ગુજરાતમાં સૌ પ્રથમ વાર કોરોનાની વિકટ પરિસ્થિતિઓના આગોતરા આયોજનના ભાગરૂપ હેલ્થકેર વર્કર્સ માટે એડવાન્સ ટ્રેનિંગ પ્રોગ્રામનો પ્રારંભ થયો
આ તાલીમમાં કોરોના સંલગ્ન તમામ વિકટ પરિસ્થિતિઓ અને આઇ.સી.યુ. કેર મેનેજમેન્ટ પર ભાર મૂકવામાં આવ્યો છે
એક તબીબ એક કોવિડ હોસ્પિટલનું સંચાલન કરી શકે તે માટે સક્ષમ બનાવવા છે : ડૉ.કમલેશ ઉપાધ્યાય
અમદાવાદ,તા.24
અમદાવાદ શહેરના જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ ખાતેની ધન્વતરી કોવિડ હોસ્પિટલમાં ફરજરત હેલ્થકેર વર્કર્સ માટે સાત દિવસીય “કોવિડ એડવાન્સ ટ્રેનિંગ” પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. સાત દિવસીય ટ્રેનિંગ પ્રોગ્રામમાં હેલ્થકેર વર્કર્સને કોરોના સામેની વિકટ પરિસ્થિતિઓ અને આઇ.સી.યુ વ્યવસ્થાપન અંગે તાલીમબદ્ધ કરવામાં આવશે.
ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. હિમાંશુ પંડ્યાએ ટ્રેનિંગ પ્રોગ્રામનો પ્રારંભ કરાવતા કહ્યું કે, કોરોનાની બીજી લહેરમાં સામનો કરવામાં આવેલ વિવિધ પડકારો , પરિસ્થિતિઓના આઘારે કોરોનાની સંભવત: ત્રીજી લહેરના આગોતરા આયોજનના ભાગરૂપે આ તાલીમનું આયોજન કરવામા આવ્યું છે.આ તમામ તાલીમાર્થી તબીબો , મેડિકલ , પેરામેડિકલ સ્ટાફ મિત્રોને ગુજરાત યુનિવર્સિટી દ્વારા તાલીમ અંગેનું પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.
બે તબક્કામાં યોજાનારી આ તાલીમાં ૨૦૦ થી વધુ હેલ્થકેર વર્કર્સને કોરોના ઇમરજન્સી સારવાર માટે સજ્જ કરવામાં આવશે. ગુજરાત સરકાર અને ડી.આર.ડી.ઓના નિષ્ણાંત ૩૦ તબીબો અને કન્સલટન્ટ દ્વારા તમામ હેલ્થકેર વર્કસને સાત દિવસીય તાલીમ આપવામાં આવનાર છે. સાત દિવસીય તાલીમમાં દરોરજ ૨ કલાક થીયરીની તાલીમ આપ્યા બાદ બાકીના કલાકોમાં આઇ.સી.યુ. વોર્ડમાં તમામ હેલ્થકેર વર્કર્સને આઇ.સી.યુ. મેનેજમેન્ટની પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવશે.
આ તાલીમ વિશે વિગતવાર માહિતી આપતા બી.જે.મેડિકલ કોલેજના પ્રોફેસર અને મેડિસીન વિભાગના વડા ડૉ. કમલેશ ઉપાધ્યાયે જણાવ્યું હતુ કે, કોરોનાની બીજી લહેરમાં સામનો કરેલા તમામ પડકારોને ધ્યાનમાં રાખીને આગોતરા આયોજનના ભાગરૂપે હેલ્થકેર વકર્સની તાલીમનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. હાલ ધન્વતરી કોવિડ હોસ્પિટલમાં ફરજરત હેલ્થકેર વર્કર્સને આગોતરા આયોજનના ભાગરૂપે એડવાન્સ તાલીમ આપીને આઇ.સી.યુ. મેનેજમેન્ટ થી લઇ ઇન્ટેસીવ કેરની તાલીમ આપી સજ્જ કરવામાં આવશે. તાલીમ મેળવેલ એક તબીબ સમગ્ર કોવિડ હોસ્પિટલનું સંચાલન કરી શકવા સક્ષમ બને તે હેતુસર આ સંપૂર્ણ તાલીમ હાથ ધરવામાં આવી છે.
સાત દિવસીય તાલીમમાં ખાસ કરીને આઇ.સી.યુ. વોર્ડ વ્યવસ્થાપન અને મેડિકલ ઇમરજન્સીમાં કઇ રીતે સારવાર કરવી તેના પર વધુ ધ્યાન આપવામાં આવશે. આઇ.સી.યુ. વોર્ડના કોરોનાગ્રસ્ત દર્દીને કઇ રીતે સારવાર આપવી, કોરોનાની પરિસ્થિતિમાં સારવારની સાથે બીજા આયામો પર કંઇ રીતે કાર્ય કરવું તે તમામ બાબતોને સંલગ્ન વિષયોને આ તાલીમમાં આવરી લેવામાં આવ્યા છે.
ગુજરાત રાજ્યે અને સમગ્ર દેશે સામનો કરેલ કોરોનાની બીજી લહેરમાંથી ઘણું શીખવા મળ્યું છે જેના ભાગરૂપે ડી.આર.ડી.ઓ. અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસે અને ઘન્વતરી કોવિડ હોસ્પિટલ ના ચેર પર્સન શ્રીમતી અંજૂ શર્મા,ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. હિમાંશુ પંડ્યાના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવેલી આ તાલીમ આવનારી પરિસ્થિતિઓનો સામનો કરવા કારગર સાબિત થશે તેવો ભાવ ડૉ. કમલેશ ઉપાધ્યાયે વ્યક્ત કર્યો હતો. આ તાલીમના શુભારંભ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટી વાઇસ ચાન્સેલર શ્રી હિમાંશુ પંડ્યા,ધન્વતરી કોવિડ હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર શ્રી મનીષ બંસલ, મેડિકલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. જયદિપ ગઢવી, એડિશનલ મેડિકલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. બિમલ મોદી ઉપસ્થિત રહ્યા હતા.