસ્તક મહામંડળ દ્વારા પુસ્તકો તમામ સ્કુલ બોર્ડની શાળાઓમાં વેકેશન પૂર્ણ થયા બાદ મોકલવામાં આવતા હોય છે. જો કે આ વર્ષે નવું સત્ર શરૂ થવાના ગણતરીના દિવસો બાકી છે. એવામાં પણ ઝોન લેવલ સુધી પણ પુસ્તકો પહોંચાડી શકાયા નથી. જે બહુ ગંભીર અને શરમજનક વાત કહી શકાય. આટલા દિવસોનો સમય તંત્ર અને શિક્ષણ સત્તાધીશોને મળ્યો તો, એ સમયનું શું કર્યું અને કેમ સ્કૂલ બોર્ડની શાળાઓ અને બાળકો સુધી સમયસર પુસ્તકો પહોંચાડવાના આયોજનમાં તંત્ર અને સત્તાધીશો કેમ નિષ્ફળ રહ્યા તે સૌથી મોટો સવાલ છે.
બીજીબાજુ, નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બીયુ પરમિશનના અભાવે સીલ કરવામાં આવેલી શાળાઓ પર તાળા યથાવત છે. બીયુ પરમિશનના અભાવે સીલ કરેલી સ્કૂલ સંચાલકો ખોલી શક્યા નથી. અમદાવાદ શહેરની 30થી વધુ શાળાઓ સીલ કરવામાં આવી છે જેના પર તાળા યથાવત છે. શાળા સીલ હોવાથી ધોરણ 10ની માર્કશીટ તૈયાર કરવાની પ્રક્રિયા ચાલુ છે. ઓનલાઇન શિક્ષણ તેમજ શિક્ષકોની ટ્રેનિંગ અટકી ગઇ છે. સીલ કરવામાં આવેલી શાળાઓમાં શિક્ષકો આવ્યા હતા પરંતુ તાળા લાગેલા હોવાથી બહાર ઉભા રહેવા મજબૂર બન્યા છે, આમ, કોઇપણ પ્રકારના સંકલન, આયોજન કે પુખ્ય વિચાર કર્યા વિના તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરીને લઇ આજે નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે જ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ સર્જાયો છે. ત્યારે અમ્યુકો સ્કૂલ બોર્ડની તમામ શાળાઓમાં અને બાળકોને તાત્કાલિક ધોરણે પુસ્તકો પહોંચાડવાની વ્યવસ્થા કરવા અને વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણમાં કોઇપણ પ્રકારની અડચણો કે તકલીન ના પડે તેનું ધ્યાન રાખવા પણ અમ્યુકો સ્કૂલ બોર્ડના કોંગ્રેસના સભ્ય નાગજીભાઇ દેસાઇએ સત્તાધીશો સમક્ષ ઉગ્ર માંગ કરી છે. તેમણે ઉમેર્યું કે, ઓનલાઇન શિક્ષણ સરકારી શાળાઓના બાળકો માટે ખુબ મુશ્કેલ હોય છે. એવા સમયમાં અમ્યુકો સંચાલિત સ્કૂલ બોર્ડના શિક્ષકો બાળકોના ઘરે જઇને પણ અભ્યાસ કરાવવામાં આવે તેવા પ્રયાસ કરે તે જરૂરી છે. ખાસ કરીને જે વિદ્યાર્થીઓ પાસે મોબાઇલ કે ઇન્ટરનેટ કનેક્ટિવિટી નથી, તેવા બાળકો ઓનલાઇન શિક્ષણથી વંચિત ન રહે તેનું ખાસ ધ્યાન રાખી સત્તાવાળાઓએ આ માટે જરૂરી અને પૂરતા પગલાં ભરવા જોઇએ કે જેથી બાળકોનું ભણતર અને ભવિષ્ય ના બગડે.