ગુજરાતમાં 230 થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો – સૌથી વધુ વરસાદ ખેડાનાં નડિયાદમાં 9.04 ઇંચ વરસાદ ખાબક્યો
અમદાવાદમાં મે મહિનામાં વરસાદનો રેકોર્ડ તૂટયો – અમદાવાદમાં છ ઇંચ વરસાદ અને 80 કિમી પ્રતિ કલાકની ઝડપે ફુંકાયેલા વરસાદે ભારે તારાજી સર્જી
અમદાવાદ, તા.19
તૌકતે વાવાઝોડાની અસરના કારણે ગત સોમવારથી ગુજરાતનાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાવાઝોડાની અસરના ભાગરૂપે ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો હતો. અમદાવાદ શહેરમાં પણ માત્ર 24 કલાકમાં જ છ ઇંચથી વધુ તોફાની વરસાદ નોંધાયો હતો અને અહીં વાવાઝોડાની ભારે અસર અને તારાજી સામે આવી હતી. રાજયમાં આશરે 230 થી વધુ તાલુકામાં સામાન્યથી ભારે અને અતિ ભારે વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ ખેડાનાં નડિયાદમાં 9.04 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે ગીરસોમનાથમાં 7.4 ઇંચ વરસાદ નોંધાયો હતો.
તૌકતે વાવાઝોડાએ હવે રાજયમાંથી વિદાય લઇ લીધી છે ત્યારે હજુ પણ અમદાવાદ શહેર સહિત રાજયના ઘણા ખરા વિસ્તારોમાં વરસાદની શકયતા પ્રવર્તી રહી છે, તેને લઇને જ હવામાન વિભાગ દ્વારા હજી ત્રણ દિવસ રાજ્યમાં ધોધમારથી લઈને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ સહિત કુલ 23 જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી વ્યકત કરવામાં આવી છે.
ખાસ કરીને તા.20 અને 21 મેના રોજ રાજયના ઉત્તર ગુજરાત સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્ય પ્રકારનો વરસાદ નોંધાવાની આગાહી વ્યકત કરાઇ છે, તૌકતે વાવાઝોડાની અસરના ભાગરૂપે રાજયના આશરે 230 થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ખેડાનાં નડિયાદમાં 9.04 ઇંત વરસાદ ખાબક્યો છે. જ્યારે ગીરસોમનાથમાં 7.4 ઇંચ વરસાદ નોંધાયો છે. જે નોંધનીય રહ્યા હતા. રાજયના અનેક વિસ્તારોમાં વાવાઝોડાના કારણે ભારે તબાહી અને તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા.
બીજીબાજુ, તૌકતે વાવાઝોડાએ મે મહિનામાં અમદાવાદ શહેરમાં વરસાદનો રેકોર્ડ તોડયો હતો અને નવો રેકોર્ડ સર્જયો હતો. હવે શુક્રવારથી વાતાવરણ સાફ થાય તેવું મનાઇ રહ્યું છે. ગુજરાતમાં લગભગ 23 વર્ષના લાંબા ગાળા બાદ તૌકતે વાવાઝોડાએ અમદાવાદને ભયાનક ઝંઝાવાત, વરસાદ અને તારાજીની થપાટ મારી મે મહિનામાં વરસાદનો નવો રેકર્ડ સર્જયો હતો. અમદાવાદમાં મે મહિનામાં છ ઇઁચથી વધુ વરસાદ નોંધાયો હતો, જે દરમ્યાન પવનની ગતિ પણ કલાકના 80 કિલોમીટર સુધીની રહી હતી. અગાઉ 1998માં લક્ષદ્વીપથી ઉદ્ભવેલું એક વાવાઝોડાએ અમદાવાદ નજીકથી પસાર થઇ ભારે અસર વર્તાવી હતી ત્યારબાદ ગઇકાલે તૌકતે વાવાઝોડાએ અમદાવાદ શહેરને કારમી થપાટ માર્યા બાદ ઉત્તર ગુજરાત તરફ ફંટાઇને રાજસ્થાન તરફ વિદાય લીધી હતી.
વાવાઝોડાના પગલે ગુજરાતમાં મે મહિનામાં વરસાદી માહોલ છવાયો છે. છેલ્લા 24 કલાકમાં વરસાદનાં આંકડાની વાત કરીએ તો, ખેડાનાં નડિયાદમાં 9.04 ઇંચ, ગીરસોમનાથમાં 7.4 ઇંચ, ઉનામાં 7.08, ભાવનગરમાં 6.56, ખેડામાં 6.52, આણંદમાં 6.36, વલસાડનાં ઉમરગામમાં 06.08 ઇંચ, માતારમાં 5.92, પારડીમાં 5, ખંભાતમાં 5.2 ઇંચ, સુરતમાં 5 ઇંચ અને અમદાવાદમાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
આજે રાજયના સાબરકાંઠા, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ અને મોરબીમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો હતો. તો, અરવલ્લી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, ખેડા, આણંદ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, બોટાદ અને જામનગરમાં પણ છૂટોછવાયો અને સામાન્યથી ભારે વરસાદ નોંધાયો હતો. આ તમામ વિસ્તારમાં પ્રતિકલાકે 40થી 60 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાનું ચાલુ રહ્યું હતું. હવે આવતીકાલે એટલે તા.20મી તારીખે, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, વડોદરા, નર્મદા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી અને કચ્છમાં હળવાથી મધ્ય પ્રકારનો વરસાદ પડશે તથા પ્રતિ કલાકે 30થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની શકયતા હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.