મુખ્યમંત્રીશ્રી દ્વારા શરૂ કરાયેલા “મારૂં ગામ કોરોના મુક્ત ગામ” અભિયાનને વેગ મળે તથા સામાજિક જવાબદારીના ભાગરૂપે જીટીયુ દ્વારા આ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું – પ્રો. ડૉ. નવીન શેઠ (કુલપતિ , જીટીયુ)
કુલ 185 RTPCR ટેસ્ટ અને 475 થી વધુ લોકોમાં આયુર્વેદિક દવા અને ઉકાળાનું વિતરણ કરાયું
અમદાવાદ, તા.26
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) વર્તમાન પરિસ્થિતિનો સામનો કરવા અને સમાજ સેવાના ભાગરૂપે અનેક પ્રકારે કાર્યરત છે. તારીખ 25 અને 26 મેના રોજ અનુક્રમે ગાંધીનગર જિલ્લાના લેકાવાડા અને મહેસાણા જિલ્લાના મેવડ ગામે વિનામૂલ્યે આયુર્વેદિક દવા અને ઉકાળાનું વિતરણ તથા કોવિડ-19 માટે કરવામાં આવતાં RTPCR ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી દ્વારા શરૂ કરાયેલા “મારૂં ગામ કોરોના મુક્ત ગામ” અભિયાનને વેગ મળે તથા સામાજિક જવાબદારીના ભાગરૂપે જીટીયુ દ્વારા આ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યમાં જીટીયુના બીઓજી મેમ્બર પ્રો. ડૉ. સી. એન. પટેલ અને જીપેરીના પ્રિન્સિપાલ ડૉ. એ. એમ. પ્રભાકર પણ હાજર રહ્યા હતાં. જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેરે પણ આયોજનકર્તા જીટીયુ સ્પોર્ટ્સ ઓફિસર ડૉ. આકાશ ગોહિલ , મેડિકલ ઓફિસર ડૉ. સંજય જોષી અને AIC હેડ ડૉ. વૈભવ ભટ્ટ તેમજ બાયોટેક લેબના ટેકનીશીયન શ્રી નિખિલ જોશી, શ્રી વેદાંત મોદી, શ્રી રીયા દેસાઈ અને શ્રી વિધિ શેઠને સફળ આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતાં.
શારીરિક તાપમાન અને અન્ય લક્ષણોને ધ્યાનમાં રાખીને 10 વર્ષના બાળકોથી લઈને વૃદ્ધોએ પણ RTPCR ટેસ્ટ કરાવ્યો હતો. આ સંદર્ભે લેકાવાડાના સરપંચશ્રી અમરસિંહ વાઘેલાએ જીટીયુનો આભાર માનતાં જણાવ્યું હતું કે, લેકાવાડાના 150થી વધુ ગ્રામજનોમાં આયુર્વેદિક ગળોઘનવટી અને ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
તદુપરાંત, શંકાસ્પદ જણાતા 35 લોકોના RTPCR ટેસ્ટ પણ કરવામાં આવ્યાં હતાં, જેમાંથી માત્ર 1 પોઝેટીવ કેસ નોંધાયો હતો. મહેસાણા જિલ્લાના મેવડ ગામના સરપંચશ્રી દિનેશભાઈ ચૌધરીએ જીટીયુની આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવતાં જણાવ્યું હતું કે, મેવડ ગામના 325થી વધુ લોકોમાં આયુર્વેદિક દવા અને ઉકાળાનું વિતરણ કરાયું હતું. જ્યારે 150થી વધુ RTPCR ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. જેમાંથી 5 કેસ પોઝેટીવ આવ્યાં હતાં. બન્ને ગામના સરપંચશ્રીના જણાવ્યા અનુસાર જીટીયુની આ કામગીરી આગામી દિવસોમાં મુખ્યમંત્રીશ્રીના કોરોના મુક્ત ગામ અભિયાનને વેગવંતી બનાવશે.