ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ઉપસ્થિત કરાયો મહત્વનો કાયદાકીય મુદ્દો – હાઇકોર્ટે મહત્વના ચુકાદા મારફતે કાનૂની મુદ્દો નિર્ણિત કર્યો
તડીપારના હુકમનો ભઁગ કરનાર આરોપીને એક વર્ષ ચાર મહિના માટે તડીપારના હુકમના ભંગ બદલ જિલ્લા જેલ, ભુજમાં પોલીસ પહેરા હેઠળ મોકલી આપવા હુકમ કરાયો હતો
હાઇકોર્ટે જૂનાગઢના સબ ડિવીઝનલ મેજિસ્ટ્રેટના આરોપીને જેલમાં મોકલી આપવાના હુકમને ગેરકાયદે અને અયોગ્ય ઠરાવી રદબાતલ કર્યો અને અરજદારને તાત્કાલિક જેલમાંથી છોડી મૂકવા હુકમ કર્યો
અમદાવાદ, તા.27
તડીપારના હુકમના ભંગ બદલ આરોપીને ભુજ જેલમાં મોકલાતાં આરોપી અસ્પાકશા ફકીર દ્વારા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ખાસ ફોજદારી અરજી દાખલ કરી મહત્વનો કાયદાકીય પ્રશ્ન ઉઠાવાયો હતો કે, શું તડીપાર થયેલ વ્યકિત તડીપારના હુકમનો ભંગ કરી મૂળ વિસ્તારમાં દાખલ થાય તો તેને શું પોલીસ જાપ્તા હેઠળ જેલમાં પૂરી શકાય ? મહત્વના એવા આ કાયદાકીય મુદ્દાની સુનાવણી બાદ ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ ગીતાબેન ગોપીએ પોતાના મહત્વપૂર્ણ ચુકાદામાં ઠરાવ્યું હતું કે, તડીપાર હુકમનો ભંગ કરી મૂળ વિસ્તારમાં દાખલ થાય તો આરોપીને ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ જેલમાં મોકલી આપવાનો હુકમ કરવાની સત્તા નથી, હાઇકોર્ટે જૂનાગઢના સબ ડિવીઝનલ મેજિસ્ટ્રેટના આરોપીને આ પ્રકારે જેલમાં મોકલી આપવાના હુકમને ગેરકાયદે અને કાયદાકીય જોગવાઇ વિરૂધ્ધના ઠરાવી સબ ડિવીઝનલ મેજિસ્ટ્રટનો હુકમ રદ કરી અરજદારને તાત્કાલિક જેલમાંથી મુકત કરવાનો હુકમ કર્યો હતો.
અરજદાર અસ્પાકશા ફકીર દ્વારા કરાયેલી સ્પેશ્યલ ક્રિમીનલ એપ્લીકેશનમાં એડવોકેટ નિમિષ એમ.કાપડિયા અને એડવોકેટ ઋષભ કાપડિયાએ મહત્વની દલીલો કરતાં જણાવ્યું હતું કે, અગાઉ સબ ડીવેઝનલ મેજિસ્ટ્રેટના હુકમ પ્રમાણે જૂનાગઢના અસ્પાકશા ઇસ્માઇલશા રફાઇ ફકીરને વર્ષ 2018 થી 2020 દરમિયાન સાત ગુના કરવા બદલ દોઢ વર્ષ માટે જૂનાગઢ શહેર અને ગ્રામ્યની હદમાંથી તડીપાર કરવાનો હુકમ થયો હતો. પરંતુ અસ્પાકશાએ બે વાર તડીપારના હુકમનો ભંગ કરી જૂનાગઢમાં પ્રવેશ કર્યો હતો, તેથી જૂનાગઢના સબ ડિવીઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા તા. 03.02.2021 ના રોજ હુકમ કરી જૂનાગઢના અસ્પાકશા ઇસ્માઇલશા રફાઇ ફકીરને તા. 08.06.2022 સુધી એટલે કે એક વર્ષ ચાર મહિના માટે તડીપારના હુકમના ભંગ બદલ જિલ્લા જેલ, ભુજમાં પોલીસ પહેરા હેઠળ મોકલી આપવા હુકમ કર્યો હતો.
અરજદારપક્ષ તરફથી એડવોકેટ નિમિષ એમ.કાપડિયા અને એડવોકેટ ઋષભ કાપડિયાએ હાઇકોર્ટનું એ મહત્વના મુદ્દા પરત્વે પણ ધ્યાન દોર્યું હતું કે, ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 62 મુજબ આવા સંજોગોમાં પોલીસ કસ્ટડી હેઠળ જે-તે શખ્સને જે-તે વિસ્તારમાંથી બહાર કાઢી શકાય પરંતુ તેને જેલમાં મુકવા માટેનો હુકમ કરવાની સત્તાધિકારીને કોઇ સત્તા મળેલ નથી. આ સંજોગોમાં સબ ડિવીઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા અરજદારને જેલ કસ્ટડીમાં રાખવાનો હુકમ બિલકુલ ગેરકાયદે, અયોગ્ય અને કાયદાકીય જોગવાઇ વિરૂધ્ધનો છે, તેથી હાઇકોર્ટે તેને ગેરકાયદે અને રદબાતલ ઠરાવવો જોઇએ.
અરજદારના વકીલોની રજૂઆતો, હાઇકોર્ટના ચુકાદાઓ તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 62 સહિતની જોગવાઇઓ ધ્યાનમાં લઇ હાઇકોર્ટે અરજદારપક્ષની દલીલો ગ્રાહ્ય રાખી હતી અને અરજદારને તાત્કાલિક જેલમાંથી છોડી મૂકવાનો મહત્વનો હુકમ કર્યો હતો. હાઇકોર્ટના જસ્ટિસ ગીતાબેન ગોપીએ વધુમાં ઠરાવ્યું કે, ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ આવો હુકમ કરવાની સત્તા નથી, ઉપરાંત હદ્દપારી હુકમના ભંગના આક્ષેપ બદલ કલમ 142 હેઠળ જે-તે શખ્સ સામે અલગથી ગુનો નોંધાયો છે જે હજુ સાબિત થવાનો બાકી છે અને તે કારણોસર અરજદારને જેલ કસ્ટડીમાં રાખવાનો ઉપરોક્ત હુકમ ગેરકાયદેસર અને કાયદાની જોગવાઇઓ વિરુદ્ધ હોવાથી એસ.ડી.એમ. નો હુકમ રદ્દ કરવામાં આવે છે અને અરજદારને તાત્કાલિક જેલમાંથી છોડી મુકવા આદેશ કરવામાં આવે છે. તડીપાર હુકમના ભંગ બાદ કોઇ આરોપીને જેલમાં ધકેલવાના કિસ્સાઓમાં હાઇકોર્ટનો આ ચુકાદો બહુ મહત્વપૂર્ણ મનાઇ રહ્યો છે.