ધોરણ 10ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા પહેલી જુલાઇથી આજ તારીખ સુધી લેવામાં આવશે
શાળાઓમાં નવા શૈક્ષણિક સત્ર અંગે સરકાર દ્વારા બે-ત્રણ દિવસમાં નવી ગાઇડ લાઇન જાહેર કરવામાં આવશે
ગાંધીનગર, તા.25
રાજયનાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ધોરણ 12 બોર્ડની પરીક્ષા અંગેની જાહેરાત કરવાની સાથે સાથે કેટલાક મુદ્દાઓ પર મહત્વપૂર્ણ સ્પષ્ટતા પણ કરી હતી કે, જો કોરોનાગ્રસ્ત વિદ્યાર્થીઓ પરીક્ષા નિયત સમયમર્યાદામાં ન આપી શકે તો તેઓની પરીક્ષા 25 દિવસ બાદ લેવામાં આવશે. કોરોનાગ્રસ્ત વિદ્યાર્થીઓ માટે શિક્ષણમંત્રી દ્વારા આ રાહતના સમાચાર આપવામાં આવ્યા હતા. સાથે સાથે ધોરણ-10ની રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા પણ ધોરણ-12ના બોર્ડની પરીક્ષાની તારીખો સાથે જ એટલે કે, તા.1લી જૂલાઇથી જ લેવામાં આવશે. શિક્ષણમંત્રીએ એ પણ સ્પષ્ટ કર્યું હતુ કે, શાળાઓમાં નવા શૈક્ષણિક સત્ર અંગે સરકાર દ્વારા બે-ત્રણ દિવસમાં નવી ગાઇડ લાઇન જાહેર કરવામાં આવશે
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ધોરણ 12 બોર્ડની પરીક્ષા અંગેની જાહેરાત કરી હતી તે દરમ્યાન તેમણે કોરોનાગ્રસ્ત વિદ્યાર્થીઓ માટેની પરીક્ષાની રાહતભરી વ્યવસ્થા સહિતના કેટલાક મુદ્દાઓ પર સ્પષ્ટતા પણ કરી હતી. જેમાં કોરોનાગ્રસ્ત વિદ્યાર્થીઓની પરીક્ષા નિયત સમયમર્યાદામાં ન આપી શકે તો તેઓની પરીક્ષા 25 દિવસ બાદ લેવામાં આવશે. એટલે કે, બોર્ડના રૂટીન કાર્યક્રમ દરમ્યાન જો કોઇ કોરોનાગ્રસ્ત વિદ્યાર્થી પરીક્ષા ના આપી શકે તો તેને 25 દિવસ પછી પરીક્ષા આપવાની તક ઉપલબ્ધ બનાવાશે.
બીજીબાજુ, શિક્ષણમંત્રીએ એમ પણ સ્પષ્ટ કર્યું કે, ધોરણ- 10ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા પહેલી જુલાઇથી આજ તારીખ સુધી લેવામાં આવશે. શાળાઓમાં નવા શૈક્ષણિક સત્ર અંગે સરકાર બે ત્રણ દિવસમાં નવી ગાઇડ લાઇન જાહેર કરવામાં આવશે. ફીના ધોરણથી માંડીને પ્રવેશ અને શાળાના સંચાલક સહિતની તમામ બાબતો અંગેની ગાઇડ લાઇનની જાહેરાત ટુંક સમયમાં થશે. ધોરણ 10નાં વિદ્યાર્થીઓ પરીક્ષા ફી પરત આપવા સરકારે નહી આપવા માટેનો કોઇ નિર્ણય લીધો નથી. આગામી સમયમાં સંચાલકો અને વાલીઓને સાંભળ્યા બાદ નિર્ણય લેવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, હાલમાં સોશિયલ મીડિયામાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓની પરીક્ષા ફી પરત કરવામાં આવશે તેવા સમાચારો વહેતા થયા છે. જેનું સરકાર દ્વારા ખંડન કરવામાં આવ્યું હતું. હાલ આ અંગે કોઇ જ નિર્ણય લેવાયો નહી હોવાનું જણાવ્યું હતું. આમ, સરકાર દ્વારા બોર્ડની પરીક્ષાને લઇ આજે કેટલીક મહત્વની જાહેરાતો કરવામાં આવી હતી, જેને લઇ છેલ્લા ઘણા સમયથી દ્વિધાભરી પરિસ્થિતિમાં મૂકાયેલા લાખો વિદ્યાર્થી અને વાલીઓમાં સરકારની જાહેરાતને પગલે ભારે રાહતની લાગણી ફેલાઇ હતી.