વાવાઝોડાની તારાજીમાં માલધારી સમાજના ઢોર-ઢાંખર, મકાન-મિલ્કતોને પણ પારાવાર નુકસાન પહોંચ્યુ છે પરંતુ આજદિન સુધી આ અસરગ્રસ્ત ગામોમાં રાજય સરકારની કોઇ ટીમ કે તંત્રના અધિકારીઓ પરિસ્થિતિ જોવા સુધ્ધાં ઉમટયા નથી
માલધારી એકતા સમિતિના પ્રમુખ નાગજીભાઇ દેસાઇએ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવી માલધારી સમાજ જયાં રહે છે તેવા અસરગ્રસ્ત સ્થળોએ નુકસાનીનો સર્વે કરાવી તેઓને કેશડોલ્સની સહાય ચૂકવવા ઉપરાતં હાલના તબક્કે તેઓને ઘાસ-ચારો તેમ જ ઘર ઉપર ઢાંકવા માટેની તાડપત્રીની વ્યવસ્થા કરી આપવા ઉગ્ર માંગ કરી
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.26
રાજયમાં તાજેતરમાં આવેલા તૌકતે વાવાઝોડાના કારણે ગીરના જંગલોમાં રહેતા સેંકડો માલધારી પરિવારોની હાલત ભારે કફોડી અને દયનીય બની રહી છે. કુદરતી આપત્તિના કારણે વાવાઝોડાએ વેરેલા વિનાશમાં માલધારી સમાજના ઢોર-ઢાંખર, મકાન-મિલ્કતોને પણ પારાવાર નુકસાન પહોંચ્યુ છે પરંતુ આજદિન સુધી આ અસરગ્રસ્ત ગામોમાં રાજય સરકારની કોઇ ટીમ કે તંત્રના અધિકારીઓ પરિસ્થિતિ જોવા સુધ્ધાં ઉમટયા નથી ત્યારે માલધારી એકતા સમિતિના પ્રમુખ નાગજીભાઇ દેસાઇએ આજે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને એક મહત્વનો પત્ર લખી ગીર સોમનાથ સહિતના અસગ્રસ્ત જિલ્લાઓમાં રહેતા માલધારી સમાજના પરિવારોને તાત્કાલિક ઢોર-ઢાંખર, મકાન-મિલ્કતની નુકસાનીનું વળતર ચૂકવવા હ્રદયસ્પર્શી રજૂઆત કરી છે. સાથે સાથે તાત્કાલિક ધોરણે માલધારી સમાજ જયાં રહે છે તેવા અસરગ્રસ્ત સ્થળોએ નુકસાનીનો સર્વે કરાવી તેઓને કેશડોલ્સની સહાય ચૂકવવા ઉપરાતં હાલના તબક્કે તેઓને ઘાસ-ચારો તેમ જ ઘર ઉપર ઢાંકવા માટેની તાડપત્રીની વ્યવસ્થા કરી આપવા માટે પણ માંગણી કરી છે.
માલધારી એકતા સમિતિના પ્રમુખ નાગજીભાઇ દેસાઇએ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પાઠવેલા પત્રમાં મહત્વપૂર્ણ રજૂઆત કરતાં જણાવ્યું છે કે, તાજેતરમાં ગુજરાતમાં આવેલા તૌકતે વાવાઝોડાથી ગીરના જંગલોમાં વસવાટ કરતાં માલધારીઓના ઢોર-ઢાંખર, માલ-મિલકતથી લઇ અનેક પ્રકારનું ગંભીર અને પારાવાર નુકસાન પહોંચ્યુ છે.
ખાસ કરીને ગીર સોમનાથ, ઉના, જૂનાગઢ સહિતના જંગલ વિસ્તારમાં પશુધન રાખી વસવાટ કરતાં સેંકડો માલધારી પરિવારો બેઘર બન્યા છે તો, તેમના ઘણા બધા પશુઓ પણ મોતને ભેટયા છે, જેને લઇ તેઓની હાલત ભારે કફોડી, દયનીય અને લાચારીભરી બની રહી છે. તેમના મકાનો પરની છત વાવાઝોડામાં ઉડી ગઇ છે અને રહેવા માટેનો આશરો છીનવાઇ ગયો છે ત્યારે હજુ સુધી રાજય સરકાર તરફથી માલધારી સમાજના આ અસરગ્રસ્ત પરિવારોને કોઇ સહાય કે મદદ મળી નથી.
તેમણે ઉમેર્યું કે, આશ્ચર્યની અને આઘાતજનક વાત એ છે કે, વાવાઝોડાની તારાજીને આટલા બધા દિવસ વીતી જવા છતાં હજુ સુધી સરકારના અધિકારીઓ કે તંત્રની કોઇ ટીમ પણ માલધારી સમાજના આ અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કે તેમની પરિસ્થિતિ જાણવા માટે આવી નથી. આ સંજોગમાં સમગ્ર માલધારી સમાજ તરફથી મારી માંગણી છે કે, સરકાર દ્વારા માનવીય અભિગમ અપનાવી તાત્કાલિક ધોરણે માલધારી સમાજના અસરગ્રસ્ત વિસ્તારો અને પરિવારોનો સર્વે કરાવી તેઓને તાત્કાલિક આર્થિક સહાય ચૂકવે તેમજ હાલના તબક્કે પશુધન માટે ઘાસચારો તેમ જ ઘર-મકાન પર ઢાંકવા માટે તાડપત્રીની વ્યવસ્થા કરી તેઓને રાહત કરી આપવી જોઇએ. રાજય સરકાર સંવેદનશીલ સરકાર છે ત્યારે માલધારી સમાજ પ્રત્યે પણ સરકારે સાચા અર્થમાં સંવેદના રાખી તેમને આ આપત્તિના સમયમાં આર્થિક સહાય પૂરી પાડી તેઓને ફરી સામાન્ય જીવનમાં બેઠા કરવા જોઇએ.