વિકરાળ આગને લઇ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો – ઝુંપડામાં રહેલ ઘરવખરીનો સામાન, અગત્યના કાગળો-દસ્તાવેજો સહિતનો માલ-સામાન બળીને ખાખ
ફાયરબ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગ કાબૂમાં લીધી- સદનસીબે કોઇ ઇજા કે જાનહાનિ નહી નોંધાતા તંત્રએ રાહતનો દમ લીધો
અમદાવાદ,તા.25
અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં આનંદનગર સામે આવેલા એક ટાવર પાસેની ઝુંપડપટ્ટીમાં આજે સવારે લાગેલી ભીષણ આગમાં 30થી વધુ ઝુંપડાઓ, ઘરવખરીનો સામાન, અગત્યના કાગળો-દસ્તાવેજો સહિતનો માલ-સામાન બળીને ખાખ થઇ ગયો હતો. વિકરાળ આગને પગલે સમગ્ર વિસ્તારમાં ખાસ કરીને સ્થાનિક રહીશોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયરબ્રિગેડના જવાનો પણ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ત્યાં પહોંચી ગયા હતા અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. સદનસીબે આ ઘટનામાં કોઇ ઇજા કે જાનહાનિ નોંધાઇ ન હતી. ઝુંપડપટ્ટીમાં લાગેલી આગ દરમ્યાન ગેસના બે બાટલામાં પણ જોરદાર બ્લાસ્ટ થયો હતો, જેને લઇ સ્થાનિક ભય અને ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદ શહેરના વેજલપુરના રેડિયો મિર્ચી રોડ પર આવેલી ઝુંપડપટ્ટીમાં આગ લાગ્યાનો કોલ સવારે ફાયર વિભાગને મળ્યો હતો. ભીષણ આગ લાગ્યાનો કોલ મળતા જ ફાયર વિભાગનો કાફલો ફાયર ફાઇટર અને જરૂરી સાધનો સાથે તાત્કાલિક આનંદનગર પહોંચ્યો હતો. જ્યાં 30 થી વધુ ઝૂંપડાઓમાં આગ લાગી હતી. વિકરાળ આગને લઇ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઝુંપડપટ્ટી વિસ્તારમાં આવેલ એક ઝૂપડામાં ગેસના સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટથી એક બાદ એક બીજી બાટલામા બ્લાસ્ટ થયો હતો. જેના બાદ આગ ફાટી નીકળી હતી, અને અન્ય ઝૂપડાઓમાં ફેલાઈ હતી. લગભગ 20થી 25 ઝુંપડા આગમાં બળીને ખાખ થઇ ગયા હતા તો 30 થી વધુ ઝુંપડાને નુકસાન થયું છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, જેને લઇ તંત્રએ રાહતનો દમ લીધો હતો.
જો કે, આગ એટલી ભયાનક અને વિકરાળ હતી કે, ફાયર વિભાગની 12 થી વધુ ગાડીનો કાફલો અને 50 થી વધુનો સ્ટાફ આગ બૂઝવવાની કામગીરીમાં લાગી ગયો હતો. જેથી એક-દોઢ કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. પરંતુ ઝુંપડામાં સાંકડી જગ્યા હોવાથી આગને કાબૂમાં લાવવા ભારે મહેનત પડી હતી. સૌથી પહેલા ઝૂંપડપટ્ટીના આખા વિસ્તારને ખાલી કરાવી દેવામાં આવ્યો હતો. સ્થાનિક પોલીસ દ્વારા લોકોને દુર કરવામાં આવ્યા હતા કે, જેથી ફાયરબ્રિગેડના જવાનો આગ બુઝાવવાની કામગીરી સરળતાપૂર્વક કરી શકે. આગ વધુ ભીષણ લાગતાં વધુ ફાયર ફાઈટરોની મદદ લેવામાં આવી હતી. ઝુંપડપટ્ટી ગીચ વિસ્તારમાં અને આસપાસમાં મકાનો આવેલાં હોવાથી આગને કાબૂમાં કરવામાં ફાયરબ્રિગેડને મુશ્કેલી પડતાં મકાનો પર ચડી ફાયરબ્રિગેડ પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો.