હવે રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કરફયુ રહેશે, રાત્રિ કરફયુમાં નગરજનોને આંશિક રાહત – જો કે, તેની અમલવારી તા.28મી મેથી થશે
કેબિનેટની બેઠકમાં વાવાઝોડાથી નુકસાનીને લઈને સહાયથી લઈને રાત્રિ કરફ્યુમાં મુક્તિ સહિતના મુદ્દાઓ પર અગત્યના નિર્ણયો લેવામાં આવ્યા
ગાંધીનગર, તા.26
અમદાવાદ શહેર સહિત રાજયભરમાં કોરોના કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાતા રાજય સરકાર દ્વારા પણ આજની કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા, જેમાં મુખ્ય નિર્ણય એ રહ્યો કે, રાજયના 36 શહેરોમાં કોરોના કરફયુના સમયમાં સરકાર દ્વારા એક કલાકનો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કરફયુ રહેશે. જો કે, તેની અમલવારી તા.28મી મેથી શરૂ કરવામાં આવશે. આમ સરકાર દ્વારા રાત્રિ કરફયુમાં નગરજનોને આંશિક રાહત આપવામાં આવી છે. જો કે, વેપાર-ધંધા અને રોજગારમાં સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધી ખુલ્લા રાખવાનો નિર્ણય યથાવત્ રાખવામાં આવ્યો છે. એટલે કે, વેપારીઓને સરકાર દ્વારા કોઇ છૂટછાટ અપાઇ નથી.
રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતાએ કેબિનેટની મહત્વની બેઠક મળી હતી. જેમાં તાજેતરના તૌકતે વાવાઝોડાથી નુકસાનીને લઈને સહાયથી લઈને રાત્રિ કરફ્યુમાં મુક્તિ સહિતના મુદ્દાઓ પર અગત્યના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં ગુજરાતના 36 શહેરોમાં રાતના 8 વાગ્યા સુધી કરફયુ હતો, તેનો સમય ઘટાડીને 9 વાગ્યાનો કરવામાં આવ્યો છે. હવે રાત્રે 9 વાગ્યે કરફ્યુ શરૂ થશે. રાત્રિ કરફયુમાં એક કલાકની છૂટછાટ આપવામાં આવી છે. જેનો અમલ તા.28 મેના રોજથી કરવામાં આવશે. જોકે, સાથે જ સરકારે કહ્યું કે, વેપારીઓને કોઈ છૂટછાટ હાલ નથી અપાઈ. તેમનો સમય રાબેતામુજબનો જ રહેશે.
બીજીબાજુ, કેબિનેટની બેઠક પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, એપ્રિલ મહિનામાં આપણે ખૂબ સંઘર્ષ કર્યો છે. કોરોનોમાં પણ વ્યાપક કામગીરી કરવામાં આવી છે. ગુજરાતમાં કોરોનાના કેસોને નિયંત્રણ કરવામાં સરકાર સફળ રહી છે. 3000 કેસ પર પહોંચી ગયા છે. દિવસે ને દિવસે કેસ ઘટી રહ્યાં છે. હવેથી ગુજરાતના 36 શહેરોમાં રાત્રે 9 થી 6 સુધી કરફ્યૂ રહેશે. તા.28 મેના રોજથી નવા નિયમો અમલી બનશે. જે રીતે કેસ ઘટી રહ્યા છે તે રીતે સરકાર દ્વારા નિયંત્રણો પર પણ છૂટછાટ આપવામાં આવી રહ્યા છે. સાથે જ મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, ગુજરાતમાં વેપારીઓના સંદર્ભમાં છૂટછાટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેમનો ધંધા-રોજગાર કે વાણિજય એકમો ખુલ્લા રાખવાનો સમય બપોરે ત્રણ વાગ્યા સુધીનો યથાવત્ રહેશે. ગુજરાતમાં દુકાનો સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી જ ખુલ્લા રાખી શકાશે. તેમણે ઉમેર્યું કે, ત્રીજી લહેરને પહોંચી વળવા માટે ગુજરાતમાં તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે. આમ, ગુજરાતના નાગરિકોને રાત્રિ કરફ્યુમાં એક કલાકની મુક્તિ મળી છે. ત્યારે સરકાર આગામી સમયમાં વધુ છૂટછાટ આપે તેવી શક્યતા પણ હાલ તો પ્રવર્તી રહી છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ગઇકાલે નવા કેસની સરખામણીએ ત્રણ ગણા વધુ દર્દી સાજા થયા છે. રાજ્યમાં મંગળવારે કુલ 3,254 નવા કેસ નોંધાયા છે જ્યારે કુલ 9667 દર્દી સાજા થઈને ઘરે પરત ગયા છે. રાજ્યમાં સતત ઘટી રહેલા કેસના કારણે અમદાવાદ અને સુરતની હાલત સામાન્ય થઈ રહી છે. આ બંને શહેરોમાં સૌથી વધુ કેસ છેલ્લા કેટલાક દિવસોથી નોંધાઈ રહ્યા હોવાના કારણે સરકાર ચિંતિત હતી. આજે રસીકરણની સંખ્યામાં પણ વધારો થયો છે જ્યારે મોતની સંખ્યા ઘટી છે. આમ, રાજયભરમાં કોરોના કેસોમાં નોંધપાત્ર ઘટાડો સામે આવતાં સરકાર અને તંત્રએ પણ બહુ મોટી રાહત અનુભવી છે.