ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ડો.મનીષ દોશીએ વિદ્યાર્થી સમુદાયના હિતમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવી માંગ કરી
કોરોના મહામારી, મંદી અને મોંઘવારીના કપરા કાળમાં પાંચ લાખ વિદ્યાર્થીના હિતમાં તાત્કાલિક એક સત્ર ફી માફીની જાહેરાત કરવા મુખ્યમંત્રીને અનુરોધ
અમદાવાદ,તા.22
રાજ્યના મેડીકલ – પેરામેડીકલ શિક્ષણ અને ઈજનેરી / ફાર્મસી – વ્યવસાયિક અભ્યાસક્રમો સહિત ઉચ્ચ શિક્ષણના વિવિધ અભ્યાસક્રમોમાં એક સત્રની ફી માફ કરવા કોંગ્રેસ પક્ષ તરફથી ગુજરાત સરકાર સમક્ષ ઉગ્ર માંગણી કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ડો.મનીષ દોશીએ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને એક પત્ર પાઠવી કોરોના મહામારી, મંદી અને મોંઘવારીના કપરા કાળમાં પાંચ લાખ વિદ્યાર્થીના હિતમાં તાત્કાલિક સત્ર ફી માફીની જાહેરાત કરવા મુખ્યમંત્રીને અનુરોધ કર્યો છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ડો.મનીષ દોશીએ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, નમસ્તે, કોરોના વૈશ્વિક મહામારીમાં સૌથી વધુ કોઈ વ્યવસ્થા પર અસર થઈ હોય તો તે શિક્ષણ વ્યવસ્થા છે. ૧૪ મહિના જેટલો સમયથી કોલેજો – શૈક્ષણીક સંસ્થાઓમાં શિક્ષણ કાર્ય સંપૂર્ણ બંધ છે સંચાલકોને વિજળી ખર્ચ, વહીવટી ખર્ચ, મેઈન્ટેન્સ ખર્ચ, લેબોરેટરી ખર્ચ સહિતના કોઈ પણ પ્રકારના ખર્ચ થયા નથી ત્યારે સમગ્ર વર્ષની ફી વસુલવાનો નિર્ણય કેટલા અંશે વ્યાજબી ?
મંદી – મોંઘવારી – મહામારી વચ્ચે રાજ્યની ખાનગી મેડીકલ કોલેજોઓ એ આ વર્ષની ફી માં રૂા. ૧૦,૦૦૦ થી રૂા. ૮૩,૦૦૦ નો વધારો ઝીંકવામાં આવ્યો તે કેટલે અંશે વ્યાજબી ? ફી ઘટાડાની જ્યારે અતિ જરૂરિયાત છે તેવા સમયે ફી વધારો ઝીંકીને સામાન્ય-મધ્યમવર્ગની મુશ્કેલીમાં ઊમેરો થયો છે ત્યારે તાકીદે ફી વધારો સ્થગિત કરવામાં આવે તે જરૂરી છે. રાજ્ય સરકાર શા માટે ખાનગી કોલેજોના સંચાલકોની વકીલાત-તરફેણ કરી રહી છે ? સમગ્ર વર્ષમાં કોલેજ કેમ્પસમાં એક દિવસ પણ શિક્ષણ કાર્ય શરૂ થયું નથી છતા કોલેજ સત્તાવાળા ફીની ઉધરાણી કરી રહ્યા છે તે કેટલે અંશે વ્યાજબી ?
રાજ્યમાં છ સરકારી, સોસાયટીની આઠ અને સેલ્ફ ફાઈનાન્સ ૧૫ કોલેજોમાં ૫૫૦૦ બેઠકો છે. સરકારી કોલેજમાં ૨૫૦૦૦ વાર્ષિક ફી, સોસાયટીની કોલેજમાં ૩.૫૦ થી ૧૫ લાખ અને સેલ્ફ ફાયનાન્સમાં ૮ લાખ થી ૨૮ લાખ સુધીની ફી વસૂલવામાં આવી રહી છે. કોરોના મહામારીમાં ૨૧ માર્ચ થી શૈક્ષણીક સંસ્થાઓમાં શૈક્ષણીક કાર્ય સંપૂર્ણ બંધ છે. ડીસેમ્બર મહિનો પૂર્ણ થયા પછી હજુ ક્યારે શિક્ષણ શરૂ થાય તે અંગે અનિશ્ચીતતા પ્રવત્તતી રહી છે. આ સંજોગોમાં જ્યારે શિક્ષણ જ ૧૦ મહિના જેટલા સમયથી સંપૂર્ણ બંધ છે ત્યારે, મેડીકલ કોલેજો સહીતની સંસ્થાઓમાં વહીવટી ખર્ચ, લેબોરેટરી ખર્ચ, મેઈન્ટેનન્સ ખર્ચ, ઈલેક્ટ્રીસીટી ખર્ચા થયા નથી. બીજીબાજુ મંદી, મોંઘવારી થી આર્થિક હાલાકી ભોગવી રહેલા સામાન્ય – મધ્યમવર્ગના પરિવારોને કોરોના મહામારી – લોકડાઉનને લીધે ભારે આર્થિક મુશ્કેલીમાં સપડાઈ ગયા છે. આ સંજોગોમાં રાજ્યના મેડીકલ – પેરામેડીકલ શિક્ષણ અને ઈજનેરી / ફાર્મસી – વ્યવસાયિક અભ્યાસક્રમો સહિત ઉચ્ચ શિક્ષણના વિવિધ અભ્યાસક્રમોમાં એક સત્રની ફી માફ કરવા આપશ્રીને અને મહામહિમશ્રી રાજ્યપાલશ્રીને કોંગ્રેસ પક્ષના પ્રતિનિધીશ્રી મંડળ દ્વારા વિસ્તૃત તાર્કિક કારણો સાથે લેખીત – રૂબરૂ રજુઆત કરવામાં આવી હતી. ત્યારબાદ, બે વખત લેખિતમાં સમગ્ર રાજ્યની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ એક સત્ર ફી રાહત માટે પુનઃ રજુઆત કરવામાં આવી, વડી અદાલતે પણ રાજ્ય સરકારને ફી માફી માટે નિર્ણય લેવા જણાવ્યું છે, પણ દસ મહિના જેટલા સમયથી સમગ્ર શિક્ષણ કાર્ય બંધ છે તેમછતાં આજદિન સુધી ફી માફીનો નિર્ણય કરવામાં આવેલ નથી. બીજીબાજુ, સરકારી, સોસાયટી અને ખાનગી કોલેજોના સંચાલકો વિદ્યાર્થીઓ પાસે શૈક્ષણીક કાર્ય શરૂ થયુ ના હોવા છતાં ફી માટે કડક ઊઘરાણી કરી રહ્યા છે અને દબાણ કરીને ફી ભરવા મજબૂર કરી રહ્યા છે તાકીદે રાજ્યના પાંચ લાખ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ માટે એક સત્ર ફી માટે નિર્ણય કરવા વિનંતી, જેથી સામાન્ય – મધ્યમવર્ગના વાલીઓને રાહત થાય.
રાજ્યના સામાન્ય – મધ્યમવર્ગના પાંચ લાખ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓના હિત અને શિક્ષણના અધિકાર માટે મંદી – મોંઘવારી અને મહામારીના કપરાકાળમાં ફી વધારો તાત્કાલીક સ્થગિત કરીને એક સત્રની ફી માફીનો નિર્ણય જાહેર કરવા આપને પુનઃ નમ્ર વિનંતી છે.