સ્થાનિક રહીશોને દસ્તાવેજી કાર્ય સહિતના કચેરી સંબંધી કોઇપણ કામમાં છેક મેઘાણીનગર સુધી લાંબા થવુ પડી રહ્યું છે અને કલાકો સુધી લાંબી લાઇનોમાં ઉભા રહેવા છતાં તેમના કામ થતા નથી
દરિયાપુર એઆઇએમઆઇએમના વોર્ડ પ્રમુખ જાબીરભાઇ પટેલ, એઆઇએમઆઇએમના શહેર પ્રમુખ શમશાદ પઠાણ સહિતના આગેવાનોના પ્રતિનિધિમંડળ તરફથી જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરાયુ – બારડોલપુરાની તલાટી ઓફિસ અગાઉની જેમ પુનઃ તેમના વિસ્તારમાં કાર્યરત કરવા ઉગ્ર માંગ કરી, કલેકટર તરફથી પણ હૈયાધારણ અપાઇ
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.1
દરિયાપુર વિસ્તારમાં બારડોલપુરામાં આવેલ દરિયાપુર કાજીપુર વિસ્તારની તલાટી ઓફીસ કે જે બે વર્ષ થી મેઘાણીનગર ખસેડવામાં આવતા દરિયાપુર કાજીપુરના સ્થાનિક રહીશો ભારે હાલાકી અને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કોઇપણ જરૂરી દસ્તાવેજ માટે કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવા છતાં પણ તેમની સમસ્યાનું કોઇ નિરાકરણ આવતું નથી. ખાસ કરીને મહિલાઓ, વૃધ્ધો અને સિનિયર સીટીઝન્સ સૌથી વધુ હેરાન-પરેશાન થઇ રહ્યા છે ત્યારે આજે દરિયાપુર એઆઇએમઆઇએમના વોર્ડ પ્રમુખ જાબીરભાઇ પટેલ, એઆઇએમઆઇએમના શહેર પ્રમુખ શમશાદ પઠાણ ઉપરાંત, અનીસભાઇ શેખ, વસીમભાઇ શેખ, આમીરખાન પઠાણ સહિતના આગેવાનોના પ્રતિનિધિમંડળે આજે અમદાવાદ જિલ્લા કલેકટરની રૂબરૂ મુલાકાત લઇ તેમને લેખિતમાં આવેદનપત્ર આપી દરિયાપુર બારડોલપુરાની તલાટી ઓફિસ તાત્કાલિક ધોરણે પુનઃ દરિયાપુર કાજીપુર બારડોલપુરામાં ધમધમતી થાય અને સ્થાનિક રહીશોની માથાના દુઃખાવા સમાન બનેલી સમસ્યાઓનું તાકીદે નિરાકરણ આવે તે માટેની ઉગ્ર માંગણી કરી હતી.
આ અંગે દરિયાપુર એઆઇએમઆઇએમના વોર્ડ પ્રમુખ જાબીરભાઇ પટેલ અને એઆઇએમઆઇએમના શહેર પ્રમુખ શમશાદ પઠાણે જણાવ્યું હતુ કે, છેલ્લા બે વર્ષ ઉપરાંતના સમયથી બારડોલપુરાની તલાટી કચેરી મેઘાણીનગર ખાતે ખસેડવામાં આવી હતી, જેના કારણે સ્થાનિક રહીશોને દસ્તાવેજી કાર્ય સહિતના કચેરી સંબંધી કોઇપણ કામમાં છેક મેઘાણીનગર સુધી લાંબા થવુ પડી રહ્યું છે અને કલાકો સુધી લાંબી લાઇનોમાં ઉભા રહેવા છતાં તેમના કામ થતા નથી. જેના કારણે સ્થાનિક રહીશો ભારે હાલાકીનો ભોગ બની રહ્યા છે. સૌથી વધુ કફોડી હાલત મહિલાઓ અને સિનિયર સીટીઝન્સ, વૃધ્ધોની છે, તેઓ સૌથી વધુ મુશ્કેલીનો ભોગ બની રહ્યા છે. સવારથી ત્યાં લાઈન માં ઉભા રહ્યા પછી જો ભૂલેચૂકે કોઈ ડોક્યુમેન્ટ રહી ગયું હોય તો પછી બીજા દિવસે મેળ પડે અને રીક્ષા ભાડું અલગથી જે ગરીબ પ્રજાને ના પોસાય. આ સંજોગોમાં આજે અમારા પ્રતિનિધિમંડળ તરફથી અમદાવાદ જિલ્લા કલેકટરને એક આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે.
દરિયાપુર એઆઇએમઆઇએમના વોર્ડ પ્રમુખ જાબીરભાઇ પટેલ અને એઆઇએમઆઇએમના શહેર પ્રમુખ શમશાદ પઠાણે વધુમાં ઉમેર્યું કે, હવે બારડોલપુરા તલાટી ઓફીસ નો નવુ બાંધકામ પૂર્ણ થયુ છે જે અમે એક મહિના પહેલા રૂબરૂ જઇને જોઈ આવ્યા છીએ. આ સંજોગોમાં મેઘાણીનગર ખસેડાયેલી દરિયાપુર ની તલાટી ઓફીસ પુનઃ દરિયાપુર કાજીપુર બારડોલપુરા શરૂ કરવામાં આવે અને સ્થાનિક રહીશોની છેલ્લા ઘણા સમયની ભંયકર હાલતાકીનો અંત લાવવામાં આવે તે માટે જિલ્લા કલેકટરશ્રીને વિનંતી અને અનુરોધ કરવામાં આવ્યું છે. જિલ્લા કલેકટર શ્રી દ્વારા પણ દરિયાપુર બારડોલપુરા તલાટી ઓફીસ પુનઃ અગાઉની જેમ ધમધમતી બને તેટલી ઝડપથી શરૂ કરવા આશ્વાસન આપ્યું છે. સ્થાનિક રહીશો તરફથી પણ આ હકારાત્મક પગલાંને લઇ એઆઇએમઆઇએમના આગેવાનોનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.